27 March, 2019 01:06 PM IST |
મિલિંદ દેવરા
મુંબઈ પ્રદેશ કૉન્ગ્રેસ કમિટીના નવા નિયુક્ત થયેલા અધ્યક્ષ અને દક્ષિણ મુંબઈ લોકસભાના કૉન્ગ્રેસના ઉમેદવાર મિલિંદ દેવરાને પોર્ટ ટ્રસ્ટના ભાડૂતો હવે પોતાની સમસ્યાના નિરાકરણ માટે મસીહા તરીકે જોઈ રહ્યા છે. ગઈ કાલે મુંબઈ પોર્ટ ટ્રસ્ટ ટેનન્ટ્સ અસોસિએશન દ્વારા કે. આર. કામા હૉલમાં આયોજિત બેઠકમાં મિલિંદ દેવરાએ વચન આપ્યું હતું કે ‘પોર્ટ ટ્રસ્ટના ભાડૂતો અને વેપારીઓની સમસ્યાઓના નિરાકરણ માટે હું બનતા પ્રયાસો કરીશ. ૧૫૦ વર્ષ જૂના વ્યવસાયના પુનર્વસન માટે યોજના ઘડી કાઢવામાં આવશે.’
આ બેઠકમાં પોર્ટ ટ્રસ્ટ સાથે જોડાયેલી ૨૧ સંસ્થાઓ સામેલ હતી. આ સંસ્થાઓએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને પરિવહનપ્રધાન નીતિન ગડકરી દ્વારા પોર્ટ ટ્રસ્ટના ભાડૂતોને બેઘર કરવાનું કાવતરું ઘડવામાં આવી રહ્યું હોવાની ફરિયાદ મિલિંદ દેવરાને કરી હતી અને કહ્યું કે અમારી સમસ્યાઓ હલ કરો.
ઉલ્લેખનીય છે કે પોર્ટ ટ્રસ્ટના રહેવાસીઓની લીઝનો સમયગાળો સમાપ્ત થતો હોવાથી સરકારે તેમને નોટિસ મોકલી છે. તેથી તમામ નિવાસી અને વેપારી ભાડૂતોમાં ઊહાપોહ થયો છે. તેમનો આરોપ છે કે અમે સેંકડો વર્ષોથી અહીં રહીએ છીએ, હવે સરકારની નજર અમારી જમીન પર છે અને અમને અહીંથી હાંકી કાઢવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
મિલિંદ દેવરાએ તેમને આશ્વાસન આપ્યું હતું કે ‘તમારી આ બાબત કૉન્ગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી સુધી પહોંચાડવામાં આવશે અને અમે જો ૨૦૧૯માં સત્તામાં આવ્યા તો આ સમસ્યાનો તરત જ ઉકેલ લાવીશું અને કોઈ જ બેઘર થશે નહીં.’
તેમણે એમ પણ જણાવ્યું હતું કે મારા પિતા મુરલી દેવરાનાં અધૂરાં કામો પૂરાં કરવાની પણ હું પૂરી કોશિશ કરીશ .
ધ દારૂખાના આયર્ન ઍન્ડ સ્ટીલ ક્રૅપ મર્ચન્ટ્સના પ્રેસિડન્ટ અશોકકુમાર ગર્ગ અને પરવેઝ કપૂર દ્વારા આયોજિત આ મીટિંગમાં ઑલ ઇન્ડિયા શિપબ્રેકિંગ અસોસિએશન કર્ણાક બંદર, મુમતાઝ બિલ્ડિંગ, સાસૂન ડૉક સી ફૂડ સપ્લાયર અસોસિએશન, સી વ્યુ ટેરીસ, પાર્કર નિવાસ, કુબેર હાઉસ, રુબી ટેરેસ, મથુરાદાસ એસ્ટેટ સર્વિસિસ કો-ઑપરેટિવ સોસાયટી, ડિસ્મા, વીમા, અમીન હાઉસ ટેનન્ટ્સ અસોસિએશન, કુલાબા રેસિડન્ટ્સ અસોસિએશન, મકાની ચેમ્બર ટેનન્ટ્સ અસોસિએશન-રે રોડ, ગોકુલેશ પ્રિમાઇસિસ, ધ બૉમ્બે રેસિડન્ટ્સ, રેડિયો ક્લબ, કે. બિલ્ડિંગ બેલાર્ડ એસ્ટેટ, એમબીપીટીવિરોધી સંઘર્ષ સમિતિ કુલાબા અસોસિએશન વગેરેનો સમાવેશ હતો.