પોલીસ હોવાનો દાવો કરનારા ક્લીન-અપ માર્શલ પકડાયા

21 October, 2024 07:32 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઈ-સિગારેટ પીતી કૉલેજિયન પાસેથી ૫૦,૦૦૦ રૂપિયા માગવા બદલ MIDC પોલીસે ત્રણ જણની ધરપકડ કરી

આરોપી

પવઈમાં રહેતી અને વિલે પાર્લેની અનિલ મોદી સ્કૂલ ઑફ ઇકૉનૉમિક્સમાં અભ્યાસ કરતી ૨૧ વર્ષની કૉલેજિયન પાસેથી ઈ-સિગારેટ પીવા બદલ પોલીસ હોવાનો દાવો કરીને ૫૦,૦૦૦ રૂપિયાની માગણી કરનારા બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના ત્રણ ક્લીન-અપ માર્શલની MIDC પોલીસે શુક્રવારે ધરપકડ કરી હતી. આ યુવતી તેના મિત્રે આપેલી ઈ-સિગારેટ હાથમાં રાખીને સીપ્ઝ નજીકથી રિક્ષામાં પ્રવાસ કરી રહી હતી ત્યારે દિલશાદ ખાન નામના આરોપીએ તેની રિક્ષામાં જબરદસ્તી પ્રવેશીને પૈસાની માગણી કરી હતી જેનો વિડિયો સોશ્યલ મીડિયા પર જોરદાર વાઇરલ થયો હતો.

પવઈમાં રહેતી આ કૉલેજિયન તેની કૉલેજથી રિક્ષામાં ઘરે જઈ રહી હતી ત્યારે આ ઘટના બની હતી એમ જણાવતાં MIDC પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર પ્રતાપરાવ કદમે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ યુવતી કૉલેજથી ઉબર ઍપ્લિકેશન પરથી બુક કરેલી રિક્ષામાં ઘરે જઈ રહી હતી એ સમયે સીપ્ઝ નજીકથી પસાર થતી વખતે દિલશાદ તેની રિક્ષામાં જબરદસ્તી બેસી ગયો હતો. તેણે પોતાની ઓળખ પોલીસ અધિકારી તરીકે આપીને ઈ-સિગારેટ પીવી એ ગુનો હોવાનું કહીને ૫૦,૦૦૦ રૂપિયાની માગણી કરી હતી. ત્યાર પછી છેલ્લે તે ૧૦,૦૦૦ રૂપિયા લેવા તૈયાર થયો હતો. જોકે એ સમયે યુવતી પાસે પૈસા ન હોવાથી તેણે પૈસા માટે પોતાના મોટા ભાઈને ફોન કર્યો હતો. તેણે તેના મોટા ભાઈને આ ઘટના વિશે માહિતી આપતાં તેના ભાઈએ પોલીસ હોવાનો દાવો કરનાર યુવાન પાસેથી આઇડી કાર્ડ માગવા કહ્યું હતું. કૉલેજિયને જ્યારે તે યુવાન પાસે આઇડી કાર્ડ માગ્યું ત્યારે તેની છેતરપિંડી પકડાઈ ગઈ હતી. અંતે તેણે પોતાના મોબાઇલમાં વિડિયો લેવાની શરૂઆત કરતાં તે યુવાન રિક્ષામાંથી ઊતરી ગયો હતો. આ વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થતાં અમે તાત્કાલિક ફરિયાદ નોંધીને આરોપીની તપાસ શરૂ કરી હતી.’  

ત્રણે આરોપી BMCના કે-વેસ્ટ વૉર્ડમાં ક્લીન-અપ માર્શલ તરીકે કામ કરે છે એમ જણાવતાં MIDC પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર પ્રતાપરાવ કદમે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘દિલશાદ ખાન પર આ પહેલાં પણ ગુના નોંધાયા હોવાની માહિતી અમને મળી છે. આ ઉપરાંત મોહમ્મદ ચૌધરી અને સિમરજિત સિંહ નામના આરોપીઓએ યુવતીને રિક્ષામાં સિગારેટ પીતી જોઈ તેનો પીછો કરીને પૈસાની માગણી કરી હતી. આ કેસમાં વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.’

mumbai news mumbai mumbai police powai Crime News mumbai crime news