17 December, 2024 10:57 AM IST | Mumbai | Kajal Rampariya
દરિયામાં સ્વિમિંગ માટે જતાં પહેલાં મમ્મી પૂનમબહેન અને પપ્પા મિતેશ રાયકુંડલિયા સાથે હેઝલ.
કે. જે. સોમૈયા મેડિકલ કૉલેજમાં MBBSના બીજા વર્ષમાં ભણી રહેલી નૅશનલ લેવલની સ્વિમર હેઝલ રાયકુંડલિયાએ બીજી વાર દરિયામાં પ્રદૂષણ ન ફેલાવવાના સંદેશ સાથે ૩૬ કિલોમીટર સ્વિમિંગ કરીને નવો ઇતિહાસ સરજ્યો છે. પહેલાં તેણે બાંદરા-વરલી સી-લિન્કથી ગેટવે ઑફ ઇન્ડિયાના રૂટમાં સ્વિમ કર્યું હતું. આ વખતે ૧૬ ડિસેમ્બરે અલીબાગની ધરમતર જેટીથી ગેટવે ઑફ ઇન્ડિયા સુધી સ્વિમ કર્યું હતું. ૩૬ કિલોમીટરનું અંતર કાપવામાં હેઝલને નવ કલાક બાવન મિનિટનો સમય લાગ્યો હતો. હેઝલે ધરમતરથી મધરાતે ૧૨.૪૩ વાગ્યે સ્વિમિંગ શરૂ કર્યું હતું અને તે સવારે ૧૦.૩૫ વાગ્યે ગેટવે ઑફ ઇન્ડિયા પહોંચી હતી.
મધરાતે ધરમતરથી નીકળેલી હેઝલ સવારે ગેટવે ઑફ ઇન્ડિયા પહોંચી હતી.
અલીબાગ-મુંબઈનો રૂટ સ્વિમર્સ માટે પડકારજનક માનવામાં આવે છે ત્યારે હેઝલને પણ આ રૂટમાં અનેક પડકારોનો સામનો કરવો પડ્યો હતો. આ વિશે વાત કરતાં હેઝલના પપ્પા મિતેશ રાયકુંડલિયા કહે છે, ‘વર્લ્ડ ઓપન વૉટર સ્વિમિંગ અસોસિએશન (WOWSA) દ્વારા અપ્રૂવ થયેલી ૩૬ કિલોમીટર લાંબી સ્વિમ-જર્ની હેઝલ માટે ખરેખર ઍડવેન્ચરસ રહી છે. ધરમતરથી ગેટવે ઑફ ઇન્ડિયાનો રૂટ ચૅલેન્જિસથી ભરપૂર છે એમ કહેવું ખોટું નથી. ૨૦૦૮માં પોલીસ વિભાગના એક સ્વિમરનું આ રૂટમાં સ્વિમ કરતી વખતે ફિશિંગ નેટમાં ફસાઈ જવાથી મોત થયું હતું ત્યારથી આ રૂટમાં સ્વિમ કરતાં લોકો ડરતા હતા. આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને અમે હેઝલ માટે એક્સ્ટ્રા સેફ્ટી રાખી હતી. ટાઇડ દરમિયાન ધરમતરથી લાઇટ હાઉસ સુધી ૬ કલાકમાં પહોંચી જવાય તો ગેટવે ઑફ ઇન્ડિયા પહોંચવાની સફર આસાન બને છે, પણ હેઝલ સાથે આવું ન થયું. ટાઇડ અને ફિશિંગ નેટ જેવી ચૅલેન્જિસને કારણે હેઝલને ગેટવે ઑફ ઇન્ડિયા સુધી પહોંચવામાં મોડું થયું હતું, પણ અમને ખુશી છે કે તેણે આ રૂટ પરની ચૅલેન્જિસનો સ્વીકાર કર્યો અને નવો મુકામ હાંસલ કર્યો.’
મહારાષ્ટ્ર સ્ટેટ ઍમેટર ઍક્વાટિક અસોસિએશને હેઝલને ટ્રોફી આપીને બિરદાવી.
સ્વિમિંગ દરમિયાન હેઝલ અકસ્માતનો ભોગ બનતાં રહી ગઈ હતી. મિતેશભાઈ હેઝલને આવેલા પડકારો વિશે જણાવે છે, ‘આ રૂટમાં ફિશિંગ નેટ્સ તો હોય જ છે પણ સાથે મોટાં વહાણોની અવરજવર પણ આ જ રૂટથી હોય છે. અમે આ ઇવેન્ટ માટે જરૂરી પ્રશાસકીય પરવાનગીઓ લીધી હતી અને સેફ્ટી પણ રાખી હતી. હેઝલ પણ તૈયારી કરી રહી હતી. એ દરમિયાન તેને ખભામાં ઈજા પણ પહોંચી હતી, પણ તેનો દૃઢ નિશ્ચય હતો કે મારે કરવું જ છે અને આખરે તેણે કરી બતાવ્યું. ૩૬ કિલોમીટર લાંબા રૂટમાં હેઝલ સાથે અકસ્માત થતાં-થતાં રહી ગયો. બન્યુ એવું કે હેઝલ સ્વિમ કરી રહી હતી ત્યારે ખબર મળ્યા કે આ રૂટ પરથી એક શિપ પસાર થવાનું છે. હેઝલની આગળ ડાબી અને જમણી બાજુએ બે બોટ હતી એમાંથી ડાબી બાજુની બોટને જમણી બાજુએ આવવાનું હતું જેથી શિપને રસ્તો મળી જાય. એ સમયે એ બોટ પાણીના વહેણને લીધે ૧૮૦ ડિગ્રી ફરી ગઈ અને એને લીધે હેઝલને ઈજા થવાની હતી, પણ તેની પ્રેઝન્સ ઑફ માઇન્ડને લીધે મોટી દુર્ઘટના બનતાં રહી ગઈ અને હેઝલને કોઈ ઈજા પહોંચી નથી. હેઝલે જ્યારે સ્વિમિંગની શરૂઆત કરી ત્યારે પાણીનું તાપમાન પણ ઘણું ઓછું હતું અને એમાં ગંદકી પણ બહુ હતી.’
દરિયાના પ્રદૂષણને રોકવા માટે લોકોમાં જાગરૂકતા ફેલાવવાના પ્રયાસો કરી રહેલી હેઝલ જણાવે છે, ‘પર્યાવરણનું સંતુલન જાળવી રાખવા માટે મરીન લાઇફને નુકસાન ન પહોંચે એ જરૂરી હોય છે. આપણે દરિયાને ડસ્ટબિન સમજીને કચરો ફેંકતા જ જઈએ છીએ, પણ એને લીધે દરિયામાં રહેતા જીવોને હાનિ પહોંચે છે અને એની માઠી અસર પર્યાવરણ પર થાય છે. પર્યાવરણનું સંવર્ધન આપણા હાથમાં છે તેથી દરિયાને સાફ રાખવા માટે મારાથી બનતા પ્રયાસો કરતી રહીશ.’
સ્વિમિંગ બાદ રાષ્ટ્રીય સ્તરે કાર્યરત ઓપન વૉટર સ્વિમિંગ ઍકૅડેમીએ હેઝલને સર્ટિફિકેટ આપ્યું હતું અને આ સાથે સ્વિમિંગ ફેડરેશન ઑફ ઇન્ડિયા અને મહારાષ્ટ્ર ઑલિમ્પિક્સ અસોસિએશનથી સંલગ્ન મહારાષ્ટ્ર સ્ટેટ ઍમેટર ઍક્વાટિક અસોસિએશન તરફથી સોલો સ્વિમિંગ માટે ટ્રોફી પણ આપવામાં આવી હતી.