02 November, 2022 07:35 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ઝુબિન મહેતા
માસ્ટર કંડક્ટર ઝુબિન મહેતા (Zubin Mehta)નો નેશનલ સેન્ટર ફોર ધ પર્ફોર્મિંગ આર્ટ્સ (NCPA) ખાતેનો શૉ કેન્સલ થયો છે. NCPA ખાતે 86 વર્ષીય ઉસ્તાદનું પ્રદર્શન છ વર્ષના લાંબા સમય બાદ આયોજિત કરવામાં આવ્યું હતું. 21 અને 22 નવેમ્બરના રોજ સિમ્ફની ઓર્કેસ્ટ્રા ઓફ ઈન્ડિયા (SOI) સાથેના કોન્સર્ટમાં ઉસ્તાદ ચાહકોને મંત્રમુગ્ધ કરવા તૈયાર હતા.
માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર, બાળપણના મિત્ર અને નેશનલ સેન્ટર ફોર ધ પર્ફોર્મિંગ આર્ટ્સ (NCPA)ના અધ્યક્ષ ખુશરૂ એન સુંટુક સાથે તેઓ રાત્રિભોજનમાં પણ સામેલ થવાના હતા, પરંતુ મહેતાના કાર્યાલયે જણાવ્યું કે “તેમને થાકને કારણે તાત્કાલિક આરામ કરવાની સલાહ આપવામાં આવી છે તેથી કોન્સર્ટ રદ કરવામાં આવ્યો છે.”
મંગળવારે યુ.એસ. સ્થિત મહેતાના કાર્યાલયનો સંદેશાવ્યવહાર, NCPA દ્વારા શેર કરવામાં આવ્યો હતો, જેમાં જણાવ્યું હતું કે “યુરોપ, યુએસ, યુનાઇટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા અને ફરીથી યુરોપમાં અનેક પ્રવાસો બાદ માસ્ટ્રો મહેતાએ તાત્કાલિક આવતા ત્રણ મહિના સુધી થાકને કારણે આરામ કરવાની સલાહ આપવામાં આવી છે.” ધ મેહલી મહેતા મ્યુઝિક ફાઉન્ડેશન (MMMF)ના સ્થાપક ટ્રસ્ટી મેહરૂ જીજીભોય, જે કોન્સર્ટમાં તેમની સાથે જોડાવાના હતા, તેમણે કહ્યું કે “મહેતા મુંબઈ પાછા આવવા માટે ખૂબ જ ઉત્સાહિત હતા. પરંતુ હાલ તે શૉ માટે સ્વસ્થ નથી.” તેમણે કહ્યું કે “અમે આશા રાખીએ છીએ કે અમે આ પ્રોજેક્ટને ફરીથી જીવંત કરી શકીશું. અમે આને રદ તરીકે નહીં, પરંતુ મુલતવી તરીકે જોઈશું.”
શૉ રદ થતાં શહેરમાં પશ્ચિમી શાસ્ત્રીય સંગીતના ચાહકો નિરાશ થયા છે.