16 November, 2024 12:00 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
થાણેના ઘોડબંદર રોડ પર આવેલા કાસારવડવલી વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના બની હતી, જેમાં કૂતરો ભસવાથી પાડોશમાં રહેતા પુરુષે એક મહિલા અને તેની મમ્મીનો વિનયભંગ કર્યો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસના જણાવ્યા મુજબ ૩૯ વર્ષની ફરિયાદી મહિલા બુધવારે બપોર બાદ ૪.૩૦ વાગ્યે તેના ડૉગી સાથે ઘરની બહાર નીકળી હતી ત્યારે ડૉગી પાડોશમાં રહેતા ગૌતમ નામના યુવક પર ભસ્યો હતો. આથી ગુસ્સામાં આવીને પચીસ વર્ષના ગૌતમે ડૉગીને પથ્થર માર્યો હતો. પથ્થર મારવાને લીધે ફરિયાદી મહિલાનાં ૬૪ વર્ષનાં મમ્મીએ ગૌતમનો વિરોધ કર્યો હતો. બન્ને પક્ષે બોલાચાલી થઈ રહી હતી ત્યારે ગૌતમના પરિવારજનો પણ ઘરમાંથી બહાર આવી ગયા હતા. તેમણે ફરિયાદી મહિલા અને તેની મમ્મીને ધક્કો માર્યો હતો અને આરોપી ગૌતમે ફરિયાદી મહિલાનાં કપડાં ફાડી નાખ્યાં હતાં. આથી ગૌતમ અને તેનાં મમ્મી સહિત અન્ય એક મહિલા સામે મારપીટ કરવાની સાથે વિનયભંગની ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે.