સાકીનાકા મેટ્રો સ્ટેશન નજીક દુકાનમાં ભીષણ આગ લાગી, એકનું મોત

27 March, 2023 10:16 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

માહિતીના પગલે મુંબઈ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી. મુંબઈ ફાયર બ્રિગેડ વિભાગે તેને લેવલ-1ની આગ જાહેર કરી હતી

તસવીર સૌજન્ય: સમીર આબેદી

સોમવારે અંધેરીના સાકીનાકા મેટ્રો સ્ટેશન (Sakinaka Metro Station) નજીક એક ઇલેક્ટ્રિક અને હાર્ડવેરની દુકાનમાં ભીષણ આગ (Andheri Fire) ફાટી નીકળી હતી, જેને કારણે એક વ્યક્તિનું મોત થયું છે. મૃતકની ઓળખ રાકેશ ગુપ્તા (22) તરીકે થઈ છે. તેને તાત્કાલિક હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં રાજાવાડી હૉસ્પિટલના મેડિકલ ઑફિસરે તેને મૃત જાહેર કર્યો હતો.

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના જણાવ્યા અનુસાર સોમવારે વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. માહિતીના પગલે મુંબઈ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી. મુંબઈ ફાયર બ્રિગેડ વિભાગે તેને લેવલ-1ની આગ જાહેર કરી હતી.

આગની ચપેટમાં આવી જતાં વધુ બે-ત્રણ લોકો જખમી થાય છે. જોકે, તેમનો સુરક્ષિત બચાવ કરવામાં આવ્યો છે. ફાયર બ્રિગેડ દ્વારા આગને કાબૂમાં લેવામાં આવી હતી. માહિતી મળતાની સાથે જ પાંચ ફાયર ટેન્ડરો એક્શનમાં આવ્યા હતા.

BMC અધિકારીએ જણાવ્યું હતું કે “આ આગ રાજશ્રી હાર્ડવેરની દુકાનમાં લગભગ 40x50 ફૂટના વિસ્તારમાં લાગી, જે ઇલેક્ટ્રિક વાયરિંગ, ઇલેક્ટ્રિક ઇન્સ્ટોલેશન, હાર્ડવેરના મોટા સ્ટોક સુધી મર્યાદિત હતી. વધુમાં, લોકો પાસેથી જાણવા મળ્યું હતું કે અંદર બેથી ત્રણ લોકો ફસાયેલા છે. દુકાનનું બે માળનું માળખું પડી ગયું છે. પડી ગયેલા લોફ્ટ અને હાર્ડવેરના મોટા સ્ટોકને કારણે અંદર પ્રવેશવામાં મુશ્કેલી ઊભી થઈ છે. જેસીબીની મદદથી સ્ટ્રક્ચરના આગળના ભાગને તોડી પાડવાનું કામ ચાલુ છે.”

આ પણ વાંચો: ગુજરાતી વેપારીનો ડ્રાઇવર માલિકના સત્તાવીસ લાખ રૂપિયા લઈને નાસી ગયો

ઉલ્લેખનીય છે કે બે અઠવાડિયા પહેલાં મલાડ (Malad)ના અપ્પા પાડા ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ભીષણ આગ લાગી હતી. આ ઘટનામાં 15થી 20 એલપીજી સિલિન્ડર પણ બ્લાસ્ટ થયા હતા.અકસ્માતમાં એક વ્યક્તિનાં મોતનાં સમાચાર પણ સામે આવ્યા હતા. સોમવારે મલાડ પૂર્વના અપ્પા પાડામાં એક ઝૂંપડપટ્ટીના લગભગ 1,000 ઘરો આગની ચપેટમાં આવી ગયા હતા, જ્યારે એક વ્યક્તિનું મોત થયું હતું. આ આગે ભયંકર વિનાશ સર્જ્યો હતો.

mumbai mumbai news mumbai metro sakinaka andheri