ઘરેથી ટૅક્સીમાં મરીન ડ્રાઇવ જઈને દરિયામાં ઝંપલાવ્યું માટુંગાનાં ગુજરાતી મહિલાએ

28 June, 2024 09:51 AM IST  |  Mumbai | Bakulesh Trivedi

જોકે એ વખતે ત્યાં પૅટ્રોલિંગ કરતી પોલીસે તેમને ગણતરીની મિનિટોમાં બચાવી લીધાં : ૫૯ વર્ષનાં અપરિણીત સ્વાતિ કાનાણીની નાની બહેને કહ્યું કે તે સાતેક વર્ષથી ડિપ્રેશનમાં છે

૫૯ વર્ષનાં અપરિણીત સ્વાતિ કાનાણી

માટુંગા સેન્ટ્રલમાં રુઇયા કૉલેજ પાસે રહેતાં ૫૯ વર્ષનાં સ્વા​​તિ કાનાણી ગઈ કાલે બપોરે દોઢ વાગ્યે ઘરેથી જીવન ટૂંકાવવા ટૅક્સીમાં નીકળી ગયાં હતાં અને અઢી વાગ્યે મરીન ડ્રાઇવના દરિયામાં ઝંપલાવી દીધું હતું. જોકે એ વખતે ત્યાં પૅટ્રોલિંગ કરતી પોલીસે તેમને ગણતરીની મિનિટોમાં બચાવી લીધાં હતાં. એ પછી તેઓ બહુ જ ગભરાયેલાં હતાં. પોલીસે તેમની બહેનોને આ બાબતની જાણ કરી હતી અને તેમને સારવાર માટે ગોકુળદાસ તેજપાલ હૉસ્પિટલમાં લઈ જવાયાં હતાં.

મરીન ડ્રાઇવ પોલીસે જણાવ્યું હતું કે ‘આ મહિલા ત્યાં પાળી પર હતાં અને એ વખતે ભરતીનો પણ સમય હતો. તેઓ પગ લપસી જતાં નીચે પડી ગયાં હતાં. અમને ઘટનાની જાણ કરવામાં આવતાં અમારા બે પોલીસ ટ્રેટાપૉડ પર દોરી લઈને ઊતર્યા હતા અને તેમને બચાવી લીધાં હતાં. તેમને ત્યાર બાદ ઉપર લાવીને ​હૉસ્પિટલમાં પહોંચાડ્યાં હતાં.’  

આ ઘટના ​વિશે માહિતી આપતાં સ્વાતિબહેનનાં નાનાં બહેન જયા કાનાણીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે ત્રણ બહેનો છીએ. ત્રણે અપ​રિણીત છીએ અને સાથે જ રહીએ છીએ. છેલ્લાં સાતેક વર્ષથી સ્વા​તિ ​ડિપ્રેશનમાં છે. તે જીવનથી હતાશ થઈ ગઈ છે. અમે થોડા વખત પહેલાં જ ચાર મહિના મસીના હૉસ્પિટલમાં ડૉક્ટર પ્રિયંકા મહાજન અને અલ્કેશ પાટીલની સારવાર હેઠળ દાખલ કરીને તેની સારવાર કરાવી હતી. એ પછી હાલ ઇલેક્શન વખતે પણ તેને દાખલ કરવી પડી હતી. હું બની શકે ત્યાં સુધી તેને એકલી મૂકતી નથી. તેને રોજ નજીકના ગાર્ડનમાં હાથ પકડીને ફરવા પણ લઈ જાઉં છું. હું ગઈ કાલે ઘરની સામે જ આવેલી બૅન્કમાં ૧૦-૧૫ મિનિટના કામ માટે ગઈ હતી. ત્યારે અમારી સૌથી નાની બહેન આભાની નજર ચૂકવીને તે ઘરમાંથી નીકળી ગઈ હતી. એ પછી સ્વાતિબહેને અમને ટૅક્સી-ડ્રાઇવર પાસેથી ફોન કરાવડાવીને કહ્યું કે તે મરીન ડ્રાઇવના દરિયામાં ઝંપલાવવા જઈ રહી છે. મેં ટૅક્સી-ડ્રાઇવરને કહ્યું કે ભાઈ, તું તેને ફેરવ્યા કર, અમે તેને લેવા આવીએ છીએ અથવા માટુંગા પાછી મૂકી જા, તારા જેટલા પૈસા થતા હશે એના કરતાં વધારે પૈસા તને આપીશ. તો તેણે કહ્યું કે વો લેડીઝ હૈ, મૈં ઉનકો છૂ નહીં સકતા. એ પછી તે સ્વા​તિને મરીન ડ્રાઇવ મૂકીને નીકળી ગયો હતો. એથી હું અને મારી બહેન ટૅક્સી પકડીને મરીન ડ્રાઇવ જવા નીકળ્યાં હતાં. ત્યારે અમને સામેથી પોલીસનો ફોન આવ્યો કે તમારાં બહેન દરિયામાં પડી ગયાં હતાં, અમે તેમને બચાવી લીધાં છે અને ગોકુળદાસ તેજપાલ હૉસ્પિટલમાં લઈ જઈએ છીએ. એથી અમે હૉસ્પિટલમાં પહોંચ્યાં હતાં. તેનાં ફેફસાંમાં થોડું પાણી ગયું છે. હાલ તેને ઇન્ટે​ન્સિવ કૅર યુ​​નિટ (ICU)માં સારવાર આપવામાં આવી રહી છે. મારી બહેનને બચાવી લેનાર મુંબઈ પોલીસનો ખૂબ-ખૂબ આભાર.’ 

marine drive matunga mumbai police mumbai mumbai news bakulesh trivedi