નવરાત્રિમાં સાંજના સમયે જ વરસાદની ભારોભાર શક્યતા

23 September, 2024 06:42 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ચોમાસાની વિદાય વેળા મેઘરાજા સાંજના સમયે જ ગરજતા હોય છેઃ આજથી બે-ત્રણ દિવસ ગાજવીજ સાથે ઝાપટાંનો વરતારો

પ્રતીકાત્મક તસવીર

મૉન્સૂને હાલ પોરો ખાધો છે અને મુંબઈગરા ગરમીનો અનુભવ કરી રહ્યા છે ત્યારે હવે જે કુદરતી પરિબળો સર્જાઈ રહ્યાં છે એ જોતાં આજથી બે-ત્રણ દિવસ ફરી એક વાર ગાજવીજ સાથે વરસાદનાં ઝાપટાં પડવાની શક્યતા છે. હવામાન ખાતાએ પણ આવનારા દિવસોમાં મુંબઈ સહિત પાલઘર, થાણે, રાયગડ ​સહિત રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં યલો અલર્ટ જાહેર કરી છે તથા પાલઘર અને થાણેમાં બુધવારે ઑરેન્જ અલર્ટ જાહેર કરવામાં આવી છે.

વેગારીઝ ઑફ વેધરના રાજેશ કાપડિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હાલ મૉન્સૂનમાં બ્રેક આવ્યો એને કારણે ગરમીનું પ્રમાણ વધ્યું હતું અને એના પરિણામ તરીકે આવતી કાલથી બે-ત્રણ દિવસ ગાજવીજ સાથે વરસાદનાં ઝાપટાં પડે એવી શક્યતા છે. પાછોતરો વરસાદ (મૉન્સૂનનું વિધડ્રૉઅલ) ૨૩-૨૪ સપ્ટેમ્બરથી રાજસ્થાનથી શરૂ થશે અને ત્યાર બાદ મધ્ય પ્રદેશ, ગુજરાત અને પછી મહારાષ્ટ્રમાંથી વરસાદ વિદાય લેશે. એથી મહારાષ્ટ્રમાં ઑક્ટોબરના પહેલા અઠવાડિયાથી મૉન્સૂનનું વિધડ્રૉઅલ શરૂ થશે. નવરાત્રિ પણ ત્યારે જ છે. વિધડ્રૉઅલમાં ખાસ કરીને સાંજના સમયે ગાજવીજ સાથે વરસાદનાં ભારે ઝાપટાં પડતાં હોય છે. એ ઝાપટાં થોડો વખત એટલે કે કલાક-બે કલાક માટે હોય છે, જોકે એ ધોધમાર વરસાદ નથી હોતો.’  

mumbai news mumbai monsoon monsoon news navratri indian meteorological department