20 August, 2024 06:38 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
વાયરલ વીડિયોમાંથી લેવાયેલ સ્ક્રીનશોટ
ચર્ચગેટ-વિરાર ફાસ્ટ ઍર-કન્ડિશન્ડ લોકલ ટ્રેન (AC Local Train)માં મુસાફરનું બેફામ વર્તન રેલવે ટ્રાવેલિંગ ટિકિટ એક્ઝામિનર (TTE) સાથે મારઝૂડમાં પરિણમ્યું હતું. 15 ઑગસ્ટના રોજ બનેલી આ ઘટનાનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો હતો. હુમલાખોરોમાંથી એક અનિકેત ભોસલે હવે આગળ આવ્યો છે અને તેણે પોતાના કૃત્ય માટે શીખ સમુદાયની માફી માગી છે. મરાઠી ન્યૂઝ પોર્ટલના અહેવાલ મુજબ તેને અને તેના પરિવારને ભારત અને વિદેશમાંથી અજાણ્યા વ્યક્તિઓ તરફથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી છે.
ખરેખર શું થયું?
ઝઘડો ત્યારે શરૂ થયો જ્યારે મુખ્ય ટિકિટ નિરીક્ષક જસબીર સિંહ નિયમિત ટિકિટ તપાસ કરી રહ્યા હતા અને એસી કોચ (AC Local Train)માં ફર્સ્ટ ક્લાસ ટિકિટ ધરાવતા ત્રણ મુસાફરોને પકડી પાડ્યા હતા. સિંહે તેમને રેલવેના નિયમો અનુસાર યોગ્ય દંડ ચૂકવવા જણાવ્યું હતું.
જોકે, અન્ય મુસાફર અનિકેત ભોસલે સિંહ સાથે દલીલ કરવા લાગ્યો હતો. ભોસલેએ સિંહ સાથે દુર્વ્યવહાર કર્યો અને તેમના પર હુમલો કર્યો, તેમનું શર્ટ ફાડી નાખ્યું તે સાથે સંઘર્ષ વધુ તીવ્ર બન્યો હતો. આ ઝપાઝપીને કારણે સિંહને અન્ય મુસાફરો પાસેથી દંડ તરીકે વસૂલવામાં આવેલા રૂા. 1,500 ગુમાવવા પડ્યા હતા અને સિંહની ફરજોમાં વિક્ષેપ પાડતા ટ્રેન (AC Local Train)ને અસ્થાયી ધોરણે બોરીવલી ખાતે રોકી દેવામાં આવી હતી.
આ ઘટના બાદ ભોસલે વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. જોકે, ઘટનાક્રમમાં વળાંક આવ્યો અને ભોસલેએ તેમની ભૂલ કબૂલ કરી, સિંહને 1,500 રૂપિયા ચૂકવ્યા અને લેખિત માફી માગી હતી. તેણે ચિંતા વ્યક્ત કરી કે આ ઘટના તેની નોકરીની સંભાવનાઓને કેવી રીતે અસર કરી શકે છે અને માફી માટે વિનંતી કરી હતી. સિંહે ભોંસલેને માફ કરવાનું પસંદ કરીને, આ બાબતને બાકી રાખવા માટે સંમત થયા, અને અધિકારીઓએ ચેતવણી સાથે ભોંસલેને મુક્ત કરવાનો નિર્ણય કર્યો હતો.
અજાણ્યા વ્યક્તિઓ દ્વારા મૃત્યુની ધમકીઓ મોકલવામાં આવી
એબીપી માઝાના અહેવાલ અનુસાર, જ્યારે ભોંસલેને શીખ સમુદાયના સભ્યો, સ્થાનિક અને વિદેશી નાગરિકો તરફથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી ત્યારે પરિસ્થિતિએ બીજો વળાંક લીધો. આ ધમકીઓ કથિત રીતે તકરાર દરમિયાન ભોંસલેની ક્રિયાઓને કારણે આવી હતી, જ્યાં તેણે કથિત રીતે સિંહની પાઘડી અને દાઢીને સ્પર્શ કરીને તેનો અનાદર કર્યો હતો, જે શીખો માટે ઊંડું ધાર્મિક મહત્વ ધરાવે છે.
મુંબઈ સ્થિત ઇન્સ્ટાગ્રામ પ્રભાવક વિકી થોમસ સિંહ, શીખ સમુદાયનું પ્રતિનિધિત્વ કરતાં ભોસલેને એક-એક સામસામે ખુલ્લો પડકાર જાહેર કર્યો, જાહેર માફીની માગણી કરી અને જો ભોસલે તેનું પાલન નહીં કરે તો ગંભીર પરિણામોની ધમકી આપી.
ભોસલે જાહેરમાં માફી માગી
જવાબમાં, ભોસલે તેના પરિવાર સાથે એક ગુરુદ્વારાની મુલાકાત લીધી, જ્યાં તે વિકી થોમસ સિંહ અને તેના સહયોગીઓને મળ્યો. ભોસલેએ જાહેરમાં માફી માગી અને ત્યારબાદ તેણે શીખોના પવિત્ર ગ્રંથ ગુરુ ગ્રંથ સાહિબ સમક્ષ પ્રાર્થના કરી હતી અને તેના હિંસક કૃત્ય માટે દિલગીરી વ્યક્ત કરી હતી.