15 March, 2023 09:59 AM IST | Mumbai | Prakash Bambhroliya
બંધ દરવાજાવાળા અને ગઈ કાલે દોડેલી એસી લોકલના કોચ જુદા હતા
સેન્ટ્રલ રેલવેમાં ડોમ્બિવલીથી સવારના ૮.૫૯ વાગ્યાની એસી લોકલના લેડીઝ કોચનો એક દરવાજો ૧૨ દિવસથી બંધ હતો, જેને લીધે મહિલા પ્રવાસીઓને ધસારાના સમયે ટ્રેનમાં ચડવા અને ઊતરવામાં મુશ્કેલી થતી હતી. કેટલીક મહિલા પ્રવાસીઓએ દરવાજો બંધ હોવાના વિડિયો તેમ જ ફોટો રેલવેને સોશ્યલ મીડિયાના માધ્યમથી મોકલીને ઘટતું કરવાની અપીલ કરી હતી, પરંતુ બાર દિવસથી રેલવે એના પર ધ્યાન નહોતી આપતી. ‘મિડ-ડે’એ ગઈ કાલે આ સમાચાર છાપ્યા હતા. અખબાર સવારના પ્રકાશિત થયું હતું અને ગણતરીના કલાકમાં જ એસી લોકલના ખરાબ દરવાજાને બદલવાને બદલે રેલવેએ આખો કોચ જ બદલી નાખ્યો હોવાનું જાણવા મળ્યું હતું.
સેન્ટ્રલ રેલવેમાં ડોમ્બિવલીથી સીએસએમટી વચ્ચે સવારના ૮.૫૯ વાગ્યે રવાના થતી એસી લોકલના લેડીઝ કોચમાં એક દરવાજો છેલ્લા ૧૨ દિવસથી બંધ હતો. એને લીધે મહિલાઓને ધસારાના સમયે ટ્રેનમાં ચડવા અને ઊતરવામાં મુશ્કેલી થતી હતી. રેલવે તંત્રને આ સંબંધે અનેક વખત રજૂઆત અને અપીલ કરવામાં આવી હોવા છતાં એના પર કોઈ ધ્યાન દેવાતું નહોતું. ગઈ કાલે સવારે એસી લોકલ ડોમ્બિવલીથી મુંબઈ સીએસએમટી તરફ જવા માટે પહોંચી હતી ત્યારે મહિલાઓના ધ્યાનમાં આવ્યું હતું કે લેડીઝ કોચનો દરવાજો જ નહીં, આખો કોચ બદલવામાં આવ્યો છે.