21 December, 2024 02:48 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અખિલેશ શુક્લા
અજમેરા હાઇટ્સમાં પાડોશીઓ વચ્ચે થયેલા ઝઘડામાં અખિલેશ શુક્લા પર તમે મરાઠીઓ માંસ, મચ્છી ખાઈને ગંદકી કરો છો બોલવાનો આક્ષેપ : તેમનું કહેવું છે કે અમારા જૂના ઝઘડાને ભાષાનો મુદ્દો બનાવી દેવામાં આવ્યો : દેવેન્દ્ર ફડણવીસે પણ કહ્યું કે મરાઠી માણસ પર અન્યાય નહીં થવા દઈએ
કલ્યાણ-વેસ્ટના યોગીધામમાં આવેલી અજમેરા હાઇટ્સમાં રહેતા બે પાડોશીઓ વચ્ચે ગુરુવાર રાત્રે થયેલો ઝઘડો એ હદે વધી ગયો કે એણે મરાઠી વર્સસ બિનમરાઠીનું સ્વરૂપ લઈ લીધું અને આ મુદ્દા પર રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે વિધાન પરિષદમાં વિરોધ પક્ષોએ ઉઠાવેલા પ્રશ્નનો જવાબ પણ આપવો પડ્યો હતો.
મહારાષ્ટ્ર ટૂરિઝમ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (MTDC)માં કામ કરતા અખિલેશ શુક્લાની પત્ની ગીતા અને તેમનાં પાડોશી વર્ષા કળવીકટ્ટે વચ્ચે પૅસેજમાં ધૂપ કરવાને લઈને થોડા સમયથી મગજમારી ચાલતી હતી, પણ ગુરુવારે રાત્રે આ મગજમારીએ ઝઘડાનું સ્વરૂપ લીધું હતું. ત્યારે એમાં બાજુમાં રહેતો દેશમુખ પરિવાર પણ જોડાયો હતો. દેશમુખ પરિવારે એવો આક્ષેપ કર્યો છે કે અખિલેશ શુક્લાએ બહારથી ગુંડા મોકલાવીને અમારા પર હુમલો કર્યો હતો અને અમને કહેતો હતો કે તમે મરાઠીઓ માંસ, મચ્છી ખાઈને ગંદકી કરો છો.
દેશમુખ પરિવારે કરેલા આ આક્ષેપ બાદ ઉદ્ધવ ઠાકરેની શિવસેના આક્રમક થઈ ગઈ હતી અને એના નેતા ઍડ્વોકેટ અનિલ પરબે વિધાન પરિષદમાં આ મુદ્દો ઉપાડ્યો હતો. તેમણે મરાઠીઓ પર અન્યાય કોઈ પણ ભોગે ચલાવી નહીં શકાય એવું કહ્યું હતું. એના જવાબમાં દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘જે લોકોને મસ્તી ચડી છે તેમની આ મસ્તી ઉતાર્યા સિવાય શાંત નહીં બેસીએ. આ તો અમુક લોકો કારણ વગર ખોટું બોલતા હોય છે અને એને લીધે મુંબઈનું સોશ્યલ ફૅબ્રિક બગડે છે. આવા લોકોને હું સ્પષ્ટ કહી દેવા માગું છું કે મરાઠી માણસ પર અન્યાય નહીં થવા દઈએ. દરેક વ્યક્તિને શું ખાવું એનું સ્વાતંત્ર્ય સંવિધાને આપ્યું છે. આ કારણસર માંસાહારીઓને ઘર ન આપવાનો અધિકાર કોઈની પાસે નથી. જો કોઈ સમાજને શાકાહાર મહત્ત્વનો લાગતો હોય તો તે એનું સંગઠન પણ બનાવી શકે છે કે તેમના માટે યોજના પણ શરૂ કરી શકે છે. જો કોઈ શાકાહાર કરતું હોય તો એનો તિરસ્કાર કરવાનું પણ કોઈ કારણ નથી, પણ કોઈ એનો ફાયદો ઉઠાવીને ભેદભાવ કરતું હશે તો એ જરાય નહીં ચાલે. આવી ફરિયાદ આવશે તો તેમના પર યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. મારું માનવું છે કે આપણા દેશમાં રહેલી વિવિધતા ટકી રહેવી જોઈએ અને એ આપણી જવાબદારી છે. રાષ્ટ્રીય અસ્મિતાની જેમ આપણી ક્ષેત્રીય અસ્મિતા પણ છે. એના પર કોઈ તરાપ મારશે તો તેની ખિલાફ કઠોર કાર્યવાહી કરવામાં આવશે.’
દરમ્યાન, MTDCના અધિકારી અખિલેશ શુક્લાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને તેમની સામે મારામારી અને દાદાગીરી કરવા બદલ ગુનો પણ નોંધવામાં આવ્યો છે.
અમારા જૂના ઝઘડાને ભાષાનો મુદ્દો બનાવવામાં આવ્યો : અખિલેશ શુક્લા
ગઈ કાલે પોલીસ પાસે સરેન્ડર કરવા પહેલાં અખિલેશ શુક્લાએ આ ઘટના બાબતે સોશ્યલ મીડિયા પર વિડિયો અપલોડ કરીને સ્પષ્ટીકરણ આપ્યું હતું. તેમનું કહેવું છે કે ‘અમારા પાડોશીઓના જૂના ઝઘડાને ભાષાનો મુદ્દો બનાવવામાં આવ્યો છે. પહેલાં મારી પત્ની પર હુમલો કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ મારા મરાઠીભાષી મિત્રએ મને બચાવ્યો હતો. અમારી પાંચમી પેઢી કલ્યાણમાં રહે છે અને હું પોતાને મરાઠી માણૂસ જ સમજુ છું.’