BMCની તમામ હૉસ્પિટલ્સમાં આવતી કાલથી માસ્ક ફરજિયાત, કોરોનાના વધતા કેસને પગલે લેવાયો નિર્ણય

10 April, 2023 04:43 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મુંબઈ મહાનગરપાલિકાની તમામ કચેરીઓ અને મહાનગરપાલિકાના તમામ કર્મચારીઓ માટે માસ્ક ફરજિયાત કરવામાં આવ્યા છે

પ્રતીકાત્મક તસવીર. તસવીર/આઈસ્ટોક

મુંબઈમાં કોરોના (Mumbai Corona News) ફરી એકવાર માથું ઊંચકવાનો પ્રયાસ કરી રહ્યો છે, ત્યારે બૃહન્મુંબઈ મહાનગર પાલિકા (BMC)એ મોટો નિર્ણય લીધો છે. બીએમસીની તમામ હૉસ્પિટલોમાં માસ્ક ફરજિયાત કરવામાં આવ્યા છે. તેમ જ મુંબઈ મહાનગરપાલિકાની તમામ કચેરીઓ અને મહાનગરપાલિકાના તમામ કર્મચારીઓ માટે માસ્ક ફરજિયાત કરવામાં આવ્યા છે. આ નવો નિયમ આવતી કાલ (૧૧ એપ્રિલ ૨૦૨૩)થી અમલમાં આવશે.

મુંબઈમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના દર્દીઓની સંખ્યામાં સતત વધારો જોવા મળ્યો છે. કોરોનાની વધતાં કેસને પગલે બીએમસીએ આ પ્રથમ કડક પગલું લીધું છે. બીએમસીએ તેના તમામ હૉસ્પિટલના કર્મચારીઓને માસ્ક પહેરવાની ફરજ પાડી છે. તે સિવાય 65 વર્ષથી વધુ ઉંમરના લોકોને પણ માસ્ક માસ્ક પહેરવાની તાકીદ કરવામાં આવી છે.

મુંબઈમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના દર્દીઓની સંખ્યા વધવા લાગી છે. તે પૃષ્ઠભૂમિમાં આજે મ્યુનિસિપલ કમિશનર ઈકબાલ સિંહ ચહલે બેઠક બોલાવી હતી. તે બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

કેરળ, મહારાષ્ટ્ર, દિલ્હી અને ગુજરાત જેવા અન્ય રાજ્યોમાં પણ કોરોનાના કેસોની સંખ્યા ઝડપથી વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં કેરળમાં કોરોનાના 1,799 નવા દર્દીઓ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં 788 નવા દર્દીઓ અને રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં 755 નવા દર્દીઓ નોંધાયા છે.

દેશમાં કોરોના સંક્રમણની ગતિ હજુ ધીમી પડી નથી. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 5,880 નવા દર્દીઓ નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા તાજેતરના આંકડા અનુસાર, નવા દર્દીઓમાં વધારાને કારણે સક્રિય દર્દીઓની સંખ્યા 35,199 પર પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં કુલ 14 કોરોના દર્દીઓનાં મોત થયા છે. એવું જોવામાં આવે છે કે દેશમાં નવા કોરોના દર્દીઓની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે.

આ પણ વાંચો: ત્રણ રાજ્યોમાં ફરજિયાત માસ્ક પહેરવાનો નિયમ લાગુ

કોરોના સામે લડવા માટે મોકડ્રીલ

કોરોનાવાયરસ સામે લડવાની તૈયારીઓની સમીક્ષા કરવા માટે આજથી દેશભરમાં મોકડ્રીલ હાથ ધરવામાં આવી છે, જેમાં સરકારી અને ખાનગી હૉસ્પિટલોમાં વિવિધ વસ્તુઓની તૈયારીની ચકાસણી કરવામાં આવશે. શું હૉસ્પિટલમાં ICU બેડ, ઑક્સિજન સિલિન્ડર, માસ્ક, દવાઓ, પૂરતો સ્ટાફ અને વિવિધ પુરવઠો છે? આ તમામ બાબતો સુનિશ્ચિત કરવામાં આવશે.

mumbai mumbai news brihanmumbai municipal corporation coronavirus covid19