મીરા-ભાઈંદરના બીજેપીના નેતાનું ફેસબુક અકાઉન્ટ થઈ ગયું હૅક

19 October, 2023 11:45 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મહિલાના અશ્લીલ ફોટો એના પર અપલોડ કરવામાં આવ્યા : પોલીસ આરોપીની શોધમાં

બીજેપીના નેતા રવિ વ્યાસ

મીરા-ભાઈંદર વિધાનસભા-૧૪૫ના બીજેપીના અધ્યક્ષ રવિ વ્યાસ સોશ્યલ મીડિયા પર ખૂબ ઍક્ટિવ હોય છે. જોકે અચાનક તેમનું ફેસબુક અકાઉન્ટ અને ફેસબુક પેજ હૅક કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં, એના પર મહિલાના અશ્લીલ અને નગ્ન ફોટો અપલોડ કરવામાં આવ્યા હતા. આ વિશે તાત્કાલિક ફરિયાદ નોંધાવીને ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને પોલીસ આરોપીની તપાસ કરી રહી છે.

સોશ્યલ મીડિયા પર કાર્યરત રહેતા હોવાનું ધ્યાનમાં લઈને ઍન્થની ડ્યુન નામના ફેક ફેસબુક પ્રોફાઇલધારક દ્વારા રવિ વ્યાસના ફેસબુક અકાઉન્ટ અને ફેસબુક પેજને હૅક કરીને એના પર મહિલાના અશ્લીલ અને નગ્ન ફોટો અપલોડ કરવામાં આવ્યા હતા. આ વિશે વધુ માહિતી આપતાં રવિ વ્યાસે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘મને અચાનક લોકોના ફોન આવવા લાગ્યા કે તમારા ફેસબુક પેજ પર સ્ટોરી અપલોડ થઈ છે અને એમાં અશ્લીલ ફોટો અપલોડ કરવામાં આવ્યા છે. એથી મેં તરત જ અકાઉન્ટ ચેક કરવા તપાસ કરી તો મારું અકાઉન્ટ ઍક્સેસ જ થઈ રહ્યું નહોતું. લોકોના ફોન પર ફોન આવવા લાગ્યા હતા એટલે મેં સાઇબર ક્રાઇમમાં તરત જ જાણ કરીને ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ નોંધાયા બાદ પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. પોલીસે કાર્યવાહી કરીને હાલમાં મારા અકાઉન્ટનું ઍક્સેસ કરી આપ્યું છે.’

bharatiya janata party mira road bhayander facebook mumbai mumbai news social media