26 February, 2025 02:10 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઇકો-ફ્રેન્ડ્લી ગણેશોત્સવ
પ્લાસ્ટર ઑફ પૅરિસ (PoP) પર્યાવરણ માટે જોખમી છે એટલે આગામી ગણેશોત્સવમાં વધુ ને વધુ ભક્તો શાડૂ માટીની મૂર્તિની સ્થાપના કરે એ માટેની અવેરનેસ લાવવા માટે આગામી રવિવારે એટલે કે બીજી માર્ચે મીરા ભાઈંદરના ક્વીન્સ પાર્કમાં આવેલા સુધરાઈના અપ્પાસાહેબ ધર્માધિકારી બૅન્ક્વેટ હૉલમાં શાડૂની મૂર્તિનું એક દિવસનું એક્ઝિબિશન રાખવામાં આવ્યું છે. જોકે મહાનગરપાલિકાએ આ એક્ઝિબિશન માટે ૧.૧૮ લાખ રૂપિયા ચાર્જ લગાવ્યો છે એને લીધે વિવાદ થયો છે. મીરા-ભાઈંદર મહાનગરપાલિકા એક તરફ ઇકો-ફ્રેન્ડ્લી ગણેશોત્સવને પ્રોત્સાહન આપવા માટે જાતજાતના કાર્યક્રમનું આયોજન કરે છે અને બીજી બાજુ એક્ઝિબિશન કરવા માટે મોટી ફી વસૂલે છે એટલે આયોજકો અને ગણેશભક્તોમાં નારાજગી જોવા મળી રહી છે.
મીરા ભાઈંદરમાં ગણેશભક્તોમાં ઇકો-ફ્રેન્ડ્લી ગણેશોત્સવની જાગૃતિ લાવવા માટે ભારતીય જનતા પાર્ટીના ભૂતપૂર્વ નગરસેવક અને મીરા ભાઈંદર મહાનગરપાલિકાના ભૂતપૂર્વ ડેપ્યુટી મેયર હસમુખ ગેહલોટ દ્વારા બે વર્ષથી શાડૂ માટીની મૂર્તિઓનું એક્ઝિબિશન કરવામાં આવે છે. આ વર્ષે બીજી માર્ચે શાડૂ માટીની ૧૨૦ મૂર્તિઓનું એક્ઝિબિશન રાખવામાં આવ્યું છે. સુધરાઈની માલિકીના બૅન્ક્વેટ હૉલમાં રાખવામાં આવેલા આ એક્ઝિબિશન માટે ૧.૧૮ લાખ રૂપિયા ભાડું લેવામાં આવ્યું છે. સામાન્ય રીતે સુધરાઈની માલિકીના ગ્રાઉન્ડ કે હૉલ માટેનું ભાડું બધાને પરવડે એટલું હોય છે, પણ સામાજિક કાર્ય માટેના એક જ દિવસના કાર્યક્રમ માટે વધુ રૂપિયા ચાર્જ કરવામાં આવ્યા છે. આ વિશે હસમુખ ગેહલોટે નારાજીગી વ્યક્ત કરી છે અને સુધરાઈના કમિશનરને ભાડાના નિયમમાં ઘટતું કરવાની માગણી કરી હતી.
મીરા ભાઈંદર મહાનગરપાલિકાના કમિશનર-કમ-ઍડ્મિનિસ્ટ્રેટર સંજય કાટકરે કહ્યું હતું કે આ વિશે માહિતી લઈને પાલિકાના હૉલ માટેના ચાર્જનો ઉકેલ લાવવામાં આવશે.