12 December, 2024 10:40 AM IST | Parbhani | Gujarati Mid-day Correspondent
પરભણીમાં આંદોલનકારીઓ એવા ગુસ્સે ભરાયા હતા કે તેમણે આખા શહેરમાં તોડફોડ શરૂ કરી દીધી હતી. છેવટે પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવા પોલીસે હળવો લાઠીચાર્જ કરવો પડ્યો હતો.
ઠેર-ઠેર તોડફોડ, રસ્તા પર ટાયરો સળગાવવામાં આવ્યાં, બસો રોકી દેવાઈ, CCTV કૅમેરા તોડી નાખવામાં આવ્યા બાદ પોલીસે પરિસ્થિતિ નિયંત્રણમાં લાવવા ટિયરગૅસ છોડ્યો અને હળવો લાઠીચાર્જ પણ કરવો પડ્યો
પરભણીમાં મંગળવારે જિલ્લાધિકારીની ઑફિસ સામે આવેલા ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરના સ્ટૅચ્યુના હાથમાં રહેલા બંધારણની એક માથાફરેલ યુવાને તોડફોડ કરી હતી. આ ઘટનાથી પરભણીમાં તંગદિલી ફેલાઈ ગઈ હતી. લોકોએ તેને પકડી ઠમઠોરીને પોલીસને સોંપ્યો હતો. જોકે એ પછી ગઈ કાલે પરભણી બંધનું આહવાન કરવામાં આવ્યું હતું. એ વખતે જિલ્લાધિકારીને નિવેદન આપવાનો કાર્યક્રમ હતો, પણ એ બંધ હિંસક બની ગયો હતો અને એના ઉગ્ર પ્રત્યાઘાત પડ્યા હતા. દેખાવકારો જિલ્લાધિકારીની ઑફિસમાં પહોંચી ગયા હતા, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ હતી. તેમણે તોડફોડ શરૂ કરતાં જિલ્લાધિકારી ઑફિસના કર્મચારીઓ ગભરાઈ ગયા હતા અને તે બધા જિલ્લાધિકારીની કૅબિનમાં ચાલ્યા ગયા હતા. આંદોલનકારીઓએ ત્યાં જ બેસીને જોરદાર વિરોધ-પ્રદર્શન કર્યું હતું.
જિલ્લાધિકારીની ઑફિસની બહાર આખા શહેરમાં પણ તોડફોડ અને આગ લગાવવાની ઘટના બની હતી. આંદોલનકારીઓએ અમુક દુકાનોમાં પણ તોડફોડ કરી હતી. રસ્તા પર ટાયર બાળવાને લીધે વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. CCTV કૅમેરા પણ તોડી નાખવામાં આવ્યા હતા. ટોળાંનાં ટોળાં રસ્તા પર ઊતરી આવતાં પોલીસે તેમને ખાળવા પહેલા ટિયરગૅસના સેલ છોડ્યા હતા અને પછી હળવો લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો. અફવાઓ ન ફેલાય એ માટે ઇન્ટરનેટ સર્વિસ બંધ કરી દેવાઈ હતી.
કૃત્ય કરનાર ગાંડો છે
દરમ્યાન, ભારતીય જનતા પાર્ટીના નેતા ગિરીશ મહાજને કહ્યું હતું કે ‘આ કૃત્ય કરનાર ગાંડો છે અને અમે તેને પકડી લીધો છે. પરભણીના લોકો પણ તેને જાણે છે. બંધારણ સર્વોચ્ચ હોય છે. કોઈએ કાયદો હાથમાં લઈને સામાજિક શાંતિનો ભંગ કરવો નહીં. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. સૌએ સહકાર આપવો.’ શહેરમાં તોડફોડ થઈ રહી હોવાથી સ્ટેટ ટ્રાન્સપોર્ટ (ST)ની બસોને પરભણી આવતી રોકી દેવાઈ હતી જેને કારણે અનેક પૅસેન્જરો રઝળી પડ્યા હતા.