દોઢ જ વર્ષમાં નવો બ્રિજ ખખડ્યો

10 September, 2023 11:20 AM IST  |  Mumbai | Priti Khuman Thakur

મરીન લાઇન્સ સ્ટેશનની બહાર જવાનો બ્રિજ જોખમી બન્યો : લોકો ચાલતી વખતે પડી જાય છે

રેલવેને જોડીને આવેલો બીએમસીનો બ્રિજ

મરીન લાઇન્સ સ્ટેશન પર હજારોની સંખ્યામાં લોકો ચડતા-ઊતરતા હોય છે. અહીં સાઉથ મુંબઈની પ્રખ્યાત માર્કેટો, ઑફિસિસ હોવાથી અવરજવરનું પ્રમાણ વધુ હોય છે. જોકે મરીન લાઇન્સ સ્ટેશનની બહાર આવવા માટે એક-દોઢ વર્ષ પહેલાં જ તોડીને ફરીથી બનાવેલો અને રેલવેને જોડીને આવેલો બીએમસીનો બ્રિજ આટલા ટૂંક સમયમાં જ કથળેલી હાલતમાં જોવા મળી રહ્યો છે. જોકે સ્ટેશનની બહાર ટુવર્ડ્સ ચર્ચગેટ તરફ અન્ય કોઈ વિકલ્પ ન હોવાથી લોકોએ નાછુટકે આ જ બ્રિજનો ઉપયોગ કરવો પડે છે. જોકે બ્રિજની સીડીઓની ટાઇલ્સ તૂટવાની સાથે બ્રિજની સીડીઓ એકદમ ઓછા અંતરે અને સાંકડો બ્રિજ હોવાથી લોકોએ જોખમ સાથે અહીંથી પસાર થવું પડે છે.  

મરીન લાઇન્સ સ્ટેશન પર પ્લૅટફૉર્મ-નંબર ૨, ૩, ૪ પરથી જતો બ્રિજ હાલમાં તોડી પાડ્યો હોવાથી સ્ટેશનની બહારનો મરીન લાઇન્સ ફ્લાયઓવર યુઝલેસ બની ગયો છે. એથી બીએમસીના નવા બનાવેલા આ જ બ્રિજનો ઉપયોગ લોકોએ નાછુટકે કરવો પડે છે. આ બ્રિજનો ઉપયોગ કરીને ઈસ્ટમાં આ‍વેલી અને પ્રખ્યાત કાલબાદેવી, લુહાર ચાલ, ચીરાબજાર વગેરે માર્કેટમાં જઈ શકાય છે. એથી આ બ્રિજનો ઉપયોગ કરીને લોકો જતા તો હોય છે પરંતુ અહીંથી પસાર થવું અત્યંત મુશ્કેલીભર્યું છે. એથી મજબૂરી હોવાથી આ બ્રિજ ઊતરતાં કબ્રસ્તાન પણ છે છતાં લોકો પસાર થાય છે અને એટલે મહિલાઓ, બાળકો પસાર થતાં અચકાતાં હોય છે.

બ્રિજ પરથી પડતાં પગમાં ફ્રૅક્ચર થયું

આ બ્રિજ ખૂબ સાંકડો હોવાથી ચાલવામાં ખૂબ ત્રાસ થતો હોવાની સાથે સીડીઓ પરની ટાઇલ્સ તૂટી ગઈ હોવાથી એ જોખમી બની હોવા છતાં ધ્યાન અપાતું ન હોવાથી લોકોએ એના ભોગ બનવું પડે છે એમ જણાવતાં ચીરાબજારમાં રહેતા વિરલ ઠક્કરે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘માર્કેટમાં પણ જવું હોય તો આ બ્રિજનો ઉપયોગ કરવો પડે અને જો એનો ઉપયોગ ન કરીએ તો લોકોએ છેક ફરી-ફરીને જવું પડે એમ છે. મરીન લાઇન્સ ફ્લાયઓવર સાથે સંકળાયેલાં પ્લૅટફૉર્મ-નંબર ૨, ૩, ૪થી જતો રેલવે બ્રિજ તોડ્યો હોવાથી ટુવર્ડ્સ ચર્ચગેટ બાજુએથી આ એકમાત્ર વિકલ્પ છે. જ્યારે ફ્લાયઓવર તો પ્રવાસીઓ માટે નકામો બન્યો છે. આ બ્રિજ સંપૂર્ણ તોડીને દોઢેક વર્ષ પહેલાં જ તૈયાર કરવામાં આવ્યો છે એમ છતાંય એની હાલત જોઈને લાગશે કે આ વર્ષો જૂનો છે. ટાઇલ્સ તૂટી જવાને કારણે મારી પત્ની પડી ગઈ હોવાથી તેને પગમાં ફ્રૅક્ચર આવ્યું છે. એથી આ સમસ્યાનો ઉકેલ જલદી આવવો જોઈએ, કારણ કે હજારો લોકો એનાથી હેરાન થઈ રહ્યા છે.’

marine lines mumbai local train mumbai mumbai news preeti khuman-thakur