13 September, 2023 12:10 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મનોજ જરાંગે
મરાઠા સમાજને આરક્ષણ આપવા સંબંધે સોમવારે રાજ્ય સરકારે સર્વ રાજકીય પક્ષોના નેતાઓની એક બેઠક બોલાવી હતી, જેમાં સૌએ એકમતે જાલનામાં આંદોલન કરી રહેલા મનોજ જરાંગે પાટીલે અનશન આંદોલન પાછું ખેંચવાના ઠરાવને મંજૂર કર્યો હતો. રાજ્ય સરકારે મરાઠા સમાજની બધી માગણીઓ માન્ય કરવાનું આશ્વાસન પણ આપ્યું હતું. સરકારના આશ્વાસન બાદ લાગતું હતું કે મનોજ જરાંગે ૧૫ દિવસનું અનશન પાછું ખેંચીને પારણા કરશે. જોકે ગઈ કાલે મનોજ જરાંગે કહ્યું હતું કે હું અનશન બંધ કરીશ, પણ જ્યાં સુધી રાજ્ય સરકાર મરાઠા સમાજને કુણબીનું સર્ટિફિકેટ નહીં આપે ત્યાં સુધી તે આંદોલનના સ્થળેથી હટશે નહીં. એટલું જ નહીં, રાજ્ય સરકારે એક મહિનાનો સમય માગ્યો છે એ બાદ આ મામલે વાત આગળ નહીં વધે તો ફરી અનશન કરવાની મનોજ જરાંગેએ ચીમકી ઉચ્ચારી છે.
મરાઠા સમાજને પણ આરક્ષણ આપવાની માગણી સાથે જાલના જિલ્લાના અતરવાલીના સરાટી ગામમાં મનોજ જરાંગે પાટીલ ૧૫ દિવસથી અનશન કરી રહ્યા છે. રાજ્ય સરકારે તેમને અનશન પાછું ખેંચવાની વિનંતી કરી છે ત્યારે ગઈ કાલે શિવ પ્રતિષ્ઠાનના ગુરુજી તરીકે ઓળખાતા સંભાજી ભીડે અનશન સ્થળે ગયા હતા. તેમણે મનોજ જરાંગેને કહ્યું હતું કે અત્યારની સરકારમાં સામેલ એકનાથ શિંદે, દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર પ્રામાણિક અને લોકોની કાળજી લેનારા છે.
સંભાજી ભીડેની વાત સાંભળ્યા બાદ મનોજ જરાંગે પાટીલે કહ્યું હતું કે ‘હું મારા ઉપવાસ બંધ કરવા તૈયાર છું, પણ પહેલાં રાજ્ય સરકારે મરાઠા સમાજને કણબીનું સર્ટિફિકેટ આપવું પડશે. મરાઠા આરક્ષણની માગણી વખતે વિરોધ કરનારા મરાઠાઓ પર કરવામાં આવેલા કેસ પાછા લો. લાઠીચાર્જ કરનારા પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરો અને મુખ્ય પ્રધાન, બન્ને નાયબ મુખ્ય પ્રધાન, છત્રપતિ ઉદયનરાજે ભોસલે અને સંભાજીરાજે છત્રપતિ અહીં આવીને પારણાં કરાવશે તો જ અનસન પાછું લઈશ.’
કૌશલ્ય વિભાગમાં ત્રણ લાખ યુવાનોને રોજગાર અપાયો
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્કિલ ઇન્ડિયા અને ડિજિટલ ઇન્ડિયાને પ્રોત્સાહન આપવાની કરેલી પહેલના અનુસંધાનમાં મહારાષ્ટ્રમાં કૌશલ્ય વિકાસ વિભાગ દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ અમલમાં આવી રહી છે. પ્રધાન મંગલપ્રભાત લોઢાના નેતૃત્વમાં છેલ્લા દોઢ વર્ષમાં ત્રણ લાખ યુવાનોને રોજગારી મળી છે અને ભવિષ્યમાં પણ કૌશલ્ય વિકાસ સાથે યુવાનોને રોજગારીની તકો પૂરી પાડવામાં આવશે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું કે આ ગર્વની વાત છે કે આઇ.ટી.આઇ.માં ઉદ્યોગસાહસિકતા માટે જરૂરી નવીન ટેક્નૉલૉજીઓને ધ્યાનમાં રાખીને વિવિધ ૯૦૦ અભ્યાસક્રમો ભણાવવામાં આવે છે. મહારાષ્ટ્ર રાજ્ય હંમેશાં દેશના વિકાસના એન્જિન તરીકે કામ કરી રહ્યું છે. વિદેશી રોકાણ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ રાજ્ય પ્રથમ ક્રમે છે. આ કારણે આજે ઘણા ઉદ્યોગસાહસિકો રાજ્યમાં રોકાણ કરવા તૈયાર છે. આ બાબતને ધ્યાનમાં રાખીને સરકારના કૌશલ્ય વિકાસ વિભાગ દ્વારા યુવા પેઢીને નવીન ટેક્નૉલૉજીનો અભ્યાસ પૂરો પાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે.’