25 July, 2023 09:03 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
સેલ્ફી લેતી વખતે માણસ સપ્તકુંડા ધોધમાં પડી ગયો, સદ્નસીબે બચાવી લેવાયો
ઔરંગાબાદ (પી.ટી.આઇ.) ઃ ઔરંગાબાદમાં સુપ્રસિદ્વ અજંતાની ગુફાઓ પાસે ૩૦ વર્ષનો યુવાન સેલ્ફી લેતી વખતે ધોધમાં પડી ગયો હતો. જોકે, ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે તાત્કાલિક તેને બચાવી લીધો હતો. સોયેગાંવ તાલુકાના નંદતાંડામાં રહેતો ગોપાલ ચવાણ રવિવારે તેના ચાર મિત્રો સાથે અજંતાની ગુફા જોવા ગયો હતો. ગુફાઓની મુલાકાત લીધા પછી તે વ્યક્તિ અજંતા વ્યુ પૉઇન્ટ પર પહોંચ્યો હતો. પોલીસે કહ્યું કે સેલ્ફી લેતી વખતે ગોપાલનો પગ લપસી ગયો હતો અને ગુફાથી નજીક આવેલા સપ્તકુંડા ધોધમાં પડી ગયો હતો. જોકે તરવૈયો હોવાના કારણે તેણે પથ્થર પકડી લીધો અને કિનારે પહોંચી ગયો હતો. પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને એક કલાકની જહેમતના અંતે તેને બચાવી લીધો હતો.
પાલઘરમાં ઉફાને વહેતી નદીમાં ૪૮ વર્ષની વ્યક્તિ તણાઈ
પાલઘર (પી.ટી.આઇ.) ઃ પાલઘરમાં ઉફાને વહી રહેલી નદીમાં ૪૮ વર્ષની વ્યક્તિ તણાઈ ગઈ હોવાનું પોલીસે જણાવ્યું હતું. ડિસ્ટ્રિક્ટ ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ સેલના અધિકારી વિવેકાનંદ કદમે જણાવ્યું હતું કે આ ઘટના રવિવારે સાંજે ૬.૪૫ વાગ્યે બની હતી, જ્યારે તલાસરી વિસ્તારના સાંબા ખાતે અદાગ પાડાનો શખ્સ નદી પાર કરી રહ્યો હતો ત્યારે તે નદીના ધસમસતા પ્રવાહમાં તણાઈ ગયો હતો.
માલગાડીની અડફેટમાં આવતાં થાણેની નર્સે હાથ-પગ ગુમાવ્યા
થાણે, (પીટીઆઇ): થાણે જિલ્લાના આસનગાંવ ખાતે ૫૩ વર્ષની નર્સ ટ્રેનની અડફેટે આવી જતાં તેણે એક હાથ અને એક પગ ગુમાવ્યા હોવાનું જીઆરપી અધિકારીએ રવિવારે જણાવ્યું હતું.
પોલીસના જણાવ્યા મુજબ સાયનની હૉસ્પિટલમાં કામ કરતી નર્સની ઓળખ વિદ્યા વખારીકર તરીકે થઈ છે. આસનગાંવ પ્લૅટફૉર્મ પરથી સાયન જવાની ઉતાવળમાં શૉર્ટકટ અપનાવવા તે માલગાડીની નીચેથી ચાલીને પાટા ઓળંગવાનો પ્રયાસ કરી રહી હતી. અચાનક માલગાડી ચાલુ થઈ જતાં તેણે હાથ અને પગ ગુમાવવાનો વારો આવ્યો હતો. હાલ તેને સાયનની હૉસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.