12 October, 2024 11:01 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શિવ ઠાકરે
શિવ ઠાકરે હાલ ‘ઝલક દિખલા જા’ રિયલિટી શોમાં કામ કરી રહ્યો છે. શિવ ઠાકરેએ કહ્યું હતું કે ‘એક સમય હતો કે હું મારાં માતાપિતા અને બહેન સાથે ૩૦ લાખનું ઘર લેવા મગજમારી કરી રહ્યો હતો અને એ માટે પણ મારે બૅન્ક-લોન લેવી પડી હતી. હવે જોકે હું ૩૦ લાખની કાર ધરાવું છું. મને ખુશી છે કે મને મ્હાડામાં ઘર લાગ્યું. આ ખુશી હું મારા ‘ઝલક દિખલા જા’ના સાથી કલાકારો અને ટીમ સાથે મનાવી રહ્યો છું.’
મૂળ મહારાષ્ટ્રના અમરાવતીનો શિવ ઠાકરે રોડીઝમાં ભાગ લેવા આવ્યો એ પહેલાં તે અમરાવતીમાં છાપાં અને દૂધની ડિલિવરી કરતો હતો. જોકે તેને લોકપ્રિયતા સલમાન ખાનના ‘બિગ બૉસ’માં ભાગ લીધા પછી મળી હતી.
આ સાથે જ મરાઠી સિરિયલમાં કામ કરતી ગૌતમી દેશપાંડે અને કૉમેડી સિરિયલ ‘રવિવાર ચી હાસ્ય જત્રા’ના લોકપ્રિય કલાકારો ગૌરવ મોરે અને નિખિલ બનેને પણ મ્હાડાની લૉટરીમાં ઘર લાગ્યાં છે. ગૌતમી દેશપાંડેએ ગોરેગામના ઘર માટે અપ્લાય કર્યું હતું. ગોરેગામમાં ફક્ત બે જ ઘર કલાકારો માટે હતાં, જેના માટે ૨૭ કલાકારોએ અરજી કરી હતી. એમાંથી એક ઘર ગૌતમીને મળ્યું છે. નિખિલ બનેને વિક્રોલીના કન્નમવરનગરમાં ઘર મળ્યું છે, જ્યારે ગૌરવ મોરેને પવઈમાં ઘર મળ્યું છે.