પુરુષનો અવાજ કાઢીને યુવતીએ પોતાની મિત્ર સાથે કરી છેતરપિંડી

28 June, 2024 02:52 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ ટેક્નૉલૉજીનો ઉપયોગ કરીને સાડાછ લાખ રૂપિયા પડાવ્યા

પ્રતીકાત્મક તસવીર

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) ટેક્નૉલૉજીનો ઉપયોગ કરીને પોતાની જ મિત્ર સાથે છેતરપિંડી કરનારી યુવતીની કાશીગાંવ પોલીસે ધરપકડ કરી છે. આરોપી યુવતીએ પુરુષનો અવાજ કાઢીને મિત્ર યુવતી પાસેથી લાખો રૂપિયા પડાવ્યા હતા.

મીરા રોડની એક હાઇ-ફાઇ સોસાયટીમાં રહેતી ઍનીની એ જ બિલ્ડિંગમાં ભાડે રહેવા આવેલી રશ્મિ સાથે મિત્રતા થઈ હતી અને બન્ને એકબીજા પર ખૂબ વિશ્વાસ કરવા લાગી હતી. બે-ત્રણ મહિનાની મિત્રતા બાદ રશ્મિએ ઍનીને પોતાના મિત્રની ઑફિસમાં સારી સૅલેરી સાથે જૉબ પર લગાડવાની લાલચ આપી હતી. એ માટે તેણે તેનો બાયોડેટા અને અન્ય દસ્તાવેજો પણ લીધા હતા. થોડા દિવસ બાદ ઍની પર અભિમન્યુ મહેરા નામના યુવકનો ફોન આવ્યો હતો. આ યુવકે તેને કહ્યું હતું કે તે ઍનીને નોકરી આપવાનો છે. જોકે બાદમાં યુવકે નોકરીને બદલે બિઝનેસમાં ભાગીદારીની ઑફર કરી હતી. એ માટે થોડા ફન્ડની પણ જરૂર પડશે એવું કહેતાં બિઝનેસમાં ભાગીદારી માટે ઍનીએ અભિમન્યુને ૬.૬૦ લાખ રૂપિયા ઑનલાઇન મોકલ્યા હતા. આ દરમ્યાન ઍની અભિમન્યુ પાસે બિઝનેસ વિશે માહિતી માગી રહી હતી અને મળવાની પણ સતત માગણી કરી રહી હતી. જોકે અભિમન્યુ સતત ના પાડતો હોવાથી તેને શંકા ગઈ હતી. અંતે તેણે આ વિશે કાશીગાંવ પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

અસિસ્ટન્ટ પોલીસ-ઇન્સ્પેક્ટર અભિજિત લોંડેએ ટેક્નિકલ ખામીની ઝીણવટભરી તપાસ શરૂ કરી ત્યારે સ્પષ્ટ થયું કે ઇનકમિંગ કૉલ રશ્મિ કર તરફથી આવી રહ્યો હતો. તેથી પોલીસે રશ્મિની ઊંડાણપૂર્વક પૂછપરછ કર્યા બાદ તેણે કબૂલ્યું હતું કે પુરુષના અવાજમાં ફોન તે જ કરી રહી હતી. પોલીસે માહિતી આપી હતી કે તેની સામે છેતરપિંડી અને અન્ય કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

mira road ai artificial intelligence Crime News mumbai crime news mumbai mumbai news mumbai police