02 December, 2023 09:08 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આરોપી શાદાબ મેકરાણીને ઝડપી લેવા પોલીસ તેની પાછળ છાપરા પર ચડી હતી.
મુંબઈ : દહિસર-ઈસ્ટના ગણપત પાટીલ નગરમાં એક રીઢા વૉન્ટેડ આરોપીને પકડવા એમએચબી પોલીસ તેની પાછળ પડી હતી. પોલીસથી બચવા તે ઝૂંપડપટ્ટીનાં મકાનોનાં છાપરાંની ઉપર ચડી ગયો હતો અને છાપરાં પરથી ભાગવા માંડ્યો ત્યારે પોલીસ પણ ફિલ્મી સ્ટાઇલમાં તેની પાછળ છાપરાં પર ચડી હતી અને તેનો પીછો કરીને તેને પકડી પાડ્યો હતો.
આ બાબતે વધુ માહિતી આપતાં એમએચબી પોલીસ-સ્ટેશનના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર સુધીર કુડાળકરે કહ્યું હતું કે ‘એક રીઢો આરોપી છે શાદાબ મેકરાણી. તેની સામે અમારા પોલીસ-સ્ટેશનમાં કલમ ૩૨૪ અને ૩૨૬ હેઠળ (કોઈને ધારદાર હથિયારથી ઈજા પહોંચાડવી) ગુનો નોંધાયો હતો અને અમે છેલ્લા પંદર દિવસથી તેને શોધી રહ્યા હતા. અમારી ટીમને જાણ થઈ કે તે દહિસર-વેસ્ટના ગણપત પાટીલનગરની ગલી નંબર ૧૪ના એક ઘરમાં છુપાયો છે. એટલે અમારી ટીમ તેને પકડવા પહોંચી ગઈ હતી. પોલીસને આવેલી જોઈને તે એ ઘરના છાપરામાં બાકોરું કરી છાપરા પર ચડીને નાસવા માંડ્યો હતો. જોકે અમારી ટીમે પણ તેને મચક આપી નહોતી અને તેની પાછળ છાપરા પર ચડીને તેને ઝડપી લીધો હતો. શાદાબ મેકરાણી પર દહિસર પોલીસ-સ્ટેશનમાં એક હત્યાના પ્રયાસનો પણ ગુનો નોંધાયેલો છે. આમ અમારી ટીમે છાપરા પર ચડી તેનો પીછો કરીને ઝડપી લીધો હતો.’