‘પુષ્પા’ સ્ટાઇલમાં વેર વાળ્યું...

10 February, 2024 07:21 AM IST  |  Mumbai | Shirish Vaktania, Samiullah Khan

શૂટઆઉટના થોડા કલાકો પહેલાં જ મૉરિસ નોરોન્હાએ અલ્લુ અર્જુનની ફિલ્મનો શૉર્ટ વિડિયો પોસ્ટ કર્યો હતો

મૉરિસ નોરોન્હા

શૂટઆઉટના થોડા કલાકો પહેલાં મૉરિસ નોરોન્હાએ ‘પુષ્પા’ ફિલ્મમાંથી એક શૉર્ટ વિડિયો પોસ્ટ કર્યો હતો અને સાથે એક મેસેજ મૂક્યો હતો કે ‘પીડાની દરકાર નહીં હોય તેને કોઈ પરાજિત નહીં કરી શકે, અસ્વીકાર, અનાદર.’  આ વાંચી ઘણા મિત્રોએ નોરોન્હાને ફોન કર્યો હતો અને આ મેસેજની સ્પષ્ટતા કરવા જણાવ્યું હતું. નોરોન્હાએ તેમને જણાવ્યું હતું કે દિવસના અંતે ‘પુષ્પા’ ફિલ્મમાં છે એવો જ અંત જોવા મળશે.

‘પુષ્પા’ ફિલ્મમાં અભિનેતા અલ્લુ અર્જુન દોસ્તી દાવે મળવાના ઓઠા હેઠળ વિલનને બોલાવે છે. ત્યાર બાદ જંગલની મધ્યમાં તેને નિર્વસ્ત્ર પડતો મૂકી જાય છે અને આમ તેના દ્વારા થયેલા અપમાનનો બદલો લે છે.  

નોરોન્હાએ આઇ. સી. કૉલોનીમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી હતી. તેણે પોતાની એક ઑફિસ ખોલી હતી, જેમાં અભિષેક સોથેનો ફોટો લગાવ્યો હતો. આ ઑફિસનો ઉપયોગ પબ્લિસિટી પ્લૅટફૉર્મ તરીકે થતો હતો.

સૂત્રોએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે નોરોન્હાનો અમેરિકામાં લાસ વેગસમાં ​બિઝનેસ હતો, પરંતુ કોવિડને કારણે મુંબઈ આવ્યા બાદ તે અટવાઈ ગયો હતો અને પાછો ફરવા અસમર્થ હતો. સ્થાનિક રાજકારણીઓ પાસેથી મદદ નહીં મેળવી શકનારા અસંખ્ય લોકોની ફરિયાદોનો નોરોન્હા સાક્ષી રહ્યો હતો. આથી તેણે જરૂરિયાતમંદોને ફ્રી રૅશન અને ગૅસ-સિલિન્ડર આપવાની શરૂઆત કરી.

નોરોન્હાએ વૉર્ડ ક્રમાંક-૧માંથી સુધરાઈની ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો હતો અને પોતાના સોશ્યલ મીડિયા પેજ પર એની જાહેરાત કરી હતી. આ જ વૉર્ડમાંથી ભૂતપર્વ કૉર્પોરેટરો અભિષેક ઘોસાળકર અને તેની પત્ની તેજ​સ્વિની ઘોસાળકરે નોરોન્હાની ઉમેદવારીનો ​​વિરોધ કર્યો હતો અને આ વૉર્ડમાંથી ચૂંટણી નહીં લડવા પરસ્પરના મિત્રો મારફત અવારનવાર તેને વિનંતી કરી હતી. આને પગલે બન્ને વચ્ચે શીત યુદ્ધ શરૂ થયું હતું એમ સૂત્રોએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું.

સૂત્રોએ વધુમાં ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ગયા વર્ષે નોરોન્હાની ગર્લફ્રેન્ડે તેની સામે એમએચબી પોલીસ-સ્ટેશનમાં રેપ અને છેતર​પિંડીનો કેસ નોંધાવ્યો હતો. નોરોન્હા છેલ્લાં ૧૪ વર્ષથી ગર્લફ્રેન્ડ સાથે રિલેશનશિપમાં હતો. લાસ વેગસથી તે પાછો ફર્યો ત્યારે મુંબઈ વિમાનમથકે એમએચબી પોલીસે તેની ધરપકડ કરી હતી. આને પરિણામે તેના લગ્નજીવન ઉપર માઠી અસર પડી હતી. પત્ની ઘર છોડી ગઈ હતી અને તેનાથી અલગ થવાનો નિર્ણય કર્યો હતો. નોરોન્હાએ માન્યું કે આ બનાવ પાછળ ઘોસાળકર જ હતો અને તેણે બદલો લેવા ​વિચાર્યું.

ત્યાર બાદ શીત યુદ્ધની શરૂઆત થઈ. ઘોસાળકર અને નોરોન્હાએ અનેક બેઠકો યોજી હતી અને ફોન ઉપર ચર્ચા કરી હતી. પરસ્પરના મિત્રો દ્વારા આ પ્રશ્નના ઉકેલનો પ્રયાસ કર્યો હતો. બન્ને જણ સમજૂતી માટે સંમત થયા હતા. ઘોસાળકરે સમજૂતીની વાત કરી હતી, પરંતુ નોરોન્હાએ એનો અસ્વીકાર કર્યો હતો.

સૂત્રોએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું  કે નોરોન્હાએ ફિલ્મી સ્ટાઇલથી ઘોસાળકરની હત્યા કરવાની યોજના ઘડી હતી. સૌપ્રથમ તો પરસ્પરના મિત્રો મારફત ઘોસાળકર સાથે દોસ્તી બાંધી હતી અને તેનો વિશ્વાસ સંપાદન કર્યો હતો. આથી ઘોસાળકર એમ માનવા પ્રેરાયો કે આગામી ચૂંટણીમાં નોરોન્હા તેને ટેકો આપશે. નોરોન્હા પોતાના ખતમ થયેલા લગ્નજીવનનો, પત્ની અલગ થઈ એ બાબતનો, તેમની વચ્ચેની લડાઈનો, પોલીસ દ્વારા તેની ધરપકડનો અને સમાજમાં તેની પ્રતિભાને થયેલા નુકસાનનો બદલો લેવા માગતો હતો. નોરોન્હા માનતો હતો કે આ તમામ બાબતો માટે ઘોસાળકર જ જવાબદાર હતો.

mumbai news mumbai abhishek ghosalkar Crime News mumbai crime news