16 September, 2022 10:17 AM IST | Mumbai | Rajendra B Aklekar
અમન લૉજ અને માથેરાન વચ્ચેનો નાનો રેલવે સ્ટ્રેચ ડિસેમ્બર ૨૦૧૯માં ફરી શરૂ કરવામાં આવ્યો હતો (તસવીર : નિમેશ દવે)
પાંચ મહિનામાં ૧.૫૪ લાખથી વધુ પૅસેન્જર્સનું વહન કરીને એક કરોડ રૂપિયા કરતાં વધુ આવક રળીને માથેરાન હિલ રેલવેએ મહારાષ્ટ્રની સૌથી લોકપ્રિય ટૂરિસ્ટ ટ્રેન સર્વિસમાં પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. સેન્ટ્રલ રેલવેના ચીફ પબ્લિક રિલેશન્સ ઑફિસર શિવાજી સુતારે જણાવ્યું હતું કે ‘માથેરાન મુંબઈગરા માટે સૌથી નજીકનું અને લોકપ્રિય ટૂરિસ્ટ ડેસ્ટિનેશન છે. પૅસેન્જરો માટે અમન લૉજ સ્ટેશન અને માથેરાન વચ્ચેની શટલ સર્વિસ પૂરી પાડીને સેન્ટ્રલ રેલવેએ આ સ્થળને લોકપ્રિય પ્રવાસન સ્થળ બનાવવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. આ સર્વિસ ટૂરિસ્ટ્સને આરામદાયક મુસાફરી પૂરી પાડવાની સાથે-સાથે સ્થાનિકોને ચીજવસ્તુઓના સસ્તા અને ઝડપી પરિવહનમાં પણ ઉપયોગી છે.’
અધિકારીએ ઉમેર્યું હતું કે ‘એપ્રિલથી ઑગસ્ટ ૨૦૨૨ સુધીમાં મિની-ટ્રેનમાં ૧.૫૪ લાખ લોકોએ પ્રવાસ કર્યો હતો અને ટ્રેનમાં અમન લૉજ સ્ટેશન અને માથેરાન સુધી ૨૪૫૪ ક્વિન્ટલ પાર્સલ્સ (૧૨,૦૭૪ પૅકેટ)નું પરિવહન થયું હતું, જેની સામે ગયા વર્ષે સમાન ગાળામાં ૫૬,૦૪૩ પૅસેન્જર્સે પ્રવાસ ખેડ્યો હતો અને ૧૧૨૮ ક્વિન્ટલ પાર્સલ (૫૩૪૧ પૅકેટ)નું પરિવહન થયું હતું.’
ચોમાસામાં ભારે નુકસાન થવાથી આ સેવા જૂન ૨૦૧૯થી બંધ હતી. અમન લૉજ અને માથેરાન વચ્ચેનો નાનો સ્ટ્રેચ ડિસેમ્બર ૨૦૧૯માં પુનઃ શરૂ કરાયો હતો.
માથેરાન રેલવેનું પુનર્નિર્માણ થઈ રહ્યું છે અને આ પ્રોજેક્ટ માટે પાંચ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. પ્રોજેક્ટ ટૂંક સમયમાં પૂરો થવાની અપેક્ષા છે.
અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે ‘એપ્રિલથી ઑગસ્ટ ૨૦૨૨ દરમ્યાન આ સર્વિસે ૧.૧૩ કરોડ રૂપિયાની આવક રળી હતી, જેમાં પ્રવાસીઓ થકી ૧.૧૨ કરોડ રૂપિયાની અને પાર્સલના વહન થકી ૯૨,૨૫૪ રૂપિયાની આવક થઈ હતી.