11 July, 2024 09:32 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આરોપી મિહિર શાહનો દાઢીવાળો અને ક્લીન લુકવાળો ફોટો. (ફાઇલ તસવીરો)
વરલી હિટ ઍન્ડ રન મામલાના ધરપકડ કરવામાં આવેલા મુખ્ય આરોપી મિહિર શાહને ગઈ કાલે શિવડી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે તેને ૧૬ જુલાઈ સુધી પોલીસ-કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો હતો. અકસ્માત પછી પલાયન થઈ ગયા બાદ ઓળખ છુપાવવા માટે મિહિરે દાઢી અને મૂછ કપાવી નાખ્યાં હોવાનું પોલીસે કહ્યું હતું. આરોપી મિહિર શાહે દારૂના નશામાં કાર ચલાવીને વરલીમાં એટ્રિયા મૉલ પાસે સ્કૂટી પર જઈ રહેલા કપલને ઉડાવતાં મહિલાનું મૃત્યુ થયું હતું. અકસ્માત કર્યા બાદ મિહિર પલાયન થઈ ગયો હતો. પોલીસે તેની વિરારમાંથી ધરપકડ કરી હતી અને ગઈ કાલે કોર્ટમાં રજૂ કર્યો હતો.
પોલીસની તપાસમાં જણાયું છે કે ઍક્સિડન્ટ કર્યા બાદ મિહિરે તેની ગર્લફ્રેન્ડને ૪૦ કૉલ કર્યા હતા. બાદમાં તે ઑટોમાં બેસીને ગર્લફ્રેન્ડના ગોરેગામના ઘરે બે કલાક રોકાયો હતો. ગર્લફ્રેન્ડે મિહિરની બહેનને કૉલ કરીને આ ઘટનાની જાણ કરી હતી. મિહિરની બહેન ગોરેગામ પહોંચી હતી અને તે મિહિરને બોરીવલીમાં આવેલા તેના ઘરે લઈ ગઈ હતી. બાદમાં મિહિરનાં મમ્મી મીના, બહેનો પૂજા અને કિંજલ તેમ જ ફ્રેન્ડ અવદીપ શહાપુરમાં આવેલા રિસૉર્ટ જવા નીકળ્યાં હતાં. સોમવારે રાતે આરોપી મિહિર ફ્રેન્ડ સાથે વિરારમાં રહેતા એક કુટુંબીના ઘરે ગયો હતો. અહીં ફ્રેન્ડે મોબાઇલ સ્વિચ-ઑન કર્યો હતો. પોલીસની મિહિર પર વૉચ હતી એટલે એ વિરારમાં ટ્રેસ થતાં તેની ધરપકડ કરવામાં આવી હતી.
મિહિર શાહે પોતે કાર ચલાવતો હતો ત્યારે અકસ્માત થયો હોવાનું કબૂલ્યું છે. આથી વિરોધ પક્ષોએ એકનાથ શિંદેને નિશાના પર લીધા છે. આથી મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મિહિરના પિતા રાજેશ શાહની શિવસેનાના ઉપનેતાપદેથી ગઈ કાલે હકાલપટ્ટી કરી હોવાનું જાણવા મળ્યું હતું.
જુહુના વાઇસ ગ્લોબલ તપસ બારનું ગેરકાયદે બાંધકામ તોડી પડાયું
વરલીના હિટ ઍન્ડ રન કેસના આરોપી મિહિર શાહે જુહુના વાઇસ ગ્લોબલ તપસ બારમાં ફ્રેન્ડ્સ સાથે પાર્ટી કર્યા બાદ વરલીમાં ઍક્સિડન્ટ કર્યો હતો. આ બારના ગ્રાઉન્ડ અને પહેલા માળે કરવામાં આવેલું ૩૫૦૦ ચોરસ ફીટનું ગેરકાયદે બાંધકામ ગઈ કાલે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ તોડી પાડ્યું હતું. જુહુના ચર્ચ રોડ પર કિંગ્સ ઇન્ટરનૅશનલ હોટેલ પાસે આવેલા આ બારને ખાલી કરાવવામાં આવ્યા બાદ તોડકામ કરવામાં આવ્યું હતું. (તસવીર - અનુરાગ અહિરે)