સાઇક્લિંગ કરવા નીકળેલા વાગડ સમાજના અગ્રણીને ટ્રકે કચડી નાખ્યા

24 May, 2026 07:11 AM IST  |  Mumbai | Rohit Parikh

માટુંગાના ૭૪ વર્ષના પ્રવીણ ગડાના આકસ્મિક અવસાનથી સમાજમાં અરેરાટી

પ્રવીણ ગડા (શાહ)

માટુંગામાં ગઈ કાલે વહેલી સવારે ૩.૩૫ વાગ્યે તેમના નિત્યક્રમ પ્રમાણે સાઇક્લિંગ કરવા નીકળેલા વાગડ સમાજના ૭૪ વર્ષના અગ્રણી પ્રવીણ ગડા (શાહ)ને રુઈયા જંક્શન પાસે એક ટ્રક-ડ્રાઇવરે ટક્કર મારીને કચડી નાખતાં ગડા પરિવાર અને વાગડ સમાજમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. 

પ્રવીણ ગડા ૩૫ વર્ષથી પાર્કિ‌ન્સન્સના દરદી હતા. તેમને ૨૦૨૦માં બ્રેઇન-સ્ટ્રોક પણ આવ્યો હતો પરંતુ તેમનો વિલ-પાવર જોરદાર હતો. તેમણે નાની ઉંમરમાં જ સાઇક્લિંગ કરવાનું છોડી દીધું હતું. પાર્કિન્સન્સને લીધે તેઓ હાથમાં પેન પણ પકડી શકતા નહોતા. તેમણે એક વાર ક્યાંક વાંચ્યું અને ૬૦ વર્ષ પછી ફરી પાછી સાઇક્લિંગની શરૂઆત કરી હતી. તેઓ દરરોજ સવારે માટુંગાની ગલીઓમાં ૧૦ કિલોમીટર સાઇક્લિંગ કરતા હતા. તબિયતનું ધ્યાન રાખીને તેઓ સુરક્ષિત રીતે સાઇક્લિંગ કરતા હતા. ત્યાર પછી તેઓ વૉકિંગ, પ્રાણાયામ, યોગ અને હેલ્ધી ઈટિંગને ફૉલો કરતા હતા. તેઓ માનતા હતા કે ઉંમર ગમે એટલી હોય, માણસનો આત્મવિશ્વાસ અને મનોબળ મજબૂત હોય તો તે જીવનમાં કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધી શકે છે. 

પપ્પા સાઇક્લિંગ કરવાથી અને તેમના વિલ-પાવરને લીધે મસ્ત જીવન જીવતા હતા પરંતુ ગઈ કાલે સવારે ૪૯ વર્ષના ટ્રક-ડ્રાઇવર મોહમ્મદ શફીક શેર મોહમ્મદ ખાને તેમના મસ્ત જીવનને ટ્રક નીચે કચડી નાખ્યું હતું એમ જણાવતાં પ્રવીણ ગડાની પુત્રી કિન્નરી શાહે ‘મિડ-ડે’ને અકસ્માતની વિગતો આપતાં કહ્યું હતું કે ‘સામાન્ય રીતે પપ્પા સાઇક્લિંગ કરીને સવારે ૬.૩૦ વાગ્યે ઘરે પાછા આવી જતા હતા, પરંતુ ગઈ કાલે તેમના સમયે પાછા ઘરે ન આવતાં હું અને મારો ભાઈ તેમ જ અન્ય પરિવારજનો પપ્પાને શોધવા નીકળ્યાં હતાં. જોકે પપ્પા અમને ક્યાંય મળ્યા નહોતા એથી અમે અંદાજે ૭.૩૦ વાગ્યે માટુંગા પોલીસ-સ્ટેશન પહોંચ્યાં હતાં. ત્યાંથી અમને પપ્પાના અકસ્માતના સમાચાર મળ્યા હતા. પપ્પાને અનનોન વ્યક્તિ તરીકે સાયન હૉસ્પિટલમાં લઈ જવાયા હતા. પપ્પાના અકસ્માતની માહિતી એક વ્યક્તિએ ફેસબુક પર પોસ્ટ કરી હતી જેમાંથી અમને માહિતી મળી હતી કે પપ્પાને રુઈયા જંક્શન પાસે એક ટ્રકે કચડી નાખ્યા હતા. ત્યાર પછી ટ્રક-ડ્રાઇવર ભાગી રહ્યો હતો, પણ લોકોએ ડ્રાઇવરને પકડીને પોલીસને સોંપી દીધો હતો. અમે સાયન હૉસ્પિટલ પહોંચ્યા ત્યારે ત્યાંના ડૉક્ટરોએ પપ્પાને મૃત જાહેર કર્યા હતા. પોલીસે ટ્રક-ડ્રાઇવરની ધરપકડ કરી છે.’
અમારા પરિવારમાં ૬ મહિનામાં આ બીજો આઘાતજનક બનાવ બન્યો છે એમ જણાવતાં કિન્નરી શાહે કહ્યું હતું કે ‘૬ મહિના પહેલાં મારા ભાઈનો રોડ-ઍક્સિડન્ટ થયો હતો જેમાં તેને માથામાં ભારે ઈજા થઈ હતી, પરંતુ નસીબજોગે ભાઈ અકસ્માતમાં બચી ગયો હતો. પપ્પા ભાઈના અકસ્માતથી ખૂબ અપસેટ હતા, પણ ધીરે-ધીરે તેમના મનોબળથી તેઓ પાછા તેમનું રૂટીન જીવન જીવી રહ્યા હતા. મજબૂત મનોબળને કારણે જ પપ્પા શ્રી વાગડ કલા કેન્દ્ર જેવી વાગડ સમાજની અનેક સંસ્થાઓમાં હોદ્દા પર રહીને સમાજસેવા કરી રહ્યા હતા, પણ ટ્રક-ડ્રાઇવરની બેદરકારીને કારણે અમે એક બાહોશ પપ્પા અને એક સારા સમાજસેવકને રોડ-અકસ્માતમાં ખોઈ બેઠા છીએ.’

mumbai news mumbai kutchi community jain community gujaratis of mumbai gujarati community news road accident matunga