30 March, 2024 08:32 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સાતારામાં મીડિયા સાથે વાત કરતા શરદ પવાર.
નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના સ્થાપક અને વરિષ્ઠ નેતા શરદ પવારને લોકસભાની ચૂંટણીનું મતદાન થાય એ પહેલાં જ ઝટકો લાગ્યો છે. ૨૦૧૯માં સાતારા લોકસભા બેઠક પરથી ચૂંટાઈ આવેલા સંસદસભ્ય શ્રીનિવાસ પાટીલે ચૂંટણી લડવાની ના પાડી દીધી છે. આ લોકસભા બેઠકમાં તેમને જ ઉમેદવારી આપવાની તૈયારી ચાલી રહી છે ત્યારે તેમણે પોતાની તબિયત સારી ન હોવાનું કહીને ચૂંટણી ન લડવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળ્યું હતું. શરદ પવારે ગઈ કાલે સાતારાની મુલાકાત લીધી હતી અને ઉપસ્થિત પક્ષોના નેતા-કાર્યકરોને કહ્યું હતું કે શ્રીનિવાસ પાટીલે ચૂંટણી લડવાની અક્ષમતા દાખવી છે એટલે અહીંના ઉમેદવારનો નિર્ણય એક-બે દિવસમાં લેવામાં આવશે.
શરદ પવાર જૂથમાં તેમનાં પુત્રી સુપ્રિયા સુળે અને શ્રીનિવાસ પાટીલ જ સંસદસભ્ય છે. એમાંથી શ્રીનિવાસ પાટીલ ચૂંટણી લડવાના નથી એટલે શરદ પવાર માટે આ મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે.