18 April, 2024 10:04 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
છેલ્લા બે દિવસથી હીટવેવ ચાલી રહી છે અને થાણેમાં તો ગરમી ૪૦ ડિગ્રી કરતાં વધુ પારો બતાવી રહી છે ત્યારે ગઈ કાલે ભરબપોરે લાઇટ જતી રહેતાં થાણેકરોની હાલત કફોડી થઈ ગઈ હતી અને તેમણે ગરમીમાં હેરાન થવું પડ્યું હતું. ગરમીથી પરેશાન થાણેકરોએ પંખા, ઍર-કન્ડિશનર, કૂલર વગેરેનો વપરાશ વધારી દેતાં એની અસરને કારણે લોડ વધી ગયો હતો અને ભરબપોરે ૨.૩૦ વાગ્યે પાવરકટ સર્જાયો હતો. એને કારણે થાણેના નૌપાડા, પાંચપખાડી, વિકાસ કૉમ્પલેક્સ, માજી વાડા, તલાવ પાળી, અને અન્ય વિસ્તારોમાં વીજળી જતી રહી હતી. માત્ર થાણે જ નહીં; વાશી, મ્હાપે અને ટેમઘરમાં પણ વીજળી ગુલ થઈ ગઈ હતી. લગભગ દોઢ કલાક બાદ પાવર ફરી રીસ્ટોર કરાયો હતો. જોકે આ સમય દરમ્યાન બપોરના સમયે પંખા અને ઍર-કન્ડિશનર વગર થાણેકરોની હાલત ખરાબ થઈ ગઈ હતી.
વીજળીનું ટ્રાન્સપોર્ટેશન કરતી સરકારી કંપની મહાટ્રાન્સકો દ્વારા આ બાબતે ખુલાસો આપતાં કહેવાયું હતું કે બપોરના સમયે વીજળીની ડિમાન્ડમાં ૪૦૦ કિલોવૉટનો વધારો થવાથી પડઘા–કલવાનાં મેઇન સ્ટેશન ટ્રિપ થઈ ગયાં હતાં એટલે મુંબઈ મેટ્રોપૉલિટન રીજન (MMR)ના અન્ય વિસ્તારોમાં પણ એની અસર જોવા મળી હતી.
વીજળી ગુલ થઈ જવાથી અકળાયેલા થાણેકરોએ તલાવપાળી પાસે આવેલી મહાવિતરણની ઑફિસમાં તપાસ કરવા અનેક ફોન કર્યા હતા. ત્યાંથી એવો જ જવાબ આપવામાં આવતો હતો કે મેઇન પાવર-સપ્લાયમાં ફૉલ્ટ આવ્યો હોવાથી પાવરકટ સર્જાયો છે. જોકે એ ક્યારે રીસ્ટોર કરવામાં આવશે એનો જવાબ તેઓ આપી નહોતા રહ્યા જેને કારણે થાણેકરોની અકળામણમાં વધારો થતો હતો. જોકે એ પછી મહાટ્રાન્સકોએ ફૉલ્ટ સુધારી લઈને ફરી એક વાર વીજળીની સપ્લાય ચાલુ કરી હતી. જોકે એમાં દોઢથી પોણાબે કલાકનો સમય લાગ્યો હતો.