રશિયામાં ફસાયેલા ભારતીયોને બચાવાશે

24 February, 2024 07:25 AM IST  |  Mumbai | Faizan Khan

વિદેશ મંત્રાલય હસ્તક્ષેપ કરશે : મૉસ્કોમાં દૂતાવાસ પ્રતિક્રિયા નથી આપી રહ્યો એવા પરિવારના આરોપોને અધિકારીઓએ નકાર્યા : યુક્રેનના લશ્કર સામે લડવા માટે આ ભારતીયોને રશિયા-યુક્રેન બોર્ડર પર લઈ જવાયા છે

પ્રતીકાત્મક તસવીર

વિદેશ મંત્રાલયે શુક્રવારે રશિયામાં ફસાયેલા ભારતીય નાગરિકો વિશે એક નિવેદન બહાર પાડ્યું છે, જેમને યુક્રેન આર્મીની સામે લડવા માટે રશિયા-યુક્રેન સરહદ પર લઈ જવામાં આવી રહ્યા છે. ઓછામાં ઓછી ત્રણ વ્યક્તિ સરહદ પર ઘાયલ થઈ છે. મંત્રાલયે જણાવ્યું હતું કે અમે જાણીએ છીએ કે કેટલાક ભારતીય નાગરિકોએ રશિયન સૈન્યમાં સપોર્ટ રોલ માટે નોંધણી કરી છે.

વિદેશ મંત્રાલયે એવું પણ જણાવ્યું હતું કે ભારતીય દૂતાવાસ તેમના વહેલા ડિસ્ચાર્જ માટે સંબંધિત રશિયન અધિકારીઓ સાથે નિયમિત વાતચીત કરી રહ્યો છે. તેમણે કહ્યું હતું કે અમે તમામ ભારતીય નાગરિકોને યોગ્ય સાવચેતી રાખવા અને આ સંઘર્ષથી દૂર રહેવા વિનંતી કરીએ છીએ.

અધિકારીઓએ પરિવારના એ આરોપોને નકાર્યા છે કે મૉસ્કોમાં દૂતાવાસ પ્રતિક્રિયા નથી આપી રહ્યો. એમઈએના એક સૂત્રએ જણાવ્યું હતું કે ‘અમે અમારા ધ્યાનમાં આવેલી દરેક બાબતને સંબોધિત કરી છે અને અમારા સમકક્ષો સાથે સતત ફૉલોઅપ લઈ રહ્યા છીએ. પીડિતોના પરિવારોની ઉપેક્ષા કરવાનો કોઈ પ્રશ્ન નથી.’

‘મિડ-ડે’એ કેટલાક પરિવારના એવા દાવાને ટાંક્યા હતા જેમણે કહ્યું હતું કે મૉસ્કોમાં દૂતાવાસ તરફથી કોઈ પ્રતિસાદ મળ્યો નથી. જોકે સૂત્રોએ આ વાત નકારી કાઢી છે. ઉપરાંત, અધિકારીઓએ જણાવ્યું હતું કે રશિયામાં ઘણા યુવાનોને દૂતાવાસની સહાયથી રેડ ઝોન વિસ્તારમાંથી બચાવવામાં આવ્યા છે, પણ તેઓ પાછા ફરવા ઇચ્છતા નથી. મંત્રાલયે સ્પષ્ટતા કરી હતી કે તેમના રેકૉર્ડ મુજબ હાલમાં ફક્ત ૧૫થી ૨૦ લોકો જ ફસાયેલા છે અને તેઓ એના પર સક્રિયપણે કામ કરી રહ્યા છે. જો અન્ય કોઈ વ્યક્તિ ફસાયેલી હોય તો તેમણે મંત્રાલયનો સંપર્ક કરવો જોઈએ.

mumbai news mumbai russia ukraine