ભીષણ આગમાંય કરોડોના ડાયમન્ડ્સ સેફમાં સેફ રહ્યા

02 October, 2023 11:15 AM IST  |  Mumbai | Bakulesh Trivedi

દહિસરની ડાયમન્ડ કંપનીમાં લાગેલી આગમાં ફર્નિચર, મશીનરી, ઘંટીઓ વગેરે બળીને ખાખ

દહિસરમાં લાગેલી વિકરાળ આગ (તસવીર : નિમેશ દવે)

દહિસરની ડાયમન્ડ કંપનીમાં લાગેલી આગમાં ફર્નિચર, મશીનરી, ઘંટીઓ વગેરે બળીને ખાખ : સાત ફાયર એન્જિન, છ જમ્બો ટૅન્કર, એક ઍમ્બ્યુલન્સ સાથે ફાયર બ્રિગેડના જવાનોએ ચાર કલાકની મહેનતના અંતે સવારે ત્રણ વાગ્યે આગ પર કાબૂ મેળવ્યો : ભીષણ આગે વેરેલો વિનાશ જોયા પછી પણ સ્વસ્થ અને  શાંત રહીને કંપનીના ડિરેક્ટરે આપી હૈયાધારણ કે હું મારા કર્મચારીઓને રેઢા નહીં મૂકું, સંભાળી લઈશ

દહિસર-ઈસ્ટમાં એસ. વી. રોડ પર આનંદનગર પેટ્રોલ-પમ્પની પાછળ આવેલા વર્ધમાન ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં ગ્રાઉન્ડ પ્લસ એક માળના સ્ટ્રક્ચરમાં આવેલી સુપ્રીમ જેમ્સ પ્રાઇવેટ લિમિટેડમાં રવિવારે રાતે ૧૦.૫૦ વાગ્યે ભીષણ આગ ફાટી નીકળી હતી. સદનસીબે નાઇટ શિફ્ટના કારીગરો રાતના ૧૦ વાગ્યે નીકળી ગયા હોવાથી કોઈ જાનહાનિ નહોતી થઈ. જોકે ફર્નિચર, મશીનરી, ઘંટીઓ વગેરે બળીને ખાખ થઈ ગયું છે. ડાયમન્ડ કંપની હોવાથી આગમાં કરોડા રૂપિયાના હીરા ખતમ થઈ જવાની આશંકા સેવાતી હતી, પરંતુ શિફ્ટ પતી ગઈ હોવાથી હીરા તિજોરીમાં મૂકી દીધા હતા એટલે કરોડો રૂપિયાના હીરા બચી ગયા હતા. જોકે બિલ્ડિંગના સ્ટ્રક્ચરને નુકસાન થયું હતું અને અન્ય માલસામાન બળીને ખાખ થઈ ગયો હતો.

દહિસરમાં આવેલી મેહુલ શાહની સુપ્રીમ જેમ્સ પ્રાઇવેટ લિમિટેડ હીરાબજારની જાણીતી કંપનીઓમાં સ્થાન ધરાવે છે. આગની ઘટના વિશે માહિતી આપતાં કંપનીના એક કર્મચારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કંપનીમાં ૧,૨૦૦થી ૧,૩૦૦ જણનો સ્ટાફ છે. એમાં નીચે ઘંટીઓ ચાલે છે, જ્યારે પહેલા માળે અસૉર્ટિંગ અને શેઠની ઑફિસ આવેલી છે. નીચે ઘંટીઓ પર કામ કરતા કારીગરોમાં મોટા ભાગના મધ્ય પ્રદેશના કારીગરો છે, જ્યારે પહેલા માળે અસૉર્ટિંગમાં ગુજરાતી અને મરાઠી યુવાનો અને યુવતીઓ કામ કરે છે. અમે લોકો સવારની શિફ્ટમાં હતા. પાંચ વાગ્યે અમારી શિફ્ટ પૂરી થઈ જાય છે, પણ થોડું કામ હાથમાં હોવાથી અમે કેટલાક લોકો આઠ વાગ્યા સુધી બેઠા હતા. એ પછી બપોરની શિફ્ટવાળા કારીગરો હતા એ લોકો પણ ૧૦ વાગ્યે ઘરે જવા નીકળી ગયા હતા. ત્યાર બાદ ઑફિસમાં જ રહેતા સ્ટાફના ૧૦થી ૧૨ યુવાનો હતા. અમે મધ્ય પ્રદેશના કારીગરો બધા એક જ વિસ્તારના છીએ અને અહીં પણ નજીકમાં જ આવેલા ઘરટનપાડામાં રહીએ છીએ. રાતના ૧૦.૫૦ વાગ્યે પહેલા માળે આગ લાગી હતી. એ વખતે ત્યાં હાજર યુવાનો ઑફિસમાં રાખેલાં ફાયર એક્સ્ટિંગ્વિશર સાથે દોડ્યા હતા. તેમણે સાવચેતી વાપરીને પહેલાં ઇલેક્ટ્રિક સપ્લાય બંધ કરી દીધી હતી. તેમણે આગ ઓલવવા તેમનાથી બનતા બધા જ પ્રયાસ કર્યા હતા, પણ આગ વધતી જતી હતી અને કાબૂમાં નહોતી આવી રહી. એવું કહેવાય છે કે એસીમાં પણ નાનો એવો બ્લાસ્ટ થયો હતો. જ્યારે લાગ્યું કે હવે આગ વધી રહી છે અને ત્યાં રહેવું જોખમી છે ત્યારે તે યુવાનો અંધારામાં નીચે દોડી આવ્યા હતા. એ વખતે એક યુવાન પડી પણ ગયો હતો અને તેને કમરમાં માર લાગતાં સારવાર માટે હૉસ્પિટલમાં લઈ જવાયો હતો. અમને લોકોને અમારા સાથીઓએ ફોન કરીને જણાવ્યું કે કંપનીમાં આગ લાગી છે એટલે અમે બધા દોડતા આવી પહોંચ્યા હતા. જોકે થોડી જ વારમાં આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું. દરમ્યાન આગ લાગ્યાની જાણ ફાયર બ્રિગેડને પણ કરાઈ હોવાથી એક પછી એક એમ ઘણાં ફાયર એન્જિન આવી પહોંચ્યાં હતાં અને એ લોકોએ પાણીનો મારો ચલાવીને આગ ઓલવવાના પ્રયાસ કર્યા હતા. કોઈ જાનહાનિ થઈ નથી, પણ આગ લાગવાથી કંપની ખલાસ થઈ ગઈ છે. એથી અમને કારીગરોને ચિંતા હતી કે હવે અમારા બધાનું શું થશે? જોકે શેઠે ખાતરી આપી છે કે તેઓ અમને કોઈને તકલીફમાં આવવા નહીં દે, કોઈને કાઢશે પણ નહીં, અમારી વ્યવસ્થા કરશે અને એ બાબતે બુધવાર સુધીમાં નિર્ણય લેશે. અમને આવા શેઠ મળ્યા એથી અમે પોતાને નસીબદાર સમજીએ છીએ.’

ડાયમન્ડ કંપનીમાં લાગેલી આગ ઓલવ્યા બાદ પણ ફાયર બ્રિગેડ દ્વારા સવાર સુધી કૂલિંગ ઑપરેશન ચાલી રહ્યું હતું. ફાયર બ્રિગેડના ઓફિસરો, બીએમસીના અધિકારીઓ અને સ્થાનિક દહિસર પોલીસ સ્ટેશનના ઑફિસરો ઘટનાસ્થળે દોડી ગયા હતા. કંપનીની નજીકમાં રહેતા સેંકડો કર્મચારીઓ પણ દોડી આવ્યા હતા. ગઈ કાલે બપોર સુધી મોટા ભાગના કર્મચારીઓ કંપની પાસે જ ઊભા રહીને આગે વેરેલો વિનાશ જોઈ રહ્યા હતા. કંપનીના શેઠ (ડિરેક્ટર) મેહુલ શાહે આવી પરિસ્થિતિમાં પણ સ્વસ્થ અને શાંત રહીને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હાલ આગ લાગવાથી બધું મૅશ-અપ થઈ ગયું છે. જોકે એમ છતાં હું મારા કર્મચારીઓને રેઢા નહીં મૂકું. મેં કોવિડમાં પણ તેમને સંભાળ્યા હતા અને તેમને ઘેરબેઠાં પગાર આપ્યો હતો. હવે પણ સંભાળી લઈશ.’

ગઈ કાલે બપોરે ઇશ્યૉરન્સ કંપનીના સર્વેયરની ટીમ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને તેમણે વિગતો એકઠી કરવાનું શરૂ કરી દીધું હતું. દહિસર પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર પ્રવીણ પાટીલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રાતે લાગેલી આગ પરોઢિયે કાબૂમાં આવી હતી અને સવાર સુધી કૂલિંગ ઑપરેશન ચાલી રહ્યું હતું. આગમાં કોઈ જાનહાનિ થઈ નથી. ફર્નિચર, મશીનરી (ઘંટીઓ) અને અન્ય માલસમાન બળી જતાં મોટું નુકસાન થયું છે, પણ હીરા (ડાયમન્ડ) સેફ છે. આમ પણ હીરાને આગમાં કંઈ થતું નથી. બપોરની શિફ્ટ રાતે ૧૦ વાગ્યે પતી ગઈ હતી એટલે એ પછી હીરા સેફમાં મૂકી દેવાયા હતા. એથી હીરા સેફ છે અને એને કંઈ નુકસાન થયું નથી.’

dahisar fire incident mumbai mumbai news bakulesh trivedi