મરાઠા સમાજને આપવામાં આવેલું આરક્ષણ કોર્ટમાં ટકશે?

21 February, 2024 07:17 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સુપ્રીમ કોર્ટે દર્શાવેલી ભૂલોને આ વખતે સુધારી લેવામાં આવી હોવાનો દાવો મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કર્યો : મનોજ જરાંગે પાટીલની ઓબીસીમાંથી જ આરક્ષણ આપવાની હઠ

ગઈ કાલે મરાઠા અનામત બિલ બન્ને ગૃહમાં પસાર થયા બાદ ગુલાલ ઉડાડીને વિજય મનાવવામાં આવ્યો હતો. (અતુલ કાંબળે)

રાજ્ય સરકારે બોલાવેલા એક દિવસના વિશેષ અધિવેશનમાં ગઈ કાલે વિધાનસભા અને વિધાન પરિષદમાં મરાઠા સમાજને ૧૦ ટકા આરક્ષણ આપવાના બિલને મંજૂરી આપી દીધી હતી. વિરોધ પક્ષોએ પણ સરકારના નિર્ણયને ટેકો આપતાં આ બિલ એકમતે પાસ કરી દેવામાં આવ્યું હતું. આથી હવે મરાઠા સમાજના લોકોને શિક્ષણ અને નોકરી મેળવવામાં ૧૦ ટકા આરક્ષણનો લાભ મળશે. આરક્ષણની માગણી કરી રહેલા મનોજ જરાંગે પાટીલે જોકે સરકારના નિર્ણયને વધાવવાને બદલે મરાઠા સમાજને ઓબીસીમાંથી જ આરક્ષણ આપવાની માગણી કરી છે. ૨૦૧૮માં તત્કાલીન સરકારે મરાઠા સમાજને આરક્ષણ આપવા માટેનો નિર્ણય લીધો હતો, જેને સુપ્રીમ કોર્ટે ત્રણ વર્ષ બાદ રદ કરી નાખ્યો હતો. આ વખતે પણ આવું નહીં થાયને? સુપ્રીમ કોર્ટે જે કારણસર મરાઠા આરક્ષણ રદ કર્યું હતું એનો અભ્યાસ કરીને એ ભૂલ સુધારી લઈને શા માટે મરાઠા સમાજને આરક્ષણ આપવું જોઈએ એનો રાજ્યમાં અઢી કરોડ લોકોનો ઇમ્પીરિકલ ડેટા તૈયાર તૈયાર કરવામાં આવ્યો છે એટલે કાનૂની લડતમાં પણ આ નિર્ણયને હવે કોઈ અડચણ નહીં આવે એવો દાવો મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કર્યો છે.

રાજ્ય સરકારે ત્રણ મહિના પહેલાં મરાઠા સમાજને આરક્ષણ આપવા માટેનું કહ્યું હતું. આ બાબતે વિશેષ સત્ર બોલાવીને વિધાનસભા અને વિધાન પરિષદમાં મરાઠા સમાજને ૧૦ ટકા આરક્ષણ આપવા માટેનું બિલ રજૂ કરવામાં આવ્યું હતું, જેને એકમતે મંજૂરી આપવામાં આવી હતી. મરાઠા સમાજને આરક્ષણ આપવા બાબતે સમિતિ નીમવામાં આવી હતી. એણે મરાઠા સમાજના લોકોને શિક્ષણ અને નોકરીમાં ૧૦ ટકા આરક્ષણ આપવા માટે કરેલી ભલામણને સ્વીકારીને રાજ્ય સરકારે આ નિર્ણય લીધો હતો. સરકારના આ નિર્ણયથી મરાઠા સમાજને બીજા પછાત વર્ગની જેમ લાભ મળશે એવો દાવો કરવામાં આવ્યો હતો.

મરાઠા સમાજને આરક્ષણ આપવા માટેના બિલ પર ચર્ચા કરતી વખતે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું હતું કે ઓબીસી કે બીજા સમાજના આરક્ષણને ઠેસ પહોંચાડ્યા વિના મરાઠા સમાજ માટે શિક્ષણ અને નોકરીમાં આરક્ષણ પ્રદાન કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ નિર્ણય કાનૂની રીતે ટકશે? એ વિશે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું હતું કે ‘સરકારના નિર્ણયને કાનૂની રીતે ટકાવવા માટે અમે મરાઠા આરક્ષણની જોરદાર વકાલત કરનારા કાનૂની નિષ્ણાતોની મદદ લઈ રહ્યા છીએ. એક ટાસ્ક ફોર્સ પણ બનાવવામાં આવી છે. હાઈ કોર્ટ, સુપ્રીમ કોર્ટ સહિત અન્ય કાનૂની સ્તરો પર મરાઠા સમાજને આપવામાં આવેલું આરક્ષણ કેવી રીતે કાયમ રાખી શકાય એ માટે ઓબીસી કમિશન સાથે સરકારે સમન્વય બનાવ્યો છે. સુપ્રીમ કોર્ટે જે કારણથી અગાઉ મરાઠા આરક્ષણને રદ કર્યું હતું એનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવામાં આવ્યો છે. સૌથી મહત્ત્વનો પૉઇન્ટ છે ઇમ્પીરિકલ ડેટા, જે અમે સમિતિ દ્વારા તૈયાર કર્યો છે. એમાં સાડાચાર લાખ કર્મચારીઓએ અઢી કરોડ લોકોની સૅમ્પલ નહીં પણ સંપૂર્ણ માહિતી એકત્રિત કરી છે. શૈક્ષણિક કે આર્થિક રીતે પછાત રહી ગયેલા મરાઠા સમાજમાં આવતા તમામ વર્ગનો એમાં સમાવેશ કરવામાં આવ્યો છે. મરાઠા સમાજને આરક્ષણ આપવાના પક્ષમાં દલીલ કરવા માટે સરકારે વરિષ્ઠ વકીલોની એક સેના બનાવી છે, જે હાઈ કોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટમાં સરકારનો પક્ષ મજબૂતીથી રાખશે. આથી મને વિશ્વાસ છે કે હવે મરાઠા સમાજને આરક્ષણ આપવાના નિર્ણયને કોઈ ફેરવી નહીં શકે.’

આ કારણથી મરાઠા આરક્ષણ કોર્ટમાં ટકશે

રાજ્ય સરકારે મંજૂર કરેલા મરાઠા સમાજને આરક્ષણ આપવાના બિલમાં જણાવવામાં આવ્યું છે કે મરાઠા સમાજમાં ૮૪ ટકા લોકો પછાત છે. તેમને મુખ્ય પ્રવાહમાં લાવવા માટે શિક્ષણ અને નોકરીમાં આરક્ષણ આપવાની જરૂર છે. રાજ્યના ઓબીસી કમિશને દેશનાં વિવિધ રાજ્યોમાં પ્રચલિત આરક્ષણ પ્રકરણ અને ઉદાહરણ તપાસીને એમાં અનેક રાજ્યોમાં આરક્ષણની પચાસ ટકાની મર્યાદા વધારી હોવાનું જણાયું છે. ઓબીસીમાં અત્યંત પછાત રહી ગયેલા સમાજને સામેલ કરવાની દૃષ્ટિએ યોગ્ય રીતે વર્ગીકરણ કરવાનું જરૂરી હોવાથી બિહાર અને તામિલનાડુ વગેરે રાજ્યોએ ૬૯ ટકા જેટલું આરક્ષણ આપ્યું છે. આથી મહારાષ્ટ્રમાં પણ પચાસ ટકાની આરક્ષણની મર્યાદા વધારી શકાય છે. ઓબીસી કમિશને આ અભ્યાસના આધારે રાજ્યમાં મરાઠા સમાજને અલગથી ૧૦ ટકા આરક્ષણ આપવાની ભલામણ કરી હતી, જેને સરકારે સ્વીકારી છે. ભારતના બંધારણની કલમ ૧૪ અંતર્ગત કેટલાંક પ્રકરણોમાં પચાસ ટકાથી વધુ આરક્ષણ આપવાની જોગવાઈ છે. એને આધાર બનાવીને રાજ્ય સરકારે મરાઠા સમાજને આરક્ષણ આપવાનો નિર્ણય લીધો છે.

મનોજ જરાંગે પાટીલની ઓબીસીમાંથી આરક્ષણ મેળવવાની હઠ

રાજ્ય સરકારે મરાઠા સમાજને ૧૦ ટકા આરક્ષણ આપવાનો નિર્ણય ગઈ કાલે લીધો હતો ત્યારે આરક્ષણ મેળવવા માટે ૧૧ દિવસથી જાલનાના અંતરવાલી સરાટીમાં અનશન કરી રહેલા મનોજ જરાંગે પાટીલે સરકારના આ નિર્ણયને અયોગ્ય ગણાવ્યો હતો. તેણે સારવાર બંધ કરવાની સાથે સલાઇનની નળી ફેંકી દીધી હતી. તેણે મરાઠા સમાજને કુણબી તરીકે ઓબીસીમાંથી આરક્ષણ આપવાની માગણી કરી છે. રાજ્ય સરકારના આરક્ષણ આપવાના અગાઉના નિર્ણયને કોર્ટે રદ કર્યો હતો. આથી હવે ઓબીસીમાંથી જ મરાઠા સમાજ માટે આરક્ષણ મેળવીને જ રહીશ. સરકારને અમે સમય આપ્યો, સંયમ રાખ્યો. કુણબી પ્રમાણપત્ર આપવાના સરકારના અધ્યાદેશ સામે ૬ લાખ લોકોએ વાંધો ઉઠાવ્યો હોવાનો દાવો મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કર્યો છે. શા માટે આ લોકોનો વિરોધ છે એનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. ટૂંક સમયમાં આ તમામ વાંધાઓને દૂર કરવામાં આવશે. આ વિશે મનોજ જરાંગે પાટીલે કહ્યું હતું કે ‘સરકાર પાસે યંત્રણા છે. તે ધારે તો ઓબીસી સમાજમાંથી મરાઠા સમાજને કુણબી પ્રમાણપત્ર આપવામાં આવી રહ્યા છે એની સામે વિરોધ નોંધાવનારાઓને સમજાવી શકે છે. આવતી કાલે ૧૨ વાગ્યે નિર્ણાયક બેઠક કરીને આંદોલનની આગળની દિશા નક્કી કરવામાં આવશે.’

મરાઠાને ૧૬માંથી ૧૦ ટકા આરક્ષણ કેમ અપાયું?

પૃથ્વીરાજ ચવાણ મુખ્ય પ્રધાન હતા ત્યારે મરાઠા સમાજને ૧૬ ટકા આરક્ષણ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જે હવે ૧૦ ટકા કરવામાં આવ્યું છે. આ વિશે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગઈ કાલે કહ્યું હતું કે ‘કોર્ટે ૧૬ ટકા આરક્ષણ આપવાના નિર્ણયને ફગાવી દીધો હતો. આથી હું જ્યારે મુખ્ય પ્રધાન હતો ત્યારે અમે શિક્ષણમાં ૧૨ ટકા અને નોકરીમાં ૧૩ ટકા આરક્ષણ આપવાનો નિર્ણય લીધો હતો. હવે ઓબીસી કમિશને મરાઠા સમાજને ૧૦ ટકા આરક્ષણ આપવાની ભલામણ કરી છે એના આધારે સરકારે નિર્ણય લીધો છે. સરકારના આ નિર્ણયથી હવે મરાઠા આરક્ષણનો કાયદો મંજૂર થઈ ગયો છે. આથી જ્યારે નોકરી માટેની જાહેરાત કાઢવામાં આવશે એમાં મરાઠા સમાજ માટે આરક્ષણ લાગુ કરવામાં આવશે. ઓબીસી સમાજને આપેલા આરક્ષણને ટચ કર્યા વિના મરાઠા સમાજને ૧૦ ટકા આરક્ષણ આપવામાં આવ્યું છે.’

mumbai news mumbai eknath shinde political news devendra fadnavis maharashtra news