મોબાઇલમાં વિડિયો-રેકૉર્ડિંગ ચાલુ રાખીને પોલીસ-કૉન્સ્ટેબલે કરી આત્મહત્યા

08 October, 2024 03:40 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પોતાના મૃત્યુ માટે કોઈને જવાબદાર ન ગણવાનું અને જીવનથી કંટાળીને પગલું ભરી રહ્યો હોવાનું મૃતદેહ નજીકથી મળેલા મોબાઇલના વિડિયોમાં જોવા મળ્યું

મીરા રોડમાં સુસાઇડ કરનારો પોલીસ-કૉન્સ્ટેબલ સાગર અથનીકર

મીરા-ભાઈંદર-વસઈ-વિરાર પોલીસ કમિશનરેટના મુખ્યાલયના કન્ટ્રોલરૂમમાં કાર્યરત ૨૩ વર્ષના કૉન્સ્ટેબલ સાગર અથનીકરે રવિવારે સાંજે છ વાગ્યે ઘરમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હોવાનું જાણવા મળ્યું હતું. મૂળ સાંગલીના અને મીરા રોડના કાશીગાંવ વિસ્તારમાં રહેતા કૉન્સ્ટેબલ સાગર અથનીકરે ગળે ફાંસો ખાધો એ પહેલાં તેના મોબાઇલમાં વિડિયો-રેકૉર્ડિંગ ચાલુ કર્યું હતું. મોબાઇલ થોડે દૂર રાખીને બાદમાં પંખા સાથે લટકી ગયો હતો. મૃત્યુ પામતાં પહેલાં કૉન્સ્ટેબલ સાગર અથનીકરે કહ્યું હતું કે ‘મારા મૃત્યુ માટે કોઈને જવાબદાર ન ગણવા. હું આ પગલું જીવનથી કંટાળીને ભરી રહ્યો છું.’

મીરા રોડના કાશીગાંવ પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર રાહુલકુમાર પાટીલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કન્ટ્રોલરૂમમાં ફરજ બજાવતા કૉન્સ્ટેબલ સાગર અથનીકરનો મૃતદેહ અહીંના અપના ઘર બિલ્ડિંગના ફ્લૅટમાંથી રવિવારે સાંજે છ વાગ્યે મળી આવ્યો હતો. તે અહીં અન્ય ત્રણ પોલીસ-કર્મચારી સાથે રહેતો હતો. ઘટનાસ્થળેથી કોઈ સુસાઇડ નોટ મળી નથી, પણ પંખા સાથે લટકેલા મૃતદેહ નજીકથી મોબાઇલ મળ્યો હતો, જેમાં કૉન્સ્ટેબલ સાગરે રેકૉર્ડ કરેલો વિડિયો મળી આવ્યો હતો. આ વિડિયોમાં તે સુસાઈડ શું કામ કરી રહ્યો છે એ વિશે બોલી રહ્યો હોવાનું જણાઈ આવે છે. કોઈ દુઃખ ન હોય તો શા માટે આ પગલું ભર્યું? ૨૩ વર્ષની ઉંમર હતી એટલે લવ-અફેર હશે? કે બીજા કોઈ કારણસર આ પગલું ભર્યું છે એની અમે તપાસ કરી રહ્યા છીએ.’

mumbai police suicide mira road mumbai mumbai news