આજની તારીખે આંબા છે, કાલે નો આઇડિયા

17 February, 2024 07:47 AM IST  |  Mumbai | Rohit Parikh

આવું કહેવું છે કેરીના ઉત્પાદકો અને વેપારીઓનું. એનું કારણ છે કેરીના મોરના અભાવ ઉપરાંત હવામાનમાં ફેરફારથી થતી થ્રીપ્સ જેવી જીવાત. એ કેરીના ઝાડને નુકસાન પહોંચાડતી હોવાથી મૅન્ગોની આવક ઓછી રહેવાની ભારોભાર શક્યતા

પ્રતીકાત્મક તસવીર

કમોસમી વરસાદ અને તાપમાનમાં અણધાર્યા વધારાએ મહારાષ્ટ્રમાં આફૂસ કેરીના ઉત્પાદન પર પ્રતિકૂળ અસર કરી છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં કમોસમી વરસાદ, ખાસ કરીને કેરીનાં ફૂલ અને ફળના વિકાસના સમય દરમિયાન કમોસમી વરસાદ સિવાય નીચા તાપમાનમાં વધારો અને પછી ફેબ્રુઆરીથી માર્ચ દરમિયાન મહત્તમ તાપમાનમાં અચાનક વધારો પણ કેરીના ઉત્પાદન અને એના ગુણોને અસર કરે છે. થાણે, પાલઘર, રાયગડ, રત્ના​ગિ​રિ અને સિંધુદુર્ગના કોંકણ જિલ્લાઓ આનાથી સૌથી વધુ પ્રભાવિત થયા છે. આ જિલ્લાના કેરી ઉત્પાદકો માટે આ વર્ષ અલગ નથી એવો નિર્દેશ દેવગઢ તાલુકા મૅન્ગો ગ્રોઅર્સ કો-ઑપરેટિવ સોસાયટી લિ​મિટેડના કોર મેમ્બરે આપ્યો હતો. જોકે અત્યારે તો નવી મુંબઈના વાશીની એપીએમસીમાં આવેલી હોલસેલ ફ્રૂટમાર્કેટમાં દેવગઢ કેરીની ૩૦૦૦ પેટીની આવક છે જે આવતા મહિનામાં એકદમ ઘટી શકે એમ છે. એટલું જ નહીં, કેરીના નવા ઉત્પાદનની ગુણવત્તા નબળી હોવાની શક્યતાઓ પણ છે.

ગયા વર્ષના અંતમાં વિસ્તૃત ચોમાસું, ચક્રવાત અને હવામાનની પૅટર્નમાં સામાન્ય ફેરફારને કારણે મહારાષ્ટ્રના કોંકણ પ્રદેશમાં આફૂસ કેરીના ઉત્પાદન પર અસર પડી છે. આ માહિતી આપતાં દેવગઢ તાલુકા મૅન્ગો ગ્રોઅર્સ કો-ઑપરેટિવ સોસાયટી લિમિટેડના કોર મેમ્બર ઍડ્વોકેટ ઓમકાર સાપરેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ વર્ષે કેરીનું ઉત્પાદન લગભગ ૩૦થી ૪૦ ટકા ઓછું રહેવાની ધારણા છે અને માર્ચના મધ્યમથી એપ્રિલના અંત સુધીમાં જ બજારમાં આવવાની શક્યતા છે. હું છેલ્લાં દસ વર્ષથી હવામાનમાં મોટા ફેરફારોને કારણે ઉત્પાદનમાં ફેરફાર જોઉં છું. ૨૦૦૯ની સાલમાં કોંકણમાં ફયાન ચક્રવાત ત્રાટક્યો ત્યારથી કેરીનું ઉત્પાદન દર વર્ષે ધીમે-ધીમે ઘટી રહ્યું છે. આ સિવાય હવે આજની યુવા પેઢીને ખેતીમાં રસ ન હોવાની પણ સીધી અસર કેરીના પાક પર થાય છે. પહેલાંના સમય કરતાં હવે ફક્ત પચાસ ટકા ઉત્પાદન જ થઈ રહ્યું છે. ધીરે-ધીરે એમાં પણ વધુ ઘટાડો થવાની શક્યતાઓ છે.’

ફૂલોના અભાવ ઉપરાંત હવામાનમાં ફેરફાર થ્રીપ્સ જેવી જીવાત પણ લાવ્યા છે જે કેરીના ઝાડને નુકસાન પહોંચાડે છે એમ જણાવીને ઓમકાર સાપરે કહ્યું હતું કે ‘કમોસમી વરસાદ અને બદલાતા હવામાનને લીધે જંતુઓના હુમલાના બનાવો વધ્યા છે. આમ છતાં એના પાકના આંકડા અમને આવતા મહિનામાં ઉત્પાદનના સમયે જ મળશે. જોકે આ પાકની ગુણવત્તા નબળી હોવાની પૂરી શક્યતાઓ છે.’

જોકે આ સંજોગોમાં પણ નવી મુંબઈના વાશીની એપીએમસીમાં આવેલી હોલસેલ ફ્રૂટમાર્કેટમાં ગયા વર્ષ કરતાં આ ફેબ્રુઆરીમાં દેવગઢની કેરીની વધુ આવક છે એમ જણાવીને ફ્રૂટમાર્કેટના ​ડિરેક્ટર સંજય પાનસરેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગયા ફેબ્રુઆરીની ૩૦૦ પેટીની આવક સામે આ વખતે ૩૦૦૦ પેટીની આવક છે. જોકે કમોસમી વરસાદ અને હવામાનમાં ફેરફારને કારણે કેરીનાં ફૂલ પર થ્રીપ્સ જેવી જીવાત આવી હોવાથી કેરીના ઝાડને નુકસાન થયું છે. એને કારણે કેરીના ઉત્પાદન પર અસર થવાની શક્યતાઓ નકારી શકાતી નથી. આ સંજોગોમાં કેરીની આવક આવતા મહિને ઘટવાની શક્યતા છે.’

દાવા સામે પ્રતિદાવો
એક બાજુ એપીએમસીની ફ્રુટ માર્કેટના ડિરેક્ટરનું કહેવું છે કે ગઈ કાલે એક જ દિવસમાં કેરીની કુલ ૩૦૦૦ પેટીની આવક થઈ છે જે ગયા વર્ષના ૩૦૦ની સરખામણીએ દસ ગણી વધારે છે. જ્યારે બીજી બાજુ, દેવગઢ તાલુકા મૅન્ગો ગ્રોઅર્સ કો-ઑપરેટિવ સોસાયટી લિમિટેડનું કહેવું છે કે તેમણે હજી સુધી એક પણ કેરીની પેટી એપીએમસી માર્કેટ નથી મોકલાવી.

mumbai news mumbai konkan maharashtra news