મૉરિસના બદઇરાદાથી અજાણ બૉડીગાર્ડે તેને ગન ચલાવતાં શીખવ્યું

14 February, 2024 07:13 AM IST  |  Mumbai | Faizan Khan

પોલીસની તપાસ અનુસાર મૉરિસ નોરોન્હાના બૉડીગાર્ડે તેને ગન ચલાવવાની તાલીમ આપી હતી, પણ તેને મૉરિસ શું પ્લાનિંગ કરી રહ્યો છે એની કોઈ જાણ નહોતી

મૉરિસ નોરોન્હા અને અભિષેક ઘોસાલકર શૂટિંગની મિનિટો પહેલાં ફેસબુક લાઇવ પર.

અભિષેક ઘોસાળકરની હત્યા કર્યા બાદ પોતે આપઘાત કરનારા મૉરિસ નોરોન્હાએ તેના બૉડીગાર્ડ અમરેન્દ્ર મિશ્રા પાસેથી પિસ્તોલ ચલાવવાની તાલીમ લીધી હતી. મૉરિસ છેલ્લા એક મહિનાથી પિસ્તોલ કેવી રીતે હૅન્ડલ, લોડ અને ફાયર કરવી એની ટ્રેઇનિંગ લઈ રહ્યો હતો. જોકે બૉડીગાર્ડ મિશ્રા તેના ઇરાદાથી બિલકુલ અજાણ હતો. તપાસ દરમ્યાન નોરોન્હાની સર્ચ-હિસ્ટરીમાં પિસ્તોલના ઉપયોગ અને ફાયરિંગ ટેક્નિકના યુટ્યુબ ટ્યુટોરિયલ સામે આવ્યા હતા.

ક્રાઇમ બ્રાન્ચનાં સૂત્રો અનુસાર મર્ડર અને સુસાઇડ કેસમાં કોઈ કનેક્શન છે કે કેમ એ નક્કી કરવા માટે આરોપીની વેબ સર્ચ-હિસ્ટરીની તપાસ કરવામાં આવી હતી. આ દરમ્યાન પોલીસને જાણવા મળ્યું કે આરોપીએ ડિસેમ્બરથી પિસ્તોલના ઉપયોગ અને ફાયરિંગ ટેક્નિક વિશેના અનેક વિ​ડિયો સર્ચ કર્યા હતા. એક અધિકારીએ જણાવ્યું હતું કે લાઇવ વિ​ડિયો પરથી સ્પષ્ટ છે કે અભિષેક ઘોસાળકરને વાગેલી ગોળીના નિશાનમાં કોઈ ચૂક થઈ નહોતી એટલે તે વ્યક્તિ પિસ્તોલ ચલાવવામાં નિપુણ હતી. તેમણે જણાવ્યું હતું કે મિશ્રા અને નોરોન્હા વચ્ચે કોઈ ષડ્યંત્રના પુરાવા નથી મળ્યા.

નોરોન્હાએ સાતમી ફેબ્રુઆરીએ અભિષેક ઘોસાળકરને તેની દુકાનમાં બોલાવ્યા બાદ હત્યા કરવાની યોજના બનાવી હતી. અભિષેક ઘોસાળકર રાત્રે ૯.૨૨ વાગ્યે પહોંચ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં નોરોન્હાનો બૉડીગાર્ડ ઘરે જવા નીકળી ગયો હતો. હથિયાર ઉપલબ્ધ ન હોવાથી એ દિવસે નોરોન્હાએ અભિષેક ઘોસાળકરની હત્યા કરી નહોતી. ત્યાર બાદ બીજા દિવસે નોરોન્હાએ ફેસબુક લાઇવ સેશન દરમિયાન અભિષેકને ચાર ગોળી મારી હતી.

અધિકારીઓએ કહ્યું હતું કે મૉરિસ સારો કુક હતો અને તેને મિત્રોને જમવાનું આમંત્રણ આપવું ગમતું હતું, પરંતુ ઘટનાના એક દિવસ પહેલાં તે મિત્રો સાથે ઘોડબંદરની ફાઉન્ટન હોટેલમાં જમવા ગયો હતો. મૉરિસ પોતે સવારે ત્રણ વાગ્યે હોટેલમાંથી નીકળી ગયો હતો, પણ તેના કેટલાક મિત્રો વહેલી સવારે ચા પીવા મલાડ ગયા હતા. ક્રાઇમ બ્રાન્ચ આ મિત્રોની પણ પૂછપરછ કરી રહી છે. ઘટનાના દિવસે મૉરિસની ઑફિસમાં તેની નજીકનું કોઈ હાજર નહોતું. ઘટના દરમ્યાન માત્ર અભિષેકના વર્કર્સ અને સહયોગીઓ જ મૉરિસની ઑફિસની બહાર જોવા મળ્યા હતા. મૉરિસની ઑફિસની અંદર અને બહાર બંને જગ્યાએ સર્વેલન્સ કૅમેરા લગાવવામાં આવ્યા હતા. પોલીસનું કહેવું છે કે મૉરિસે હત્યાનું ઝીણવટપૂર્વક આયોજન કર્યું હતું.
તપાસ દરમ્યાન મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે મૉરિસના બૉડીગાર્ડની ધરપકડ કરી હતી, કારણ કે આરોપીએ તેની .45 બોરની પિસ્તોલનો ઉપયોગ કર્યો હતો. મિશ્રા ચાર મહિનાથી મૉરિસનો બૉડીગાર્ડ હતો. પોલીસે મૉરિસની પત્ની અને સાસુનાં નિવેદનો પણ નોંધ્યાં હતાં. મૉરિસની પત્નીએ પોલીસને જણાવ્યું હતું કે તેનો પતિ અભિષેક ઘોસાળકરની સતામણીથી કંટાળી ગયો હતો અને તેણે અભિષેકને મારી નાખવાનો ઇરાદો વ્યક્ત કર્યો હતો.

mumbai news mumbai mumbai crime news Crime News abhishek ghosalkar