20 January, 2023 11:51 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ મેટ્રો 2 A. તસવીર/MMRDA
વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ મુંબઈ મેટ્રો (Mumbai Metro) રેલ લાઇન્સ 2A અને 7નું ઉદ્ઘાટન કર્યા બાદ, મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (MMRDA)એ જણાવ્યું હતું કે બે નવી મેટ્રો લાઇન શુક્રવારે સાંજે 4 વાગ્યાથી કાર્યરત થશે.
MMRDAના મેટ્રોપોલિટન કમિશનર IAS એસ.વી.આર. શ્રીનિવાસે જણાવ્યું હતું કે “એમએમઆરમાં 337 કિમી ટકાઉ અને પર્યાવરણને અનુકૂળ મેટ્રો નેટવર્કનું નિર્માણ એ એમએમઆરડીએનું મહત્ત્વાકાંક્ષી વિઝન છે. આ કોરિડોરની યાત્રા 2014માં મેટ્રો લાઈન-1ના ઉદ્ઘાટન પછી શરૂ થઈ હતી. આ લાઈનોનો શિલાન્યાસ સમારોહ 2015માં યોજાયો હતો, પછી આગળ અમે તેના પર કામ કરવાનું શરૂ કર્યું. યુટિલિટી શિફ્ટિંગ જમીન સંપાદન, આરએન્ડઆર તેમ જ કુદરતી આફતો જેવા ઘણા અવરોધોને ઉકેલ્યા બાદ, આખરે અમે MMRનું પ્રથમ મેટ્રો નેટવર્ક હાંસલ કર્યું છે. મેટ્રો મુંબઈવાસીઓ માટે નવી લાઈફલાઈન બનશે.”
PM મોદીએ ગુરુવારે બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (BKC)માં MMRDA મેદાનમાં આયોજિત એક કાર્યક્રમમાં લગભગ રૂા. 12,600 કરોડના ખર્ચે બનેલી મુંબઈ મેટ્રો રેલ લાઇન 2A અને 7નું ઉદ્ઘાટન કર્યું હતું. આ લાઈનોમાં ઉપનગરીય મુંબઈમાં અંધેરીથી દહિસર સુધીનો 35 કિમી લાંબા એલિવેટેડ કોરિડોરનો સમાવેશ થાય છે.
18.6 કિમી લાંબી મેટ્રો લાઇન 2A ઉપનગરીય દહિસર (પૂર્વ)ને 16.5 કિમી લાંબી ડી એન નગર સાથે જોડે છે, જ્યારે મેટ્રો લાઇન 7 અંધેરી (પૂર્વ)ને દહિસર (પૂર્વ) સાથે જોડે છે.
મેટ્રો 2A: આ દહિસર પૂર્વથી ડીએન નગર વચ્ચે છે. આ 18.6 કિમીના રૂટ પર 6,410 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા છે, જેમાં 17 મેટ્રો સ્ટેશનનો સમાવેશ થાય છે.
મેટ્રો 7: આ અંધેરી પૂર્વથી દહિસર પૂર્વ વચ્ચે છે. 13 સ્ટેશનો ધરાવતો મેટ્રો 7 રૂટ 16.5 કિમી લાંબો છે અને તે રૂા. 6,208 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે.
નવી મેટ્રોનું ભાડું
મેટ્રો ટ્રેન મેક ઇન ઇન્ડિયા પહેલ હેઠળ બનાવવામાં આવી છે. લાઇન 2A અને મેટ્રો લાઇન 7 માટેના આ ટ્રેન સેટને અનએટેન્ડેડ ટ્રેન ઓપરેશન્સ (UTO) માટે ડિઝાઇન કરવામાં આવી છે. 6 કારના સેટ સાથેની દરેક ટ્રેનમાં 2308 મુસાફરોને લઈ જવાની ક્ષમતા હશે. ટ્રેનોમાં 80 Kmphની ઓપરેશનલ સ્પીડ અને 35 Kmphની એવરેજ સ્પીડ સાથે ટ્રેને 90 Kmphની ટોચની સ્પીડ પણ હાંસલ કરી છે.