05 October, 2024 10:07 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પુણેમાં બનાવવામાં આવેલું નરેન્દ્ર મોદીનું મંદિર.
ભારતીય જનતા પાર્ટી (BJP)ના પુણેના સ્થાનિક નેતા અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પ્રેમી મયૂર મુંઢેએ ૨૦૨૧માં દોઢ લાખ રૂપિયાના ખર્ચે નરેન્દ્ર મોદીનું મંદિર બનાવ્યું હતું. એક ભક્તે નરેન્દ્ર મોદીનું મંદિર બનાવ્યું હોવાની માહિતી જાણ્યા બાદ દેશભરમાં આ મંદિરની ચર્ચા થઈ હતી. મંદિર બનાવ્યા બાદ મયૂર મુંઢે દરરોજ મંદિરમાં પૂજા-અર્ચના કરે છે અને નરેન્દ્ર મોદીના આશીર્વાદ મેળવે છે. જોકે હવે મોદીના આ ભક્તે BJPમાંથી રાજીનામું આપતો પત્ર લખતાં એ ફરી ચર્ચામાં છે. પોતે હવે BJPમાંથી રાજીનામું આપી રહ્યો હોવા સંબંધે મયૂર મુંઢેએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ અને BJPના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાને એક પત્ર લખ્યો છે, જેમાં તેણે લખ્યું છે કે ‘હું BJPનો વફાદાર કાર્યકર છું. ઔંધ વૉર્ડના અધ્યક્ષથી લઈને શિવાજીનગરના યુવા મોરચાના વાઇસ પ્રેસિડન્ટ તરીકે મેં પક્ષમાં કામ કર્યું છે. જોકે તાજેતરના સમયમાં વફાદાર કાર્યકરોની અવગણના કરવામાં આવી રહી છે. બહારથી આવેલા લોકોને વધુ પ્રાથમિકતા આપવામાં આવે છે. અહીંના સ્થાનિક વિધાનસભ્ય પાર્ટીને આગળ વધારવાને બદલે મનમાની કરીને નેતાઓની નિયુક્તિ કરી રહ્યા છે. પક્ષના ભૂતપૂર્વ પદાધિકારીઓને બેઠકોમાં બોલાવવામાં પણ નથી આવતા. તેમની વાત સાંભળવામાં નથી આવતી એટલું જ નહીં, ચૂંટણીના પ્રચારમાંથી પણ તેમને દૂર રાખવામાં આવી રહ્યા છે. બહારથી પક્ષમાં લેવામાં આવેલા લોકોને પદની સાથે વધુ ફન્ડ પણ ફાળવવામાં આવી રહ્યું છે.’