09 July, 2023 11:49 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
આયોજન કાલે રાતે ૯ વાગ્યાનું છે. આખી ટ્રેન ખીચોખીચ ભરાઈ હશે. ઇન્શા-અલ્લાહ, હમ હમારે મનસૂબે મેં મુકમ્મલ હોંગે.
આવો મેસેજ ભાંડુપમાં રહેતા એક યુવાનને આવ્યો હતો એટલે તેણે આ ઘટનાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. આ ઘટનાને ગંભીરતાથી લઈને ક્રાઇમ બ્રાન્ચ અને એટીએસની સાથે વિવિધ ડિપાર્ટમેન્ટને જાણ કરતાં તપાસ હાથ ધરાઈ હતી. જોકે પોલીસે મેસેજ કરનાર તેના એક મિત્રની ધરપકડ કરી છે, જેણે નવું સિમ-કાર્ડ લીધા બાદ માત્ર મજાક માટે આવો મેસેજ કર્યો હોવાનું સામે આવ્યું છે.
ભાંડુપ-ઈસ્ટના ક્રાંતિનગર વિસ્તારમાં રહેતા અને એક ખાનગી કંપનીમાં કામ કરતા સાગર મોલાવાડેને ૭ જુલાઈએ રાતે ૯ વાગ્યે વૉટ્સઍપ પર એક અજાણ્યા માણસે મેસેજ કર્યો હતો કે આયોજન કાલે રાતે ૯ વાગ્યાનું છે, આખી ટ્રેન ખીચોખીચ ભરાઈ હશે, ઇન્શા-અલ્લાહ હમ હમારે મનસૂબે મેં મુકમ્મલ હોંગે. આ મેસેજ આવ્યો ત્યારે સાગરે કોઈ ધ્યાન નહોતું આપ્યું, પરંતુ થોડી વાર બાદ બીજો મેસેજ આવ્યો હતો જેમાં આજે ટ્રેનમાં બ્લાસ્ટ થશે અને રાતે ૧૦ વાગ્યા પછી મોબાઇલ બંધ કરી દેવાનો છે એમ જાણ કરવામાં આવી હતી. તેણે આ ઘટનાની જાણ કાંજુરમાર્ગ પોલીસ સ્ટેશનને કરતાં તરત આ ઘટનાની ફરિયાદ નોંધવામાં આવી હતી. ફરિયાદના આધારે એટીએસ, ક્રાઇમ બ્રાન્ચ તેમ જ વિવિધ મહત્ત્વના ડિપાર્ટમેન્ટને જાણ કરીને તપાસ હાથ ધરતાં ગોવામાં રહેતા રમેશ યાદવની ધરપકડ કરવામાં આવી હતી. તેણે નવું સિમ-કાર્ડ લીધા બાદ માત્ર મજાક કરવા માટે આવું કર્યું હોવાની કબૂલાત પોલીસ સામે કરી હતી.
મુંબઈ પોલીસના ઝોન સાતના ડેપ્યુટી પોલીસ કમિશનર પુરુષોત્તમ કરાડે કહ્યું હતું કે ‘ફરિયાદીના મિત્રને આ કિસ્સામાં ગોવાથી કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. બન્ને એક વર્ષ પહેલાં સાથે કામ કરતા હતા. દરમ્યાન તેણે નવું સિમ-કાર્ડ લીધું હતું અને માત્ર મજાક કરવા માટે આવા સંદેશા મોકલ્યા હતા.’