મીરા-ભાઈંદરમાં કોર્ટના અન્ડર કન્સ્ટ્રક્શન બિલ્ડિંગમાં ચોરી

31 December, 2024 11:34 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૧૨ AC, ટેલિફોન સિસ્ટમ, CCTV સહિત કુલ ૧૮ લાખ રૂપિયાનો માલ લઈને ચોરો રફુચક્કર

બની રહેલા કોર્ટના મકાનમાંથી AC સહિત વાયર, CCTV અને અન્ય માલ ચોરાઈ ગયો.

મીરા-ભાઈંદરના લોકોએ કોર્ટના કામકાજ માટે છેક થાણે જવું પડે છે એટલે તેમને રાહત મળી રહે એ માટે મીરા રોડના હાટકેશમાં કોર્ટનું મકાન બનાવવાનું નક્કી થયું હતું અને છેલ્લાં ૧૦ વર્ષથી એનું કામકાજ ચાલી રહ્યું છે. હવે એવા ન્યુઝ આવ્યા છે કે આ તૈયાર થઈ રહેલા કોર્ટના મકાનમાંથી જ ૧૨ ઍર-કન્ડિશનર (AC) સહિત મકાનમાં બેસાડાયેલા કૉપરના વાયર, EPABX સિસ્ટમ (પ્રાઇવેટ ટેલિફોન સિસ્ટમ), ક્લોઝ્‍ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરા અને અન્ય સામાન મળીને કુલ ૧૮ લાખ રૂપિયાનો માલ ચોરાયો છે. આ બાબતે મીરા રોડના કાણકિયા પોલીસ-સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. પોલીસ હવે એ ચોરને પકડવા માટે તપાસ કરી રહી છે.

ચોરીની આ ઘટના વિશે માહિતી આપતાં પબ્લિક વર્ક્‍સ ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી એન્જિનિયર રવિશંકર સૂર્યવંશીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમને આ ચોરીની જાણ કરવામાં આવતાં અમે તપાસ કરી છે. ડિસ્ટ્રિક્ટ જજ દ્વારા મીરા-ભાઈંદર, વસઈ-વિરાર પોલીસ કમિશનરને કોર્ટના બિલ્ડિંગને પોલીસ-સુરક્ષા પૂરી પાડવા માટેનો પત્ર લખ્યો હતો છતાં સુરક્ષા પૂરી પાડવામાં આવી નહોતી. હવે ચોરી થયાની જાણ થતાં અમે તપાસ કરી છે અને શું ચોરાયું છે એનું લિસ્ટ પોલીસ અને ડિસ્ટ્રક્ટ જજને આપવાના છીએ.’

mira road bhayander crime news news mumbai crime news mumbai mumbai news mumbai police