ઘર નહીં તો મત નહીં

13 May, 2024 10:36 AM IST  |  Mumbai | Bakulesh Trivedi

રીડેવલપમેન્ટના કામમાં છેલ્લાં ૧૧ વર્ષથી તારીખ પે તારીખથી ખૂબ કંટાળી ગયેલા માટુંગાના રહેવાસીઓ હવે નીંભર તંત્રને જગાડવા લોકતંત્રના સૌથી મોટા ઉત્સવનો કરશે બહિષ્કાર

ગઈ કાલે માટુંગાની જશોદા સોસાયટીની બહાર મતદાનના બહિષ્કારનાં પ્લૅકાર્ડ્‌સ લઈને ઊભા રહેલા રહેવાસીઓ

જશોદા સોસાયટીના ૫૧ પરિવારોના માથે ઉપા​ધિ ઓછી હોય એમ BMCએ પાંચ કરોડથી વધારે રૂપિયાનો પ્રૉપર્ટી-ટૅક્સ ભરવાની નોટિસ મોકલી

વેસ્ટર્ન રેલવેના માટુંગા રોડ સ્ટેશનથી માહિમ તરફ જતા ટ્રૅકના પૅરૅલલ રોડ પર આવેલી જશોદા કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટીના ૫૧ પરિવારોએ ૧૦ વર્ષ પહેલાં રીડેવલપમેન્ટ માટે બિલ્ડરને ઘર સોંપી દીધાં હતાં. બિલ્ડરે બાવીસ માળનું મકાન બનાવવાનું કહ્યું હતું અને ૧૫ માળ ચણાઈ ગયા પછી એણે કામ ઠપ કરી દીધું છે. એથી આ રહેવાસીઓએ મ્હાડાના મુંબઈ બિલ્ડિંગ રિપેર ઍન્ડ રીડેવલપમેન્ટ બોર્ડનો સંપર્ક કરીને રજૂઆત કરી હતી અને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશનના તત્કાલીન કમિશનરે પણ એ કામ વહેલી તકે શરૂ કરવાનો આદેશ આપ્યો હતો. ૯ મહિના પહેલાં ૨૦૨૩ની ૧૫ ઑગસ્ટે એ કામ શરૂ થવાનું હતું છતાં આજ સુધી શરૂ થયું નથી. એમાં વળી BMCએ બિલ્ડરે ન ભરેલો પ્રૉપર્ટી-ટૅક્સ સોસાયટીને પેનલ્ટી સાથે ભરવા કહ્યું છે, જે રકમ પાંચ કરોડ કરતાં વધુ થાય છે. એ ટૅક્સની રકમ નહીં ભરાય તો એ મકાન ઑક્શનમાં જઈ શકે એવી જોગવાઈ કાયદામાં છે એથી અકળાયેલા રહેવાસીઓએ હવે ચૂંટણીના સમયે જો તેમને ઘર નહીં મળે (મકાનનું બાકી રહેલું કામ શરૂ નહીં થાય) તો ‘ઘર નહીં તો મત નહી’નું ધોરણ અપનાવ્યું છે. ગઈ કાલે તેઓ તેમના અડધા ચણાઈ ગયેલા મકાન પાસે ભેગા થયા હતા અને ત્યાં દેખાવ કર્યા હતા.

આ વિશે વધુ માહિતી આપતાં જશોદા સોસાયટીના સેક્રેટરી ભરત પ્રેમજી ગડાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બિલ્ડરે બે વખત ટૅક્સ ભર્યો છે. એ પછી તેણે ટૅક્સ ભર્યો નથી. હવે BMCએ ન ભરાયેલા પ્રૉપર્ટી-ટૅક્સની રકમ ૩.૫૦ કરોડ અને એના પર પેનલ્ટી ગણીને અમને પાંચ કરોડ રૂપિયા ભરવા કહ્યું છે. સરકારની જ સ્કીમ ‘૯૧-એ’ હેઠળ અમે અમારો પ્રોજેક્ટ મ્હાડાને સરેન્ડર કર્યો છે અને મ્હાડા હવે નવો કૉન્ટ્રૅક્ટર નીમીને કે પછી મ્હાડા પોતે જ અમારું બિલ્ડિંગ બનાવી આપે એમ છે, પણ એ બાબતે કોઈ નિર્ણય લેવાતો નથી. અમે જ્યારે ઑફિસરોને જઈને મળીને અમારી રજૂઆત કરીએ તો કહેવામાં આવે છે કે તમારી ફાઇલ પ્રોસેસમાં છે. હવે અમે બધા ચિંતામાં છીએ. બિલ્ડરે ૬ વર્ષથી ભાડું પણ નથી આપ્યું. અમે પોતાના પૈસે ભાડાં ભરીને અન્યત્ર રહીએ છીએ. ઘણા પરિવાર તો અહીનાં ભાડાં પરવડતાં ન હોવાથી વસઈ-વિરાર જતા રહ્યા છે. વળી ઘણા પરિવારોમાં માત્ર સિનિયર સિટિઝનો છે અને તેમની ખાસ કોઈ આવક પણ નથી. આવી પરિસ્થિતિમાં અમારે કરોડો રૂપિયાનો ટૅક્સ કઈ રીતે ભરવો? મ્હાડા જે કૉન્ટ્રૅક્ટરને આ પ્રોજેક્ટ સોંપે એના સેલ એરિયામાંથી તે ટૅક્સની રકમ લઈ શકે છે. કરોડો રૂપિયા જેટલો ટૅક્સ ભરવાની અમારી કૅપેસિટી નથી એટલું જ નહીં, અમને બધાને તો ઘર મળશે કે નહીં એની ​ચિંતા સતાવી રહી છે. હાલમાં ચૂંટણીનો માહોલ છે ત્યારે હવે અમે ‘ઘર નહીં તો મત નહીં’નું ધોરણ અપનાવ્યું છે. અમે એવું ધારીએ છીએ કે આવું પગલું લેવાતાં ઍટ લીસ્ટ અમારી મુસીબત બાબતે સરકારનું ધ્યાન દોરવાશે અને અમારી સમસ્યા ઉકેલવા ઝડપી પગલાં લેવામાં આવશે.’

matunga property tax brihanmumbai municipal corporation Lok Sabha Election 2024 Lok Sabha mumbai mumbai news bakulesh trivedi