06 January, 2023 09:25 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ખીણમાં પડી ગયેલા અબ્દુલ શેખને શોધવા રેસ્ક્યુ ટીમના સભ્યોએ રાતના અંધારામાં રેસ્ક્યુ ઑપરેશન હાથ ધર્યું હતું.
મુંબઈ : નાનીએવી મૂર્ખામી કેવી જીવલેણ બની શકે એનું ઉદાહરણ મંગળવારે જોવા મળ્યું હતું. વાંદરાઓ સાથે સેલ્ફી લેવાના ચક્કરમાં ૮૦૦થી ૧૦૦૦ ફુટ ઊંડી ખીણમાં પડી જતાં ૩૯ વર્ષના અબ્દુલ શેખનું મૃત્યુ થયું હતું.
મૂળ લાતુરનો અને હાલ નરસાપુરમાં રહેતો વ્યવસાયે શિક્ષક અબ્દુલ શેખ મંગળવારે ફોર-વ્હીલરમાં પુણેથી કોંકણ જઈ રહ્યો હતો. સાંજે ૬ વાગ્યે વરંડા ઘાટમાં વાઘજઈ મંદિર પાસે તેણે કાર ઊભી રાખી હતી અને ત્યાં વાંદરાઓને જોઈને એમની સાથે સેલ્ફી લેવા માંડ્યો હતો. જોકે એ વખતે તેનું ધ્યાન ન રહેતાં તે ખીણના કિનારા સુધી પહોંચી ગયો હતો અને ત્યાર બાદ ૮૦૦થી ૧૦૦૦ ફુટ નીચે ખીણમાં ફંગોળાઈ ગયો હતો. તરત જ આ બાબતે પુણે ગ્રામીણ હેઠળ આવતી ભોર પોલીસને જાણ કરવામાં આવી હતી. ભોર પોલીસે મહારાષ્ટ્ર માઉન્ટેનિયર રેસ્ક્યુ કો-ઑર્ડિનેશન સેન્ટર (એમએમઆરસીસી)ને એ વિશે જાણ કરી હતી. એક જ કલાકમાં તેમની અલગ-અલગ પાંચ ટીમ સ્પૉટ પર ભેગી થઈ ગઈ હતી. આ વિશે વધુ માહિતી આપતાં એમએમઆરસીસીના કો-ઑર્ડિનેટર રાહુલ મેશરામે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારી રેસ્ક્યુ ટીમના કુલ ૨૫થી ૩૦ સભ્યોએ હેડ ટૉર્ચ, દોરડાંઓ અને અન્ય સાધનો સાથે ખીણમાં ઊતરવાનું શરૂ કર્યું હતું. રાતના અંધકારમાં અબ્દુલ જ્યાંથી પડ્યો હતો ત્યાંની તૂટેલી ડાળીઓ, ઘાસ-પાંદડાં અને અન્ય ચિહનોના આધારે નીચે ઊતરતાં રાતે ૧૦ વાગ્યે ૮૦૦થી ૧૦૦૦ ફુટ ઊંડે તેનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યાર બાદ તેની બૉડીને અમે ઉપર લાવવાનું અભિયાન હાથ ધર્યું હતું અને પરોઢિયે ૪.૪૫ વાગ્યે તે જ્યાંથી પડ્યો હતો ત્યાં ઉપર તેનો મૃતદેહ લાવવામાં આવ્યો અને ભોર પોલીસના તાબામાં આપ્યો હતો.’