09 October, 2024 08:31 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
હાલ નવરાત્રિ ચાલી રહી છે અને ખાસ કરીને બોરીવલીથી મલાડ દરમ્યાન મોટી નવરાત્રિઓનું આયોજન થયું છે ત્યારે પાર્કિંગની અને ટ્રાફિક જૅમની સમસ્યાથી બચવા મુંબઈગરાએ મેટ્રોનો વિકલ્પ પસંદ કર્યો છે અને એનો સીધો ફાયદો મેટ્રો 2A અને 7ને થયો છે. મેટ્રોએ પણ એની સર્વિસિસ મોડે સુધી ચાલુ રાખી હતી. એથી આરામદાયક મુસાફરી કરવા મળે અને ઝડપથી પહોંચી શકાય એવા મેટ્રોના ઑપ્શનને લોકોએ વધાવી લેતાં સોમવારે એક જ દિવસમાં એણે અત્યાર સુધીના સૌથી વધુ ૨,૯૨,૫૭૫ પ્રવાસીનો આંકડો ટચ કર્યો છે. એથી મહા મુંબઈ મેટ્રો ઑપરેશન કૉર્પોરેશન લિમિટેડે મેટ્રોમાં પ્રવાસ કરનારા મુંબઈગરાઓનો આભાર માન્યો છે. અંધેરી (વેસ્ટ)-ડી. એન. નગરથી દહિસર દોડતી મેટ્રો2A યલો લાઇન અને દહિસરથી અંધેરી (ઈસ્ટ)-ગુંદવલી દોડતી મેટ્રો 7 રેડ લાઇન રૂટમાં એક જ દિવસમાં ૨,૯૨,૫૭૫ લોકોએ પ્રવાસ કરતાં આ મેટ્રોએ મુંબઈગરાનો આભાર માન્યો છે. સાથે જ એણે મુંબઈગરાને ઉદ્દેશીને કહ્યું છે કે આરામદાયક અને સુખરૂપ પ્રવાસ કરવા મેટ્રોની પસંદગી કરવા બદલ આપનો આભાર, તમારો પ્રવાસ વધુ આરામદાયક અને સુરક્ષિત રહે એ માટે મેટ્રો પ્રતિબદ્ધ છે.