મીરા રોડના વૈષ્ણવોના જય શ્રી ગોપાલલાલ મંદિરમાં જવા માટેનાં પગથિયાં જ ન રહ્યાં

21 December, 2024 02:52 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મંદિરને આજે ૧૮ વર્ષ પૂરાં થતાં હોવાથી અન્નકૂટનો મનોરથ રાખ્યો હોવાથી હવે એ કઈ રીતે કરવો એને લઈને ટ્રસ્ટીઓ દ્વિધામાં

ડિમોલિશન પહેલાં મંદિરનાં પગથિયાં. ડિમોલિશન પછીની પરિસ્થિતિ

મીરા-ભાઈંદર મ્યુનિસિપલ કૉર્પોરેશન (MBMC)ના અતિક્રમણ વિભાગે ગઈ કાલે ​મીરા રોડના ગોકુળ વિલેજના શાંતિ પાર્કમાં આવેલા જય શ્રી ગોપાલલાલ મંદિરની બહારનાં પગથિયાં ગેરકાયદે બાંધવામાં આવ્યાં છે એમ કહી એના પર JCB ચલાવીને તોડી પાડ્યાં હતાં. કોર્ટે આપેલા આદેશને અનુસરીને આ તોડકામની કાર્યવાહી કરવામાં આ‍વી હતી એમ કહેવામાં આવી રહ્યું છે.

આ તોડકામની કાર્યવાહી બદલ મંદિરના ટ્રસ્ટી લાભુભાઈ ગોટીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કોર્ટનો ઑૅર્ડર હતો એ ખરું અને અમને એ બાબતે MBMCની નોટિસ મળ્યા બાદ અમે જ કેટલુંક બાંધકામ તોડી પાડ્યું હતું. હવે ગઈ કાલે તેમણે મંદિરનાં પગથિયાં જ તોડી પાડ્યાં છે. મંદિર પહેલા માળની ઊંચાઈએ છે જે કાયદેસર છે અને એને MBMCએ મંજૂરી પણ આપી છે. અમે પહેલાં જ MBMCના અધિકારીઓના કહેવા મુજબ બાંધકામ તોડી પાડ્યું હતું અને MBMCના અધિકારીઓ આવીને બધું જોઈ પણ ગયા હતા. એ વખતે પણ તેમણે કંઈ કહ્યું નહીં અને હવે આ તોડકામ કર્યું. જો તેમને કોઈ વાંધો હતો તો એ વખતે તેઓ અમને કહી શકતા હતા, પણ તેમણે એમ ન કરતાં ડાયરેક્ટ તોડકામ કર્યું. હવે જો મંદિરમાં જવાનાં પગથિયાં જ તોડી પાડવામાં આવે તો ભાવિકો મંદિરમાં જાય કઈ રીતે? કોર્ટનો ઑર્ડર છે એ વાત સાચી, પણ કોર્ટના એ ઑર્ડરમાં મીરા-ભાઈંદરમાં ૭૨ જેટલાં સ્ટ્રક્ચર દેખાડાયાં છે. જોકે તોડકામની કાર્યવાહી અમારા મંદિર પર જ કરવામાં
આવી છે.’   

આજે આ મંદિરને ૧૮ વર્ષ પૂરાં થાય છે એ નિમિત્તે મંદિરમાં અન્નકૂટ મનોરથ રાખવામાં આવ્યો છે અને ૧૫૦૦ જેટલા વૈષ્ણવો પ્રસાદ પણ લેવાના હતા. હવે આ પ્રસંગનું શું થશે એ ગઈ કાલે મોડી રાત સુધી નક્કી કરવામાં નહોતું આવ્યું.

આ બાબતે ડિમોલિશન કરનારા MBMCના અધિકારીનો સંપર્ક કરવાની કોશિશ કરવા છતાં તેઓ નહોતા મળી શક્યા.

mira bhayandar municipal corporation bhayander news mumbai mumbai news