મરાઠા આરક્ષણ ટકાવી ન શકનારા સમાજમાં વિખવાદ ઊભો કરી રહ્યા છે

04 September, 2023 10:00 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ તેમની સરકાર મરાઠા આરક્ષણ આપવા માટે કટિબદ્ધ હોવાનું કહેવાની સાથે વિરોધીઓને નિશાના પર લીધા

ફાઇલ તસવીર

જાલનામાં આરક્ષણ માટે આંદોલન કરી રહેલા મરાઠાઓ પર પોલીસે લાઠીચાર્જ કરવાથી વિરોધીઓ રાજ્ય સરકારની ટીકા કરી રહ્યા છે ત્યારે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ગઈ કાલે કહ્યું હતું કે મરાઠા આરક્ષણ કોર્ટમાં ટકાવવામાં નિષ્ફળ જનારા નેતાઓ અત્યારે આ મામલે રાજકીય ભાખરી શેકવા મરાઠાઓને હાથો બનાવી રહ્યા છે. અમારી સરકાર મરાઠા આરક્ષણ આપવા માટે કટિબદ્ધ છે એટલે સૌને અપીલ છે કે સમાજમાં વિખવાદ ઊભો કરનારાઓથી દૂર રહો. લાઠીચાર્જમાં ઘાયલ થનારાઓની સરકારી ખર્ચે સારવાર કરવાનો અને આ મામલે તપાસ કરવાનો આદેશ મુખ્ય પ્રધાને આપ્યો હતો.

જાલનામાં ત્રણ દિવસથી મરાઠા આંદોલનનો મામલો ગરમાયો છે એના ત્રીજા દિવસે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ બુલડાણાની મુલાકાત વખતે જાહેરાત કરી હતી કે લાઠીચાર્જ માટે જવાબદાર પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી કરવાનો આદેશ આપી દેવાયો છે.

મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું હતું કે ‘જાલનામાં બનેલી ઘટનાથી દુઃખ થયું છે. બધાને જ દુઃખ થયું હશે. કેટલાક લોકો જાલના આવીને ગયા, પણ લોકોએ તેમની જગ્યા બતાવી દીધી. જે લોકોએ મરાઠા આરક્ષણનું ગળું દબાવ્યું તે લોકો જાલનામાં આંદોલન કરનારા મરાઠાઓને ગળે મળવા ગયા હતા. મહાવિકાસ આઘાડી સરકારના સમયમાં સુપ્રીમ કોર્ટમાં આરક્ષણ રદ થયું. અશોક ચવાણ મરાઠા આરક્ષણ બાબતની ઉપસમિતિના અધ્યક્ષ હતા. તમે શું કર્યું? મહાવિકાસ આઘાડીના તત્કાલીન મુખ્ય પ્રધાને મરાઠાઓના શાંતિથી નીકળેલા મોરચાને મુકા મોરચો કહ્યો હતો. હું જ્યારથી મુખ્ય પ્રધાન બન્યો છું ત્યારથી આજે સરકાર જશે, કાલે સરકાર જશે એવું ચાલું હતું. આવી ભવિષ્યવાણી હવે બંધ થઈ ગઈ છે. હવે તેઓ મુખ્ય પ્રધાન બદલવાની અફવા ફેલાવી રહ્યા છે. જ્યાં સુધી જનતા મારી સાથે છે ત્યાં સુધી મારો વાળ પણ વાંકો નહીં થાય.’

મુંબઈમાં મરાઠા આંદોલન બેઅસર

જાલનામાં આરક્ષણની માગણી કરી રહેલા મરાઠાઓ પર પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. આના વિરોધમાં ગઈ કાલે દાદરમાં પ્લાઝા સિનેમા નજીક મરાઠા ક્રાંતિ મોરચા દ્વારા દાદર બંધ કરાવીને વિરોધ-પ્રદર્શન કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જોકે ગણ્યાગાંઠ્યા લોકોએ ગણતરીની મિનિટ સુધી જ રસ્તામાં બેસીને રસ્તારોકો કર્યું હતું. મુંબઈમાં મોટા પાયે આંદોલન થવાની શક્યતાને ધ્યાનમાં રાખીને ભારે પોલીસ-બંદોબસ્ત કરવામાં આવ્યો હતો, પણ ગણતરીની મિનિટમાં વિરોધ-પ્રદર્શન સમેટાઈ જતાં પોલીસ અને સ્થાનિક લોકોએ રાહતનો દમ લીધો હતો.

એનસીપીને બે વર્ષ મુખ્ય પ્રધાનપદ નકારાયું

મુખ્ય પ્રધાનપદ મેળવવાના નામે ‌ઉદ્ધવ ઠાકરેએ બીજેપી સાથેની યુતિ તોડી નાખી હતી. ઉદ્ધવ ઠાકરેએ અઢી-અઢી વર્ષ મુખ્ય પ્રધાનની હઠ કરેલી. આવી જ માગણી એનસીપીએ મહાવિકાસ આઘાડી સરકારના સમયમાં કરી હોવાનું પ્રફુલ પટેલે કહ્યું હતું. એનસીપી (અજિત પવાર જૂથ)ની પહેલી સંકલ્પ શિબિર શનિવારે ડૉ. વસંતરાવ દેશપાંડે સભાગૃહમાં યોજાઈ હતી, જેમાં વરિષ્ઠ નેતા પ્રફુલ પટેલે કહ્યું હતું કે ‘અઢી-અઢી વર્ષ મુખ્ય પ્રધાનપદની માગણી ઉદ્ધવ ઠાકરેએ બીજેપી પાસે કરી હતી એવી જ માગણી અમે પણ મહાવિકાસ આઘાડીની સરકાર વખતે ઉદ્ધવ ઠાકરે પાસે કરી હતી, પરંતુ તેમણે કોઈ જવાબ નહોતો આપ્યો. એ સમયે શિવસેનાના ૫૬ અને એનસીપીના ૫૪ વિધાનસભ્ય હતા. આથી અમે અઢી નહીં તો બે વર્ષ મુખ્ય પ્રધાનપદ આપવાની માગણી કરી હતી. આ વિશે ઉદ્ધવ ઠાકરે સાથે ચર્ચા કરવા અમે ગયા ત્યારે તેમણે એક શબ્દ પણ નહોતો કહ્યો. એ સમયે આદિત્ય ઠાકરે અને સંજય રાઉત પણ હાજર હતા. કોઈ કંઈ નહોતું બોલ્યું. મને આશા છે કે બીજેપી તરફથી એનસીપીને ન્યાય મળશે અને આગળ જતાં આપણો પક્ષ મજબૂત બનશે.’

eknath shinde maharashtra news mumbai mumbai news