મેની હીટમાં એસી ટ્રેન છે સુપરહિટ

13 May, 2023 09:59 AM IST  |  Mumbai | Priti Khuman Thakur

ગરમીનો પારો મે મહિનામાં વધતાં જ એપ્રિલની સરખામણીમાં લોકલમાં ૩૦ ટકા પ્રવાસીઓમાં વધારો થયો છે અને રેલવેની આવકમાં પણ ધરખમ વધારો થયો છે

મે મહિનાના પહેલા ૧૧ દિવસમાં જ 12.51 લાખ પ્રવાસીઓએ વેસ્ટર્ન રેલવેની એસી ટ્રેનમાં પ્રવાસ કર્યો હતો

મુંબઈગરાઓ એપ્રિલ મહિનાથી ગરમીનો પારો સહન કરી રહ્યા છે. એવામાં મે મહિનાની શરૂઆતથી જ મુંબઈમાં ઉષ્ણતામાનનું પ્રમાણ અત્યંત વધી ગયું હોવાથી લોકો પરેશાન થઈ ગયા છે. સવારથી જ લોકો ગરમીનો અનુભવ કરતા હોય છે અને બપોરના સમયે તો ગરમીનો પારો અસહ્ય થવા લાગે છે. એથી લોકો ગરમીથી બચવા અને ઑફિસ જવા પ્રવાસ કરવા માટે વેસ્ટર્ન રેલવેમાં એસી લોકલની પસંદગી કરવા લાગ્યા છે. એસી લોકલની કૂલ-કૂલ હવા ખાવા પ્રવાસીઓનો એપ્રિલથી મે મહિના વચ્ચે ૩૦ ટકાનો વધારો થયો છે. પહેલી મેથી પ્રવાસીઓની સંખ્યામાં વધુ ધસારા સાથે એસી લોકલમાં ખુદાબક્ષોનું પ્રમાણ પણ વધ્યું છે.

એસી લોકલમાં પ્રવાસીઓનો ધસારો પણ સારોએવો વધવા લાગતાં વેસ્ટર્ન રેલવેએ પ્રતિસાદ જોતાં એની સર્વિસ વધારી છે. એવામાં લોકલની સંખ્યા વધવાની સાથે હાલમાં મુંબઈમાં વધતા ગરમીના પારાથી એસી લોકલ પ્રવાસીઓની પસંદગી બનતાં પીક અવર્સમાં લોકોને ચડવા પણ મળતું નથી. આ વિશે વેસ્ટર્ન રેલવેએ જણાવ્યું હતું કે ‘પ્રવાસીઓની સંખ્યામાં ખાસ્સોએવો વધારો થયો છે અને એની સાથે વિવિધ તપાસ અભિયાન હાથ ધરાતાં એસી લોકલમાં ટિકિટ વગર પ્રવાસ કરતા પ્રવાસીઓને પણ પકડવામાં આવી રહ્યા છે.’

આંકડો બોલે છે

એસી લોકલમાં પહેલી મેએ ૯૬,૯૦૦ પ્રવાસીઓએ પ્રવાસ કર્યો હતો, જ્યારે એના બીજા જ દિવસે બીજી મેએ ૧,૮૯,૦૧૪ પ્રવાસીઓએ પ્રવાસ કર્યો હતો. એવી રીતે ત્રીજી મેએ ૧,૩૫,૯૭૮ પ્રવાસીઓ, ૮ મેએ ૧,૬૪,૩૯૭, ૯ મેએ ૧,૨૭,૯૮૧ અને ૧૦ મેએ ૧,૪૧,૨૧૪ એમ ફક્ત ૧૧ દિવસની અંદર (પહેલી મેથી ૧૧ મે સુધી) ૧૨,૫૧,૧૭૭ પ્રવાસીઓએ પ્રવાસ કર્યો અને રેલવેને ૫,૭૩,૮૫,૩૭૦ રૂપિયાની આવક થઈ છે, જ્યારે એપ્રિલ મહિનાની દરરોજ સરેરાશ ૮૦,૦૦૦થી ૯૧,૭૫૮ સુધીની હતી. એ પ્રમાણે મે મહિનામાં ૩૦ ટકાનો પ્રવાસી ધસારો વધ્યો હતો તેમ જ મે મહિનામાં દરરોજનો સરેરાશ વધારો ૨૧,૯૮૫ છે.

ખુદાબક્ષોની સંખ્યા ૨૩૮ ટકા વધી

વેસ્ટર્ન રેલવેએ એપ્રિલ ૨૦૨૩માં સઘન ટિકિટ ચેકિંગ કામગીરી દરમ્યાન દંડ તરીકે ૧૬.૭૬ કરોડ રૂપિયા વસૂલ્યા હતા, જેમાં મુંબઈ ઉપનગરીય વિભાગમાંથી ૪.૭૧ કરોડ રૂપિયાની વસૂલાત કરી હતી. એસી લોકલ ટ્રેનમાં સઘન ટિકિટ ચેકિંગથી દંડમાં ૨૩૮ ટકાથી વધુનો વધારો થયો છે. વેસ્ટર્ન રેલવે દ્વારા ટિકિટ તપાસ અભિયાન ચાલી રહ્યું છે. વેસ્ટર્ન રેલવેના વરિષ્ઠ અધિકારીઓની દેખરેખ હેઠળ અત્યંત પ્રેરિત ટિકિટ વેરિફિકેશન ટીમ દ્વારા એપ્રિલ મહિનામાં સંખ્યાબંધ ટિકિટ વેરિફિકેશન ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી.

એપ્રિલ ૨૦૨૩ દરમ્યાન ૧૬.૭૬ કરોડ રૂપિયા વસૂલવામાં આવ્યા હતા, જ્યારે વેસ્ટર્ન રેલવેએ મુંબઈ ઉપનગરીય વિભાગમાંથી ૮૩,૫૨૨ કેસ શોધી કાઢ્યા અને ૪.૧૭ કરોડ રૂપિયાનો દંડ વસૂલ્યો છે. એસી લોકલ ટ્રેનોમાં અનધિકૃત પ્રવેશને રોકવા માટે નિયમિત સરપ્રાઇઝ ટિકિટચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવે છે. આ ઝુંબેશના પરિણામે એપ્રિલ ૨૦૨૩માં ૬,૩૦૦થી વધુ ગેરકાયદે મુસાફરોને દંડ ફટકારવામાં આવ્યો હતો અને ૨૧.૩૪ લાખ રૂપિયા વસૂલવામાં આવ્યા હતા, જે અગાઉના વર્ષ કરતાં ૨૩૮.૧૯ ટકા વધુ છે.

પ્રવાસીઓ શું કહે છે?

એસી લોકલ વરદાનરૂપ
સાઉથ મુંબઈમાં ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા જયેશ વોરાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આજકાલ તો પીક-અવર્સ હોય કે સામાન્ય સમય, ટ્રેનમાં ભીડ જોવા મળે છે. ખાસ કરીને પુરુષ કોચમાં પીક-અવર્સમાં તો ચડવા જ નથી મળતું. ગરમીમાં તો એસી લોકલ અમારા માટે વરદાનરૂપ બની છે.’

એસી લોકલની સંખ્યા વધારો
મરીન લાઇન્સ જતા કાપડના વેપારી દાસભાઈ બગોસરાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હાલમાં તો ગરમીનું પ્રમાણ એટલું છે કે એક એસી લોકલ ચૂકી જવાય તો પાછળની એસી લોકલ માટે ફરી ઘરે જઈને રાહ જોઈને આવું છું. આ લોકલ સિવાય તો હું કામ પર પણ જતો નથી. પીક-અવર્સમાં અને નૉન-પીક-અવર્સમાં એસી લોકલની સંખ્યા વધારવાની જરૂર છે. એની ટિકિટનો ભાવ ઓછો કરવામાં આવે તો સારું જેથી ગરમીમાં બધા લોકો એમાં પ્રવાસ કરી શકે.’ 

mumbai mumbai news mumbai local train preeti khuman-thakur