મરાઠા સમાજને આરક્ષણ આપવા સરકાર ઇ​​મ્પિરિકલ ડેટા એકત્રિત કરશે

01 November, 2023 02:35 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાજ્ય સરકાર અગાઉ આ ડેટા આપી ન શકવાથી સુપ્રીમ કોર્ટે મરાઠા આરક્ષણ રદ કર્યું હતું

ગઈ કાલે પુણે-સોલાપુર હાઇવે પર મરાઠાઓએ ટાયર બાળીને વાહનોને રોકવાની કોશિશ કરી હતી (તસવીર : પી.ટી.આઇ.)

મરાઠા સમાજને આરક્ષણ આપવા માટેની માગણી તીવ્ર બનવાની સાથે હિંસક બનાવો રાજ્યભરમાં બની રહ્યા છે એને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે ગઈ કાલે મરાઠા સમાજને આરક્ષણ આપવા સંબંધી તાત્કાલિક બોલાવવામાં આવેલી રાજ્યની કૅબિનેટની બેઠકમાં મહત્ત્વના બે નિર્ણય લેવામાં આવ્યા હતા. મરાઠાઓને કુણબી પ્રમાણપત્ર આપવાની શરૂઆત કરવાની જાહેરાત કરવામાં આવી છે અને મરાઠા સમાજને આરક્ષણ આપવામાં આવે તો એ કાયદાકીય રીતે ટકી શકે એ માટે ઇ​મ્પિરિકલ ડેટા એકત્રિત કરવામાં આવશે.

મરાઠા સમાજને આરક્ષણ આપવા માટે રાજ્ય સરકારે નિવૃત્ત જજ સંદીપ શિંદેની આગેવાનીની એક સમિતિ બનાવી છે. જે મરાઠવાડાના મરાઠાઓને કુણબી મરાઠા પ્રમાણપત્ર આપવામાં આવ્યાં હોવાની જૂની નોંધ તપાસી રહી છે. આ તપાસમાં અત્યાર સુધી ૧૧ હજારથી વધુ મરાઠાઓને કુણબી પ્રમાણપત્ર આપવામાં આવ્યાં હોવાનું જણાઈ આવ્યું છે. આથી આવા મરાઠાઓના વંશજોને કુણબી મરાઠા પ્રમાણપત્ર આપવાનો નિર્ણય સરકારે લીધો છે.

બીજા નિર્ણયમાં મરાઠા સમાજમાં કેટલા લોકો સામાજિક અને શૈક્ષણિક રીતે પાછળ રહી ગયા છે એ જાણવા માટે ઓબીસી કમિશન નવેસરથી ઇ​મ્પિરિકલ ડેટા એકત્રિત કરશે. જસ્ટિસ દિલીપ ભોસલેની આગેવાનીમાં જસ્ટિસ મારોતી ગાયકવાડ અને જસ્ટિસ સંદીપ શિંદેની સલાહકાર કમિટી મરાઠા આરક્ષણ બાબતે કાયદાકીય મામલામાં સરકારને માર્ગદર્શન આપશે. દેવેન્દ્ર ફડણવીસ મુખ્ય પ્રધાન હતા ત્યારે તેમણે મરાઠા સમાજને આરક્ષણ આપ્યું હતું. જેને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યું હતું. સર્વોચ્ચ ન્યાયાલયે બાદમાં રાજ્ય સરકાર પાસેથી મરાઠા સમાજમાં કેટલા લોકો સામાજિક અને શૈક્ષણિક રીતે પાછળ રહી ગયા છે એના આંકડા રજૂ કરવાનું રાજ્ય સરકારને કહ્યું હતું. મહાવિકાસ આઘાડીની મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેની સરકાર આ આંકડા નહોતી આપી શકી એટલે સુપ્રીમ કોર્ટે મરાઠા સમાજનું આરક્ષણ રદ કર્યું હતું.

આ બાબતને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર હવે મરાઠા સમાજના ઇ​મ્પિરિકલ ડેટા એકત્રિત કરશે. એને આધારે મરાઠા સમાજને આરક્ષણ આપવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, એમ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ગઈ કાલે કહ્યું હતું.

આજે બધા પક્ષોની બેઠક બોલાવાઈ

મરાઠા આરક્ષણની માગણીને લઈને રાજ્યભરમાં હિંસક ઘટનાઓ બની રહી છે આથી આ બાબતે ચર્ચા કરવા માટે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આજે સહ્યાદ્રી ગેસ્ટ હાઉસમાં ૧૦.૩૦ વાગ્યે બધા પક્ષોની તાત્કાલિક બેઠક બોલાવી છે. આ બેઠકમાં મરાઠા સમાજને આરક્ષણ આપવા સંબંધે નૉટિફિકેશન જારી થવાની શક્યતા છે.

ઉદ્ધવ ઠાકરેએ મરાઠા આરક્ષણને ખતમ કર્યું

ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ગઈ કાલે અને અગાઉ રાજ્ય સરકાર મરાઠા આરક્ષણ બાબતે ગંભીર ન હોવાનું અને મરાઠા સમાજના મૃતદેહ પર આરક્ષણનો આદેશ સરકાર મૂકશે? એવી ટીકા કરી હતી. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરેને ગઈ કાલે જવાબ આપતાં કહ્યું હતું કે ‘મરાઠા સમાજનું આરક્ષણ રદ થવા માટે ઉદ્ધવ ઠાકરે જ જવાબદાર છે. સુપ્રીમ કોર્ટે અનેક વખત ઇમ્પિરિકલ ડેટા રજૂ કરવાનું તત્કાલીન સરકારને કહ્યું હતું. આમ છતાં તત્કાલીન મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ એ માટેના કોઈ પ્રયાસ નહોતા કર્યા. આથી તેમને મરાઠા આરક્ષણ બાબતે બોલવાનો કોઈ અધિકાર નથી. તેઓ એ સમયે આરક્ષણ નહોતા આપી શક્યા અને હવે અમે આપવાના પ્રયાસ કરી રહ્યા છે એટલે તેમના પેટમાં દુખી રહ્યું છે.’

સીએમના આશ્વાસન બાદ મનોજ જરાંગેએ પાણી પીધું

રાજ્યમાં મરાઠા આરક્ષણની માગણી સાથે હિંસક ઘટનાઓ બની રહી છે ત્યારે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ જાલનામાં સાત દિવસથી આમરણ અનશન કરી રહેલા મરાઠા કાર્યકર મનોજ જરાંગે પાટીલ સાથે ફોન પર વાતચીત કરી હતી. મુખ્ય પ્રધાને રાજ્યની કૅબિનેટની બેઠકમાં મરાઠા આરક્ષણ વિશે મહત્ત્વનો નિર્ણય લેવાનું આશ્વાસન આપ્યું હતું. આથી મનોજ જરાંગે પાટીલે પાણી પીધું હતું. જોકે મનોજ પાટીલે બે દિવસમાં મરાઠા સમાજને આરક્ષણ નહીં આપવામાં આવે તો ફરી તેઓ પાણી નહીં લે એમ કહ્યું હતું. સરકાર મરાઠા સમાજને કુણબી પ્રમાણપત્ર આપવાની શરૂઆત કરે એવી માગણી મનોજ જરાંગે પાટીલે કરી છે એને ધ્યાનમાં રાખીને જૂના મળી આવેલા દસ્તાવેજોને આધારે જેમના આ ડૉક્યુમેન્ટ્સ છે તેમના વંશજોને કુણબી મરાઠા પ્રમાણપત્ર આપવાની શરૂઆત કરવામાં આવી હોવાનું મુખ્ય પ્રધાને કૅબિનેટની બેઠક બાદ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું.

વિરોધીઓનું વિશેષ સત્ર બોલાવવાની માગણી

મરાઠા આરક્ષણનો મુદ્દો હિંસક બન્યો છે ત્યારે વિરોધી પક્ષોએ આ સંબંધે ચર્ચા કરવા માટે વિશેષ સત્ર બોલાવવાની માગણી કરી છે. વિરોધી પક્ષ નેતા વિજય વડેટ્ટીવારે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ‘બીજેપીને લીધે મરાઠા આરક્ષણનો મામલો બગડી રહ્યો છે. મરાઠા સમાજને ખોટું આશ્વાસન આપવામાં આવ્યું છે અને સરકારની ખોટી નીતિને લીધે આજે રાજ્યમાં આંદોલન થઈ રહ્યાં છે. રાજ્યમાં રાજકીય સ્થિતિ ખૂબ ગંભીર બની ગઈ છે. આથી અમે રાજ્યપાલને વિનંતી કરી છે કે મરાઠા આરક્ષણનો કાયમી ઉકેલ લાવવાની ચર્ચા કરવા રાજ્યનું ત્રણથી પાંચ દિવસનું વિશેષ સત્ર બોલાવવામાં આવે.’

એનસીપીના શરદ પવાર જૂથના નેતા અનિલ દેશમુખે ટ્વીટ કરી હતી કે ‘મરાઠા આરક્ષણનો મુદ્દો દિવસે-દિવસે જટિલ બની રહ્યો છે. રાજ્ય સરકારે ૩૦ દિવસમાં ઉકેલ લાવવાનું આશ્વાસન આપ્યું હતું, પરંતુ એમાં એ નિષ્ફળ ગઈ છે. આ બાબતને સરકારે ગંભીરતાથી લેવી જોઈએ. સરકારે એક દિવસનું વિશેષ સત્ર બોલાવીને મરાઠા આરક્ષણનો ઉકેલ લાવવો જોઈએ.’

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરેએ પણ મરાઠા આરક્ષણ સંબંધે વિશેષ સત્ર બોલાવવાની માગણી ગઈ કાલે કરી હતી. તેમણે અનશન પર બેસેલા મનોજ જરાંગે પાટીલને સંબોધતો એક પત્ર લખ્યો હતો, જેમાં અનશન પાછું ખેંચવાનું કહ્યું હતું.

મરાઠાઓની આક્રમકતા વધી

મરાઠા સમાજના લોકોએ વિવિધ રાજકીય પક્ષોના નેતાઓના ઘર અને ઑફિસને નિશાન બનાવ્યાં બાદ હવે રસ્તામાં સળગતાં ટાયરો ફેંકીને વિરોધ કરવાની શરૂઆત કરી છે. ગઈ કાલે પુણેમાં મુંબઈ અને સાતારા જવાના માર્ગમાં મોટી સંખ્યામાં મરાઠાઓ રસ્તાંમાં ઉતર્યાં હતા. તેમણે રસ્તારાકો કરવાને લીધે કલાકો સુધી વાહનવ્યવહાર ઠપ થઈ ગયો હતો. રાજ્યમાં બીજા અનેક રસ્તામાં પણ આવી જ રીતે વિરોધ કરવામાં આવ્યો હતો. બીડમાં હિંસક પ્રદર્શન કરવા બદલ ૪૦ લોકો સામે ગુનો નોંધીને ધરપકડ કરવામાં આવી હતી. કરફ્યુ હોવા છતાં કેટલાક લોકોએ રસ્તામાં ઊતરીને પ્રદર્શન કર્યું હોવાથી પોલીસે તેમની સામે કાર્યવાહી કરી હતી.

નેતાઓની સિક્યૉરિટી વધારવામાં આવી

મરાઠવાડામાં રાજકીય પક્ષોનાં ઘરો અને ઑફિસો પર મરાઠા સમાજના લોકોએ હુમલો કર્યા બાદ મંત્રાલય, મુખ્ય પ્રધાન, નાયબ મુખ્ય પ્રધાન, પ્રધાનો સહિત નેતાઓના ઘર અને ઑફિસની સિક્યૉરિટી વધારવામાં આવી છે. નાયબ મુખ્ય પ્રધાનની સાથે ગૃહ પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘આરક્ષણને નામે હિંસા ફેલાવનારા પંચાવન લોકોને ઓળખી લેવામાં આવ્યા છે. કાયદો હાથમાં લેનારાઓ સામે કાર્યવાહી કરવાનો આદેશ પોલીસને આપવામાં આવ્યો છે.’

maharashtra news maharashtra eknath shinde mumbai mumbai news