28 September, 2024 05:40 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
(૧) મહિલાએ દેવેન્દ્ર ફડણવીસની ઑફિસની બહાર લાગેલી નેમપ્લેટ ઉપાડીને નીચે પટકી હતી એટલું જ નહીં, એક વાર તો નીચે પડેલી નેમપ્લેટ ઉપાડીને ફરી પાછી પટકી હતી. (૨) દેવેન્દ્ર ફડણવીસના નામની નેમપ્લેટ. ગૃહપ્રધાન દેવેન્દ્ર ફડણવીસને મળવા માગતા મુલકાતીઓ માટેના વેઇટિંગ લાઉન્જમાં મૂકવામાં આવેલાં કૂંડાં પણ તેણે તોડી-ફોડી નાખ્યાં હતાં. (૩) મહિલાએ તે જ્યાં રહે છે એ સોસાયટીમાં પણ લોકોના ઘરના દરવાજા પર ઝાડુ માર્યું હતું અને લૉબીમાં લગાડેલા CCTV કૅમેરાને પણ ઝાડુ મારીને નુકસાન પહોંચાડ્યું હતું.
પોલીસને બહાનું બતાવીને મંત્રાલયની અંદર સરકી ગયેલી એક મહિલાએ ડેપ્યુટી ચીફ મિનિસ્ટર દેવેન્દ્ર ફડણવીસની ઑફિસની બહાર લગાડેલી તેમની નેમપ્લેટ ઉપરાંત ત્યાં ગોઠવવામાં આવેલાં કૂંડાંની પણ તોડફોડ કરી હતી. વળી તેણે નારાબાજી કરીને ધમાલ પણ મચાવી હતી. એ પછી ત્યાંથી નીકળી જવામાં પણ તે સફળ થઈ હતી. આ બાબતનાં ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ પણ જાહેર થઈ ગયાં હતાં. જોકે તપાસ કરતાં તે મહિલા માનસિક રીતે બીમાર હોવાનું અને આ પહેલાં પણ તેણે આ રીતની ધમાલ અન્ય સ્થળે મચાવી હોવાનું બહાર આવ્યું હતું. એમ છતાં આ બાબતે મરીન ડ્રાઇવ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી.
મહિલા દ્વારા ધમાલની આ ઘટના ગુરુવારે સાંજે ૬.૩૦થી ૭ વાગ્યા દરમ્યાન બની હતી. ત્યારે મંત્રાલયમાં મોટા ભાગના કર્મચારીઓ ઘરે જવા નીકળતા હોય છે. બીજું, એ વખતે વરસાદ પણ પડી રહ્યો હતો. તે મહિલાએ ગેટ પરની સિક્યૉરિટીને કહ્યું કે તે મંત્રાલયમાં કોઈને મળવા આવી હતી, પણ ત્યાર બાદ તેનું પર્સ ભૂલી ગઈ હતી એ લેવા જવું છે. એથી મહિલા સિક્યૉરિટીએ તેને જવા દીધી હતી. એ પછી તે મહિલા મંત્રાલયના છઠ્ઠા માળે પહોંચી ગઈ હતી જ્યાં દેવેન્દ્ર ફડણવીસની ઑફિસ આવેલી છે. તેણે તેમની ઑફિસની બહાર લગાડેલી નેમપ્લેટ કાઢીને નીચે ફેંકી હતી એટલું જ નહીં, રાડારાડ પણ કરી હતી અને ત્યાં મુલાકાતીઓના વેઇટિંગ એરિયામાં સુશોભન માટે રાખવામાં આવેલાં કૂંડાં પણ તોડી-ફોડી નાખ્યાં હતાં. આ આખી ઘટના છઠ્ઠા માળે લગાડેલા CCTV કૅમેરામાં ઝિલાઈ ગઈ હતી. ત્યાર બાદ તે મહિલા ત્યાંથી નીકળી ગઈ હતી.
પોલીસને આ ઘટના વિશે જાણ કરવામાં આવી હતી અને તપાસ ચાલુ કરાઈ હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે તે મહિલા શિવાજી પાર્કમાં રહે છે. તે માનસિક રીતે અસ્વસ્થ છે. તેની સામે તેની સોસાયટીમાં રહેતા લોકોએ પણ ફરિયાદો કરેલી છે. આ ઉપરાંત તે અન્ય પૉલિટિકલ પાર્ટીઓની ઑફિસમાં પણ જતી હોય છે. શિવાજી પાર્કમાં નોંધાયેલી ફરિયાદ સંદર્ભે તેના ભાઈએ કોર્ટમાં એમ પણ કહ્યું હતું કે તે તેની બહેનની કાળજી લેશે. તે મહિલા હાથમાં ઝાડુ લઈને આડોશપાડોશનાં બંધ ઘરો પણ હુમલો કરે છે. એ બાબત પણ CCTV કૅમેરામાં ઝિલાઈ છે.
તે મહિલા એકલી જ રહે છે. તેની મોટી બહેન તેને છોડીને જતી રહી છે. તેના પિતા સાથે પણ તે ઝઘડતી રહેતી હતી જેને કારણે પિતાએ દોઢ વર્ષ પહેલાં તેની સામે પોલીસ-ફરિયાદ કરી હતી. એવું પણ કહેવાય છે કે તે સલમાન ખાન સાથે લગ્ન કરવા માગતી હતી અને એટલે તે ઘણા લોકોને સલમાનનો ફોન-નંબર પૂછતી રહે છે. આમ તે માનસિક રીતે બીમાર હોવાનું તપાસમાં જણાઈ આવ્યું છે.