24 January, 2025 01:15 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઓલા અને ઉબર
ઓલા અને ઉબર ઍન્ડ્રૉઇડ અને આઇફોનથી રાઇડ બુક કરનારા કસ્ટમરોને અલગ-અલગ ભાડું ચાર્જ કરતી હોવાથી મિનિસ્ટ્રી ઑફ કન્ઝ્યુમર અફેર્સે આ બન્ને કંપનીઓને નોટિસ મોકલી છે.
થોડા સમય પહેલાં દિલ્હીના એક ઑન્ટ્રપ્રનરે આ બાબતે સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરી હતી જેમાં તેમણે એક જ જગ્યાએ જવા માટે ઍન્ડ્રૉઇડ અને આઇફોનના કસ્ટમર પાસેથી કેવી રીતે જુદા-જુદા ભાડાં વસૂલ કરવામાં આવે છે એ જણાવ્યું હતું. દિલ્હીના આ બિઝનેસમૅને એક પછી એક પોસ્ટ કર્યા બાદ કેન્દ્રના કન્ઝ્યુમર અફેર્સ ખાતાના પ્રધાન પ્રહલાદ જોશીએ એની નોંધ લઈને સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઑથોરિટી (CCPA)ને આની તપાસ કરીને રિપોર્ટ સુપરત કરવાનો આદેશ આપ્યો હતો. તેમનું કહેવું હતું કે ‘આવી અનફેર ટ્રેડ પ્રૅક્ટિસ કોઈ પણ સંજોગોમાં ચલાવી ન લેવાય. આ તો ગ્રાહકો સાથે પારદર્શક રહેવાના તેમના અધિકારોનું ઉલ્લંઘન છે. અમારી સરકાર ગ્રાહકોનું શોષણ કોઈ પણ ભોગે નહીં ચલાવી લે.’
બન્ને કૅબ ઍગ્રીગેટર્સને જે નોટિસ મોકલવામાં આવી છે એમાં તેમને ભેદભાવ કરવાનું કારણ પૂછવામાં આવ્યું છે. શરૂઆતમાં ઉબર તરફથી આ આક્ષેપને ફગાવી દેવામાં આવ્યા હતા અને એણે કહ્યું હતું કે પૈસામાં ફેરફાર હોવા પાછળ ઘણાં પરિબળો હોય છે. જેમ કે એસ્ટિમેટેડ ટાઇમ ઑફ અરાઇવલ (ETA), કસ્ટમરને ક્યાંથી પિક-અપ કરવામાં આવ્યા છે અને ખરેખર ક્યાં છોડવામાં આવ્યા છે.