ચમત્કાર વિના નહીં નમસ્કાર

24 September, 2023 12:10 PM IST  |  Mumbai | Bakulesh Trivedi

ગણેશ-વિસર્જન પહેલાં રસ્તા પરના ખાડા ભરવાની ફરિયાદને પગલે ‘મિડ-ડે’એ ફૉલોઅપ કરતાં કલાકમાં જ ખાડા ભરાઈ ગયા

હેમુ કાલાણી રોડ પર ઠક્કર પ્લાઝા બિલ્ડિંગ સામે પડેલા ખાડા

કાંદિવલી-વેસ્ટના શાંતિલાલ મોદી રોડ અને ઈરાનીવાડી જતા હેમુ કાલાણી રોડ પર મોટા-મોટા ખાડા પડી ગયા હતા. એ ખાડામાં વરસાદનું પાણી ભરાઈ જતાં વાહનચાલકોને અંદાજ નહોતો આવતો કે એ ખાડો કેટલો ઊંડો કે કેટલો ડેન્જરસ છે. એથી નાના-મોટા અકસ્માત થતા રહેતા હતા. ગઈ કાલે પાંચ દિવસના ગણપતિનું વિસર્જન હતું એ વખતે પણ ખાડા જોઈને ગણેશભક્તોએ તેમની રેંકડી કે ગાડી ચલાવવી પડતી હતી. એવું નથી કે આ ખાડા વિશે બીએમસીને જાણ જ નહોતી. એ જ વિસ્તારમાં રહેતા દુષ્યંત પરીખે એ માટે બીએમસીના હેલ્પલાઇન-નંબર ૧૯૧૬ પર એની ૨૧ સપ્ટેમ્બરે જ ફરિયાદ કરી હતી અને તેમને કમ્પ્લેઇન્ટ-નંબર પણ આપવામાં આવ્યો હતો. એના પર ગઈ કાલ બપોર સુધી કોઈ ઍક્શન લેવાઈ નહોતી અને એ ખાડા એમ ને એમ હતા. જોકે આ બાબતે બીએમસીએ કેમ પગલાં ન લીધાં અથવા તો શું પગલાં લઈ રહ્યું છે એ જાણવા ગઈ કાલે ‘મિડ-ડે’એ બીએમસીના આર-સાઉથ વૉર્ડના અધિકારીઓ સાથે વાત કરી તો તેમણે એની ગંભીરતાથી નોંધ લીધી હતી અને કલાકમાં જ તેમના ઑફિસર અને સ્ટાફને મોકલીને એ ખાડા ભરી લીધા હતા.

દુષ્યંત પરીખે આ બાબતે માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હેમુ કાલાણી રોડ પર ઠક્કર પ્લાઝાથી લઈને વનરાઈ મ્યુનિસિપલ સ્કૂલ સુધીમાં જ ૩૦થી ૩૫ ખાડા હતા, જ્યારે એસ. વી. રોડથી શરૂ થતા લગભગ અડધો કિલોમીટરના શાંતિલાલ મોદી રોડ પર દર પચાસથી સો ફુટના પૅચમાં ત્રણથી ચાર ખાડા હતા. કેટલાક ખાડામાં સામાન્ય પૅચવર્ક કરાયું હતું, પણ એ ઊખડી જતાં એ ખાડા ફરી ખુલ્લા થઈ ગયા હતા. રસ્તા પર પડેલા ખાડાને કારણે વાહનચાલકોને અને ખાસ કરીને ટૂ-વ્હીલર ચલાવવાવાળાઓને બહુ જ મુશ્કેલી પડતી હતી, કારણ કે વરસાદની સીઝન હોવાથી ખાડામાં પાણી ભરાઈ ગયા બાદ એમાં ગાડી પટકાય તો ગાડીને પણ નુકસાન થાય છે અને અકસ્માતનો પણ ભય રહે છે. પાણી ભરાયા બાદ ખાડાની ઊંડાઈનો અંદાજ નથી આવતો. વળી રાતના સમયે તો પરિસ્થિતિ બહુ જ વિકટ બની જાય છે. એટલું જ નહીં, દિવસના સમયે પણ  વાહનચાલકો ખાડા બચાવીને તેમનું વાહન ચલાવતા હોવાથી રસ્તા પર ચાલતા રાહદારીઓએ વાહનોથી બચવું પડે છે. આમ લોકોને પણ હાડમારી પડતી હતી. ગણપતિ વિસર્જન પણ હતું એટલે ઘણા લોકો અહીંથી બાપ્પાની મૂર્તિના વિસર્જન માટે વાજતે-ગાજતે નીકળવાના હતા. બાપ્પાને જેમાં પધરાવ્યા છે એ ગાડી કે રેંકડી ખાડામાં ન જાય એ બાબતનું તેમણે ખાસ ધ્યાન રાખવું પડતું હતું. આ ખાડા પૂરવા માટે મેં બીએમસીના હેલ્પલાઇન-નંબર ૧૯૧૬ પર કૉલ કરીને ફરિયાદ કરી હતી. તેમણે મને ફરિયાદ-નંબર  0722848486 પણ આપ્યો હતો. જોકે એ ખાડા ગઈ કાલ બપોર સુધી તેમણે ભર્યા નહોતા. તેમના તરફથી કોઈ જ ફીડબૅક પણ નહોતું. લોકોને ખાડાને કારણે ભારે હેરાનગતિ ભોગવવી પડતી હતી. જોકે ‘મિડ-ડે’એ ફોન કર્યા બાદ કલાકમાં જ આ ખાડા ભરાઈ ગયા હતા.’

આ બાબતે ‘મિડ-ડે’એ બીએમસીના આર-સાઉથ વૉર્ડના એક્ઝિક્યુટિવ એન્જિનિયર ડી. એમ. રાઠોડનો સંપર્ક કરીને માહિતી લેવાનો પ્રયાસ કરતાં તેમણે તેમના રોડ ડિપાર્ટમેન્ટના અસિસ્ટન્ટ એન્જિનિયર બિરાદરનો નંબર આપ્યો હતો અને માહિતી લેવા કહ્યું હતું. અસિસ્ટન્ટ એન્જિનિયર બિરાદરે આ બાબતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શાંતિલાલ મોદી રોડ પર એસ. વી. રોડથી લઈને મથુરાદાસ ક્રૉસ રોડ નંબર એક સુધી ડ્રેઇનની વ્યવસ્થા જ નથી. વરસાદનું પાણી સામાન્યપણે ગટરમાં વહી જાય છે, પણ ત્યાં ગટર જ નથી. જે ફુટપાથ દેખાય છે એની નીચે ડમી ગટર જેવું છે, પણ એ ઍક્ચ્યુઅલ ગટર નથી એટલે પાણી જવા રસ્તો જ નથી એટલે ખાડા પડે છે. ગયા મહિને જ સરકાર દ્વારા જે મેગા પ્રોજેક્ટ જાહેર કરાયા છે એની અન્ડર એ રોડનો પણ સમાવેશ કરાયો છે. અમે મૉન્સૂન પછી એટલે કે પહેલી ઑક્ટોબરથી એનું કામ ચાલુ કરવાના જ છીએ. જોકે હાલ પણ લોકોને હેરાનગતિ ન થાય એ માટે હમણાં જ અમારા સ્ટાફને બન્ને રોડ પર મોકલું છું અને રસ્તા પરના ખાડા પૂરવા કહું છું.’

ત્યાર બાદ તેમનો સ્ટાફ ત્યાં પહોંચ્યો હતો અને વરસાદમાં એ ખાડા પૂરવાની કવાયત હાથ ધરાઈ હતી.

mumbai potholes kandivli brihanmumbai municipal corporation mumbai mumbai news gujarati mid-day bakulesh trivedi