20 March, 2025 10:33 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
માથેરાનની વિવિધ સમસ્યાઓના ઉકેલ માટે ગઈ કાલે બેઠક મળી હતી.
મુંબઈગરાઓના ફેવરિટ હિલ સ્ટેશન માથેરાનમાં કેટલાક ઘોડાવાળા અને એજન્ટો પર્યટકોને લૂંટીને માથેરાનની બદનામી કરતા હોવાથી માથેરાનના સ્થાનિક રહેવાસીઓએ આવા લોકો સામે કડક કાર્યવાહી કરવાની માગણી સાથે મંગળવારે માથેરાન બંધ કરીને વિરોધ-પ્રદર્શન કર્યું હતું. સ્થાનિક પ્રશાસન, વિધાનસભ્ય, પોલીસ અધિકારી અને માથેરાન નગરપરિષદના પદાધિકારીઓ સાથે ગઈ કાલે રહેવાસીઓએ બેઠક કરી હતી જેમાં માથેરાનને બદનામ કરનારાઓ અને પર્યટકોને લૂંટનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની માગણી સ્વીકારી લેવામાં આવી હતી. આથી માથેરાનનો બેમુદત બંધ પાછો ખેંચી લેવામાં આવ્યો હતો.
માથેરાન પર્યટન બચાવ સંઘર્ષ સમિતિના મનોજ ખેડકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારી માગણીઓ બાબતે આજે માથેરાન નગરપરિષદના હૉલમાં બપોરના ૧૧.૪૫ વાગ્યાથી ૨.૩૦ વાગ્યા સુધી બેઠક થઈ હતી. એમાં સ્થાનિક વિધાનસભ્ય મહેન્દ્ર થોરવે, ડેપ્યુટી પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ ડી. ડી. તેલે, કર્જતના વરિષ્ઠ પોલીસ અધિકારી પ્રકાશ સકપાળ, માથેરાન નગરપરિષદના રાહુલ ઇંગળે, માથેરાનના તહસીલદાર સુરેન્દ્ર ઠાકુર અને માથેરાનના સ્થાનિક રહેવાસીઓના પ્રતિનિધિ તરીકે સંઘર્ષ સમિતિના સભ્યો હાજર રહ્યા હતા. અમે વર્ષોથી કેટલાક ઘોડાવાળા પર્યટકોને ગેરમાર્ગ દોરીને લૂંટતા હોવાથી તેમની સામે કાર્યવાહી કરવાનું કહ્યું હતું. માથેરાનનું નામ બદનામ ન થાય એ માટેના પ્રયાસ હાથ ધરવાના અને પ્રી-પેઇડ સર્વિસ શરૂ કરવાના ઉપાય અમે સૂચવ્યા હતા જેને સ્વીકારી લેવામાં આવ્યા હતા. બેઠકમાં વિસ્તારથી માથેરાનની તમામ પ્રકારની સમસ્યાનો ઉકેલ લાવવા માટે ચર્ચા કરવામાં આવી હતી. સ્થાનિક પ્રશાસન અને પોલીસે અમારી તમામ માગણીઓ સ્વીકારી લીધી છે એટલે અમે માથેરાન બેમુદત બંધ પાછો ખેંચવાનો નિર્ણય લીધો છે.’