વેપારી અસોસિએશનો દ્વારા પીયૂષ ગોયલનું સન્માન

08 October, 2024 03:35 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વાણિજ્ય અને ઉદ્યોગપ્રધાન સમક્ષ વેપારી આલમની સમસ્યાઓ રજૂ કરવામાં આવી

વેપારી અસોસિએશનો દ્વારા પીયૂષ ગોયલનું સન્માન

મહારાષ્ટ્રનાં વિવિધ વેપારી અસોસિએશનોને આવરી લેતા ફેડરેશન ઑફ અસોસિએશન્સ ઑફ મહારાષ્ટ્ર (FAM) અને ઇન્ડિયન મર્ચન્ટ્સ ચેમ્બર (IMC) દ્વારા સંયુક્તરૂપે યોજાયેલા કાર્યક્રમમાં કેન્દ્રના વાણિજ્ય અને ઉદ્યોગપ્રધાન પીયૂષ ગોયલનું ભારતીય વેપારીઓનાં હિતોને આગળ વધારવા અને એને સમર્થન આપવા બદલ સન્માન કરવામાં આવ્યું હતું. FAMના અધ્યક્ષ જિતેન્દ્ર શાહ અને IMCના અધ્યક્ષ સંજય મરીવાલાએ તેમને ‘મેડ ઇન ઇન્ડિયા’ સ્મૃતિચિહ્‍‍ન અને એક સુંદર ચિત્ર ભેટ આપ્યું હતું. આ કાર્યક્રમમાં વેપારીજગતનાં ૨૫૦થી વધુ અસોસિએશનના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.

મુંબઈ પોર્ટ ટ્રસ્ટની જમીનનો વિવાદ

આ કાર્યક્રમમાં જે મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા થઈ એમાં એક મહત્ત્વનો મુદ્દો મુંબઈ પોર્ટ ટ્રસ્ટની જમીનનો હતો. આ જમીન વડાલાથી લઈને કોલાબા સુધી ફેલાયેલી છે. લગભગ એક લાખ લોકો આ જમીનના પટ્ટા પર રહે છે જેમને કોઈ પણ વૈકલ્પિક આવાસ ન આપતાં તેમને તેમની જમીન પરથી બેદખલ કરાયા છે એવી નોટિસ આપવામાં આવી છે. FAM દ્વારા ​પીયૂષ ગોયલને એવી રજૂઆત કરાઈ છે કે આ મુદ્દો તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સુધી પહોંચાડે. ત્યાંના રહેવાસીઓએ શહેરનો વિકાસ થાય એ માટે ત્યાંથી ખસી જવાની મંજૂરી દાખવી છે, પણ તેમનું કહેવું છે કે તેમને તેમના વિસ્તારની નજીક જ વૈકલ્પિક જગ્યા આપવામાં આવે.    

સ્ટેનલેસ સ્ટીલના વેપારની સમસ્યા

FAMના અધ્યક્ષ જિતેન્દ્ર શાહે અન્ય મુદ્દે રજૂઆત કરતાં કહ્યું હતું કે ‘વાસણ બનાવવા માટેની સામગ્રી (મેટલ)ને નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) ઇશ્યુ કરવામાં મોડું થાય છે, કન્ટેનરો બંદર પર રોકી રખાય છે જેના કારણે વેપારીઓને આર્થિક નુકસાન ઉઠાવવું પડે છે. એ સિવાય ક્વૉલિટી સ્ટાન્ડર્ડ માટેના બ્યુરો ઑફ ​ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્‍સ (BIS)ને ફૉલો કરવા લૅબોરેટરી અને કર્મચારીઓની કમીને કારણે પડકારો, સમસ્યા ઉદ્ભવે છે. એ સિવાય મેટલ રીસાઇક્લિંગ માટે માલ લઈને આવતાં કન્ટેનરોની ચકાસણી કરી પ્રી-શિપમેન્ટ ઇન્સ્પેક્શન સર્ટિફિકેટ આપતી એજન્સીઓની નિમણૂકમાં પણ થતા ડીલેને કારણે કન્ટેનરને રિલીઝ કરવામાં સમસ્યાઓ આવે છે.’

વાણિજ્ય પ્રધાનનું આશ્વાસન

પીયૂષ ગોયલે તેમની રજૂઆતને ગંભીરતાથી લીધી હતી અને આશ્વાસન આપતાં કહ્યું હતું કે આ બાબતે તેઓ ત્વરિત કાર્યવાહી કરશે અને વહેલી તકે એ સમસ્યાઓનો ઉકેલ લાવવામાં આવશે. 

commodity market business news mumbai mumbai news piyush goyal