24 December, 2024 11:22 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઈલ તસવીર
મુંબઈને અડીને આવેલા મીરા-ભાઈંદર અને વસઈ-વિરાર પોલીસ કમિશનરેટમાં સામેલ મીરા-ભાઈંદરના ઝોન-૧માં આ વર્ષના જાન્યુઆરીથી નવેમ્બર સુધીના ૧૧ મહિનામાં હત્યા, હત્યાનો પ્રયાસ અને મારામારીના નોંધવામાં આવેલા તમામ કેસ ઉકેલવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. આ સમયગાળામાં હત્યાના ૩, હત્યાના પ્રયાસના ૧૫ અને મારામારીના ૭૩ કેસ વિવિધ પોલીસ-સ્ટેશનમાં નોંધવામાં આવ્યા હતા.
અગાઉ આ વિસ્તાર થાણે ગ્રામીણ અને પાલઘર પોલીસ વચ્ચે વહેંચાયેલા હતા, પણ મીરા-ભાઈંદર વસઈ-વિરાર માટે ૨૦૨૦ની ૧ ઑક્ટોબરે સ્વતંત્ર પોલીસ કમિશનરેટની શરૂઆત કરવામાં આવી હતી. ચાર વર્ષમાં પોલીસ-સ્ટેશનની સંખ્યા ૧૩થી વધીને ૧૯ થઈ છે જેને લીધે આ વિસ્તારમાં ગુનેગારીમાં થોડું નિયંત્રણ આવ્યું છે એટલું જ નહીં, ગુના નોંધવામાં આવ્યા છે એ ઉકેલવામાં પણ સફળતા મળી રહી છે.
મીરા-ભાઈંદરના ઝોન-૧માં આ વર્ષે હત્યા, હત્યાનો પ્રયાસ અને મારામારી ઉપરાંત ચોરીના ૨૦ કેસમાંથી ૧૭, ચેઇન આંચકવાના પાંચમાંથી પાંચ, હુમલો કરવાના ૨૬૨માંથી ૨૬૦, બળાત્કારના ૧૩૨માંથી ૧૩૧, વિનયભંગના ૧૬૩માંથી ૧૫૮, ભગાવી જવાના ૧૪૪માંથી ૧૩૭ અને જીવલેણ અકસ્માતના ૫૧માંથી ૪૬ કેસ પોલીસ દ્વારા ઉકેલવામાં આવ્યા છે.